કોમેડી-એક્શન ફિલ્મ
વિશુ (અજય દેવગન) અને મૂસા (કુણાલ રોય કપૂર) બન્ને મિત્રો છે. નાનું-મોટું ખોટું કામ કરીને જીવન જીવે છે. વિશુની ઇચ્છા છે કે એક દિવસ તે ડાન્સર બને. એક વખત વિશુની મુલાકાત ખુશી (સોનાક્ષી સિન્હા) સાથે થાય છે. ખુશી પોતાને અપશુકનિયાળ છોકરી માને છે. તે કંઈ પણ કામ હાથમાં લે તો તેનું કામ બગડે જ છે, પણ વિશુને મળ્યા પછી તેનું નસીબ ખૂલી જાય છે. ત્રણ મુલાકાતમાં તો ખુશીને પણ આ વાત સમજાઈ જાય છે અને બંને એકબીજાની નજીક આવે છે.
આ દરમિયાન એક ઘટના એવી બને છે કે જેમાં વિશુ પર હુમલો થાય છે. વિશુને એ વાતથી બહુ નવાઈ લાગે છે આવું કેમ બન્યું. વિશુ કંઈ સમજે એ પહેલાં તો તેના પર હુમલા થવાનું પ્રમાણ વધી જાય છે. આ હુમલો કરાવવાનું કામ બીજું કોઈ નહીં પણ આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર ઝેવિયર (આંનદ રાજ) કરાવી રહ્યો છે. પોતે કયા કારણે ઝેવિયરને ખૂંચે છે એ જાણવાના પ્રયાસમાં વિશુ સામે એક એવું મોટું રહસ્ય ખૂલે છે અને તેને ખૂબ આશ્ચર્ય થાય છે. હવે આગળની સ્ટોરી જાણવા ‘એક્શન-જેક્સન’ ફિલ્મ જોવી રહી.
---------------------------------
નિર્માતાઃ ગોરધન તનવાણી અને સુનિલ એ. લુલ્લા
દિગ્દર્શકઃ પ્રભુદેવા
ગીતકારઃ શબ્બીર એહમદ અને સમીર
સંગીતકારઃ હિમેશ રેશમિયા
ગાયકઃ હિમેશ રેશમિયા, અંકિત તિવારી, નીતિ મોહન, શામલી ખોલગડે, નીરજ શ્રીધર, પલક મૂછ્છલ
