કચ્છનાં ૩૫૩ ગામ અછત-અર્ધઅછતગ્રસ્ત જાહેર
ભૂજઃ રાજ્યમાં ચોમાસા દરમિયાન સૌથી ઓછા વરસાદથી સૂકા ભઠ્ઠ થયેલા કચ્છના ૩૫૩ જેટલા ગામોને આખરે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે અછત અને અર્ધઅછતગ્રસ્ત જાહેર કરીને આ તમામ ગામડાઓમાં પશુઓ માટે ઘાસચારો અને લોકો માટે પીવાના પાણી સહિતની અછતની કામગીરી માટે સાબદું કર્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં અપૂરતા વરસાદના લીધે સર્જાયેલી પીવાના પાણીની સમસ્યા, ઘાસચારો અને કૃષિપાકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છના સૌથી અસરગ્રસ્ત થયેલા ૩૫૩ ગામોને અછત અને અર્ધઅછતગ્રસ્ત જાહેર કરાયા છે. આ માટે ખરીફ-૧ના કૃષિપાકોની આનાવારી હાથ ધરાઇ હતી, જેમાં ૭૯ ગામમાં સંપૂર્ણ અછતની સ્થિતિ જણાઇ હતી. જ્યારે ૨૭૪ ગામમાં અર્ધઅછતની સ્થિતિ જણાઇ હતી. આમ આ તમામ ગામોને અછત અને અર્ધઅછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ સ્થિતિ જાહેર થતા જ આનુષાંગિક અછત રાહતના પગલાં જેમાં નાના સિમાંત ખેડૂતો અને ગરીબો માલધારીઓને પશુદીઠ દૈનિક ચાર કિલોગ્રામ ઘાસ બે રૂપિયે કિલોના ભાવે મળશે.
