સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની અછત નહીં રહે
રાજકોટઃ સૌરાષ્ટ્ર કચ્છના આઠ હજાર ગામડાઓ અને ૧૩૦થી વધુ નગરો અને મહાનગરોમાં પાણીની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરાયાં છે. સરદાર સરોવર કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના માટેના પમ્પીંગ સ્ટેશનો અને પાઈપલાઈનના કામો આગામી બે-ત્રણ માસમાં પૂર્ણ થવામાં છે ત્યારે એશિયાના સૌથી મોટા ગણાતા ઢાંકી પમ્પીંગ સ્ટેશનની ગત સપ્તાહે પાણી પુરવઠા પ્રધાન વિજયભાઈ રૂપાણી અને રાજ્ય પ્રધાન જયેશભાઈ રાદડિયાએ સાઈટ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે રૂપાણીએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ સૌરાષ્ટ્ર અને કચ્છના છેવાડાના ગામડા સુધી નર્મદાનું પાણી પહોંચે તે માટે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. અને પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓ અથાગ મહેનત કરી રહ્યાં છે. અંદાજે ૨૮૦૦ કરોડના આ પ્રોજેક્ટનું ૯૭ ટકા જેટલુ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકીનું કામ ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂર્ણ થશે.
આ યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ ઢાંકી ખાતેથી કુલ ૩ સેક્સન જેમાં રૂ. ૮૮૭.૫૨ કરોડના ખર્ચે આશરે ૧૫૦.૩૭ કિ.મીની ઢાંકીથી હડાળા (રતનપર), રૂ.૬૮૯.૮૯ કરોડના ખર્ચે આશરે ૧૨૦ કિ.મીની ઢાંકીથી ખિરાઈ (માળિયા) અને રૂ. ૯૫૮.૧૧ કરોડના ખર્ચે આશરે ૧૭૦.૭૦ કિ.મીની ઢાંકીથી નાવડા સુધીની પાઈપલાઈન નખાઈ ચૂકી છે અને હવે ઢાંકી ખાતે ત્રણેય પમ્પીંગ સ્ટેશનની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
