અંધશ્રદ્ધા દુર કરવા પ્રધાને સ્મશાનમાં ભોજન કરી રાત વિતાવી!
બેલગાવીઃ કર્ણાટકના લોકોમાંથી ભૂત-પ્રેત વગેરેની અંધશ્રદ્ધા દૂર કરવા ત્યાંના એક્સાઈઝ વિભાગના પ્રધાન સુરેશ જર્કીહોલીએ અનેક લોકો સાથે આખી રાત સ્મશાનમાં વીતાવી હતી. તેમણે વૈકુંઠ ધામમાં બાબાસાહેબ આંબેડકરને તેમની નિર્વાણ તિથિએ શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી.
બેલગાવી સિટી કોર્પોરેશન દ્વારા સંચાલિત સ્મશાનમાં આ અંગે તેમણે કહ્યું હતું કે, ‘પ્રથમ તો સ્મશાનમાં રાતવાસો કરીને હું એ અંધશ્રદ્ધાને દૂર કરવા માંગું છું કે આવા સ્થાનોમાં ભૂત-પ્રેતનો વાસ હોય છે. બીજું તે અંગે લોકોમાં રહેલી ભયની લાગણીને હું દૂર કરવા ઇચ્છું છું, કારણ કે હકીકતમાં સ્મશાન એ પવિત્ર ભૂમિ ગણાય છે.’ તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ સત્તામાં ન રહે તો પણ આ પ્રકારે અંધશ્રદ્ધા નિર્મૂલન કરતા રહેશે.
