ભૂજ-ગાંધીધામમાં હવે ૧૧ વોર્ડની નગરપાલિકાઃ
આવતા વર્ષે ઓક્ટોબરમાં યોજાનારી સુધરાઇની ચૂંટણીનું રાજ્ય સરકારે તાજેતરમાં પ્રાથમિક જાહેરનામું બહાર પાડયું છે. જેમાં રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાને નારીઓનું રાજકીય વજન વધાર્યું છે અને હવે ૫૦ ટકા ‘મહિલા અનામત’ બેઠક દાખલ થશે. આમ ભવિષ્યમાં રાજકીય ક્ષેત્રે સ્ત્રીઓ પુરુષ સમોવડી બનાવવાનું પ્રથમ કદમ બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ નવા જાહેરનામા મુજબ સુધરાઇ અને મહાપાલિકાઓમાં હવે દરેક વોર્ડમાં ત્રણના બદલે ચાર બેઠકની ગોઠવણ થશે. તેમાં બે-બે મહિલા સભ્ય હશે. કચ્છના કિસ્સામાં કુલ ૧૪-૧૪ વોર્ડ ધરાવતી ભૂજ અને ગાંધીધામ નગરપાલિકામાં હવે ૧૧ વોર્ડની રચના થશે અને ૪૪ બેઠકનું માળખું રચાશે. ૫૦ ટકા મહિલા અનામતના અમલ મુદ્દે સમગ્ર દેશમાં સૌ પ્રથમ એકમાત્ર ગુજરાત રાજ્ય બનશે. દરમિયાન આ દૃષ્ટિએ હવે કુલ પાંચ વર્ષ પૈકી અઢી વર્ષ મહિલા પ્રમુખનું શાસન રહેશે.
આગામી સત્રથી હિંમતનગરમાં મેડિકલ કોલેજઃ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આગામી શૈક્ષણિક સત્રથી મેડિકલ કોલેજ કાર્યરત થાય તેવા પ્રયાસો શરૂ થયા છે. આ કોલેજના નિરિક્ષણ માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં અરજી કરાઇ છે. આ મેડિકલ કોલેજ માટે ૧૦૦ બેઠકોની માંગણી થઇ છે. સિદ્ધપુર, હિંમતનગર અને જૂનાગઢમાં મેડિકલ કોલેજો ઝડપથી કાર્યરત થાય તે માટે સરકારે મંજૂરી આપી છે.
