ડાયાબિટીસથી બચવું છે? ભરપેટ નાસ્તો કરો!
લંડનઃ જો તમારું સંતાન દરરોજ સવારે નાસ્તો કરવામાં ધાંધિયા કરતું હોય કે કટકબટક કરીને ચલાવી લેતું રહેતું હોય તો તેની આદત બદલવા પ્રયાસ કરજો, કેમ કે તાજેતરમાં થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે નિયમિત રીતે ભરપેટ નાસ્તો કરનારા બાળકોને ટાઇપ-ટુ પ્રકારનો ડાયાબિટીસ થવાનું જોખમ ઓછું રહે છે.
સેન્ટ જ્યોર્જ યુનિવર્સિટી ઓફ લંડનના ચીફ રિસર્ચર એન્જેલા દોનીના જણાવ્યા પ્રમાણે આ અભ્યાસમાં જણાયું છે કે નિયમિત નાસ્તો અને તેમાં પણ ખાસ કરીને ઉચ્ચ ફાઇબરયુક્ત ખોરાક બાળકોમાં ટાઇપ-ટુ ડાયાબિટીસના પ્રારંભિક ખતરા સામે રક્ષણ આપે છે. બ્રિટનમાં ૯થી ૧૦ વર્ષની વયના ૪૧૧૬ બાળકોનો અભ્યાસ કર્યા બાદ આ નિષ્કર્ષ નીકળ્યો છે.
આ અભ્યાસ દરમિયાન એ વાત પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી કે નાસ્તો ક્યારે કરવામાં આવે છે અને તેમાં બાળકો શું લે છે. આ પછી ડાયાબિટીસ માપવા માટે બાળકોનો બ્લડ ટેસ્ટ કરાયો હતો. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે નિયમિત નાસ્તો નહીં કરનારા ૨૬ ટકા બાળકો પર આગળ વધતા ટાઇપ-ટુ પ્રકારનાં ડાયાબિટીસનો ખતરો વધુ છે.
