સૌથી મોટા મુસ્લિમ કબ્રસ્તાન સામે વિરોધ
સોલિહલઃ બર્મિંગહામ નજીક સોલિહલ કાઉન્સિલના ગામમાં મુસ્લિમો માટે બ્રિટનનું સૌથી મોટું કબ્રસ્તાન બનાવવાની વિવાદી યોજના સામે ભારે રોષ ફેલાયો છે. ગ્રીનબેલ્ટ જમીન પર મુસ્લિમ કબ્રસ્તાનના બાંધકામની આ યોજનાની તરફેણમાં સોલિહલ કાઉન્સિલને ૧૮૦ રજૂઆતો મળી છે. જોકે, પાસેના ગામના રહેવાસીઓ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરાયો છે. ૬૧૩ લોકોના ગામમાંથી ૧૬૦ વિરોધી રજૂઆત મળી છે.
દફનના પ્લોટ્સની ફાળવણી કરતી નેશનલ કંપની સેમેટ્રી ડેવલપમેન્ટ સર્વિસીસ દ્વારા કેથેરાઈન-દ-બાર્નેસની રળિયામણી વસાહતમાં ૧૧,૦૦૦ મુસ્લિમ દફનસ્થળના બાંધકામની પરવાનગી માગતી અરજી કરાઈ છે. કંપની કહે છે કે સોલિહલમાં વૃદ્ધોની વધતી સંખ્યા અને વંશીય લઘુમતી સમુદાયના વધતાં પ્રમાણને ધ્યાનમાં રાખતા નવા કબ્રસ્તાનની જરુર છે. ૨૦૦૧ની છેલ્લી વસ્તી ગણતરી પછી એશિયન વસ્તીમાં ૧૩૬ ટકાનો વધારો થયો છે. રાષ્ટ્રીય ૧૬ ટકાની સરખામણીએ સ્થાનિક વસ્તીના ૧૯ ટકા લોકો ૬૫ વર્ષ અને તેથી વધુ વયના છે.
સ્થાનિક ફ્યુનરલ ડિરેક્ટર્સ અનુસાર હેન્ડ્સવર્થ ખાતે મુસ્લિમો દ્વારા ઉપયોગમાં લેવાતાં કબ્રસ્તાનમાં હવે જગ્યા રહી નથી.
