સંક્ષિપ્ત સમાચાર
સીવીએમસંચાલિત બીબીઆઈટીના નવા ભવનનું ભૂમિપૂજનઃ ચારુતર વિદ્યામંડળ (સીવીએમ) સંચાલિત બી એન્ડ બી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (બીબીઆઈટી)ના મિકેનિકલ અને મેકેટ્રોનિક્સના નવા ભવન માટે સીવીએમના અધ્યક્ષ ડો. સી.એલ. પટેલનાં અમેરિકાવાસી દીકરી શોભાબહેન કિરીટકુમાર પટેલે રૂ. ૫૧ લાખનું માતબર દાન આપ્યું છે. તેમણે આ ભવન સાથે પોતાના સાસુ-સસરા શારદાબહેન-રમણભાઈ પટેલનું નામ જોડવાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. ગત સપ્તાહે મહાનુભાવોની હાજરીમાં શોભાબહેનના હસ્તે નવા ભવનનું ભૂમિપૂજન થયું હતું.
કરમસદના સ્વ. નટુભાઈ પટેલ સ્મૃતિધામનું અનાવરણઃ કરમસદના કર્મપુરુષ અને સ્વાતંત્ર્ય સેનાની સ્વ. નટુભાઈ પટેલની જન્મ શતાબ્દી નિમિત્તે પુસ્તિકાનું વિમોચન, વાટિકા અને સ્મૃતિધામના અનાવરણનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. આ પ્રસંગે સંતરામ મંદિરના પૂ. મોરારજી મહારાજ, બાપેશ્વર મહાદેવ-કરમસદના જયરામગીરી મહારાજ તથા સ્વામીનારાયણ મંદિર-આણંદના પૂ. ભગવતચરણ સ્વામી, આણંદના સાંસદ દિલીપભાઈ પટેલ, ધારાસભ્ય રોહિતભાઈ પટેલ, ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકના ચેરમેન ધીરુભાઈ ચાવડા અને અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા. સ્વ. નટુભાઈએ ૧૬ વર્ષની વયે રવિશંકર મહારાજના સાથે સમાજસેવાના કાર્ય માટે જોડાયા હતા. ઉપરાંત તેમણે ગાંધીજીની વિચારસરણી અનુસરીને હરિજનોના ઉદ્ધાર માટે કાર્યો કર્યા હતા.
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસો.ની ચૂંટણીઃ વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કારોબારી સભ્યોની પાંચ ખાલી પડેલી બેઠક માટે ૧૮ ડિસેમ્બરે ચૂંટણી યોજાતા વિઠ્ઠલ ઉદ્યોગનગરનું રાજકારણ ગરમાયું છે. હર્ષદભાઈ મહેતા (એપ્લાયન્સીસ ઈલેક્ટ્રીકલ્સ પ્રા. લી.)ના નેતૃત્વ તેમની પેનલમાં એચ.આર. પટેલ (મેઘા એન્જિનિયરિંગ), કાંતિભાઈ ભૂવા (ડીમ્પલ પોલીમર્સ), પ્રવિણ સેરસીયા (યુનિક ફોર્જીંગ પ્રા. લી) અને રાજુભાઈ પટેલ (વેરાગોન પેઈન્ટ્સ) ઉમેદવારી પત્રો ભર્યા હતા.
પીપલગ પાસે સિક્સ લેન હાઈવેનો ગ્રામજનો દ્વારા વિરોધઃ ખેડા જિલ્લાના પીપલગ ગામ નજીક નેશનલ હાઈવે નં-૮ને સિક્સ લેન કરવાની કામગીરી શરૂ થઇ છે. પરંતુ સિક્સ લેનને કારણે હાઈવે પરથી આવન-જાવનમાં ભારે તકલીફ પડતી હોવાથી ગ્રામજનોએ કામગીરીનો વિરોધ કરીને ગામમાં જવા અન્ડર બ્રિજ બનાવવાની માગણી કરીને હાઈવે પરની કામગીરી અટકાવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ગામમાં રહેતા ખેડૂતોની જમીન હાઈવેની સામે બાજુ છે. જેથી ખેડૂતો અને તેમના પરિવારને રોજ હાઈવે ક્રોસ કરીને પોતાનાં ખેતરોમાં જવું પડે છે. જેથી તેમને ભારે હાલાકીને સામનો કરવો પડે છે. ગ્રામજનોએ આ અંગે અનેક વખત રાજય સરકાર સમક્ષ રજૂઆત કરીને હાઈવે ક્રોસ કરીને સામે જવાની જગ્યાએ અન્ડરબ્રિજ બનાવવા માટે માગણી કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ અસરકાર પગલાં લેવામાં આવ્યાં ન હતાં.
