સપરિવાર ભોજન લેવાથી સ્થૂળતાનું જોખમ ઘટે
લંડનઃ જર્નલ ઓફ પીડીઆટ્રિક્સમાં પ્રસિદ્ધ નવા અભ્યાસ અનુસાર કુટુંબ સાથે મળીને ભોજન કરવાથી સ્થૂળતા અટકાવવામાં મદદ મળે છે. યુનિવર્સિટી ઓફ મિનેસોટા અને કોલંબિયા યુનિવર્સિટીના સંશોધકોએ ૧૦ વર્ષના અભ્યાસ દરમિયાન કિશોરાવસ્થામાં લેવાતાં આહાર, શારીરિક પ્રવૃત્તિ અને વજનને નિયંત્રિત કરતી વર્તણૂંકો સહિત વજન સંબંધિત મુદ્દાઓ પર નજર રાખી હતી.
આ ઉપરાંત પરિવાર સાથે કેટલી વખત ભોજન લેવાય છે અને બોડી માસ ઈન્ડેક્ષ આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અભ્યાસમાં ભાગ લેનારાઓમાંથી ૫૧ ટકાનું વજન વધુ પડતું હતું અને ૨૨ ટકા સ્થૂળ હતા. ૧૦ વર્ષના ગાળા પછી કિશોરા-વસ્થામાં સપ્તાહમાં ઓછામાં ઓછાં ૧-૨ વખત પરિવાર સાથે ભોજન લેનારાનું વજન અને સ્થૂળતાની સરખામણીએ પરિવાર સાથે કદી ભોજન નહિ લેનારા કિશોરોમાં ૬૦ ટકાનું વજન ઘણું વધારે હતું અને ૨૯ ટકા સ્થૂળ હતાં.
