ડાયરેક્ટ ફ્લાઈટ માટેની ઓલ પાર્ટી કમિટીના સભ્ય મોહનભાઇ કુંડારિયા કેન્દ્રમાં પ્રધાન પદેઃ કમિટીના મેમ્બરોએ અભિનંદન પાઠવ્યાં
અમદાવાદઃ અમદાવાદ-લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટની ઝૂંબેશ માટે ભારતમાં બનાવાયેલી ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટના કન્વીનર રાજ્યસભાના ભાજપના વ્હિપ મનસુખભાઈ માંડવિયા છે. આ કમિટીના એક સભ્ય લોકસભાના રાજકોટના સભ્ય મોહનભાઈ કુંડારિયા પણ છે. નરેન્દ્ર મોદી સરકારનું પ્રથમ વિસ્તરણ ૯ નવેમ્બરે થયું હતું. પ્રધાનમંડળમાં સામેલ ૨૧ નવા પ્રધાનોમાં મોહનભાઈનો પણ સમાવેશ થાય છે.
ડાયરેક્ટ ફ્લાઈટ કમિટીના મેમ્બર મોહનભાઈએ અગાઉ મનસુખભાઈ માંડવિયાને ખાતરી આપી હતી કે, આપણે સમૂહમાં આ પ્રશ્નને હાથમાં લઈને નાગરિક ઉડ્ડયન પ્રધાન સમક્ષ સામૂહિક રજૂઆત કરીશું. તેઓ કેન્દ્રમાં પ્રધાન બનતાં જ ઓલ પાર્ટી કમિટીના મેમ્બરો મનસુખભાઈ, પિયૂષભાઈ દેસાઈ, સાંસદ ભારતીબહેન શિયાળ વગેરેએ અભિનંદન પાઠવ્યાં હતાં.
મોહનભાઈ પ્રધાનમંડળમાં જોડાયાના એક દિવસ બાદ ૧૧ નવેમ્બરે ગુજરાત આવ્યા હતા અને ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, પ્રધાનમંડળના સભ્યો, ધારાસભ્યો વગેરેને મળ્યા હતા. તેમણે વિધાનસભા ભવનમાં ઓલ પાર્ટી કમિટીના ભારત ખાતેના કો-ઓર્ડિનેટર ભુપતભાઈ પારેખ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હવે હું પ્રધાન તરીકે કેન્દ્રમાં ડાયરેક્ટ ફ્લાઈટ માટે પ્રયત્ન કરતો રહીશ. મોહનભાઈ કુંડારિયા અને ભુપતભાઈ પારેખ બંનેનું વતન મોરબી હોવાથી બંને વચ્ચે મોરબીના પ્રશ્નો વિશે પણ વાતચીત થઈ હતી. મોહનભાઈની સાદાઈની ભાજપના ધારાસભ્યોએ ભારે પ્રશંસા કરી હતી કારણ કે તે જ દિવસે ૧૧ નવેમ્બરના રોજ ગુજરાતના પ્રધાનમંડળમાં નવા પાંચ સંસદીય સચિવોની સોગંદવિધિ યોજાઇ હતી.
આ સોગંદવિધિ વખતે મોહનભાઇ ધારાસભ્યોની વચ્ચે જઈને બેઠાં હતાં. કેન્દ્રના પ્રધાન બન્યા હોવા છતાં તેઓ સાદાઈ અને સરળતાથી બધાને મળતા હતા. ધારાસભ્યો અને પત્રકારો તેમની સાદાઈથી આકર્ષિત થયા હતા.
