બ્રિટિશ સાંસદ સંસદમાં આઇપેડ પર ગેમ રમતા ઝડપાતા વિવાદ
લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ સાંસદો હવે આઇપેડ પર ગેમ રમવા લાગ્યા છે. કન્ઝર્વેટિવ સાંસદ નાઈજેલ મિલ્સની ગેમ રમતી તસવીર બહાર આવતાં બ્રિટનમાં વિવાદ સર્જાયો છે.
હાઉસ ઓફ કોમન્સમાં ગૃહના કામકાજ અને પેન્શન નિયમોના મુદ્દે ચર્ચા ચાલતી હતી ત્યારે સાંસદ મિલ્સ ઓનલાઇન ગેમ ‘કેન્ડી ક્રશ સાગા’ રમી રહ્યા હતા. મીડિયાના લોકોએ આ મુદ્દે તેમને પ્રશ્ન કરતાં તેમણે કહ્યું હતું કે ખૂબ મહત્ત્વના મુદ્દે ચર્ચા થઈ રહી હતી અને મારું સંપૂર્ણ ધ્યાન ચર્ચામાં જ હતું. હું એક-બે ગેમ જ રમ્યો હતો. મારે આવું નહોતું કરવું જોઈતું પરંતુ ચર્ચાના ફૂટેજ જોશો તો જાણી શકશો કે ચર્ચામાં હું સામેલ હતો. મેં કેટલાક પ્રશ્ન પણ પૂછયા હતા.
