બાળકોને નિયમ તોડતાં શીખવો!
લંડનઃ માતા-પિતા હંમેશા એવું ઇચ્છતા હોય છે તેમનું સંતાન આજ્ઞાકારી બને. નીતિનિયમોનું પાલન કરે. શિક્ષકો પણ ઇચ્છતા હોય છે કે તેમના વિદ્યાર્થીઓએ ચોક્કસ નિયમોનું પાલન કરવું જોઇએ, પરંતુ રટલેન્ડની પ્રતિષ્ઠિત ખાનગી કો-એજ્યુકેશન બોર્ડિંગ સ્કૂલ ઓકહામ સ્કૂલના હેડ માસ્ટર નાઈજેલ લેશબ્રૂક આથી ઉલ્ટું જ માને છે. તેઓ માને છે કે બાળકો સ્વતંત્રપણે વિચારતા શીખે તે માટે તેમને નિયમ તોડતાં પણ આવડવું જરૂરી છે. તેમણે તો શિક્ષકોને સલાહ આપી છે કે વિદ્યાર્થીઓને નિયમોના ભંગ કેવી રીતે કરાય તે પણ શીખવજો.
લેશબ્રૂક પોતાની માન્યતાના સમર્થનમાં કહે છે કે કોઇ પણ નિયમો સામે પડકાર આપવો પ્રગતિ અથવા પરિવર્તનની પ્રેરણા બની શકે છે તે ઈતિહાસે આપણને વારંવાર શીખવ્યું છે. બાળકોને બંડ કે બળવાની મહાન ઘટનાઓનો ઈતિહાસ શીખવવો પૂરતો નથી, તેમને એ પણ શીખવવું જોઇએ કે જાતે બળવો કેવી રીતે કરી શકાય.
ઓકહામ સ્કૂલમાં યોજાયેલા ‘રુલ્સ એન્ડ રીબેલિયન વીક’ના સમાપન સમારોહને સંબોધતા લેશબ્રૂકે કહ્યું હતું કે, ‘અમે ઓકહામ ખાતે વિકસતા જિજ્ઞાસુ બાળકોને માત્ર માહિતી એકત્ર કરવાનું જ શીખવતા નથી, પરંતુ હાથ ઊંચો કરી આ માહિતી ક્યાંથી આવી તેવા પ્રશ્ન ઉઠાવવાનું શીખવીને તેમનામાં આત્મવિશ્વાસ પણ જગાવીએ છેએ.’ તમને જાણીને નવાઇ લાગશે કે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીને નિયમોનો ભંગ કરવાનું પ્રોત્સાહન આપતા લેક્ચર્સ સંભળાવાયા હતા.
