મુખ્ય પ્રધાન દ્વારા કચ્છમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ
મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ગત સપ્તાહે કચ્છની એક દિવસની મુલાકાત દરમિયાન અનેક પ્રજા કલ્યાણના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું હતું. આ કાર્યોમાં ગઢશીશા પોલીસ સ્ટેશનનું રૂ. ૬૭.૫૦ લાખના ખર્ચે બાંધકામનું ખાતમુહૂર્ત, ઉમરસર લિગ્નાઈટ ખાણનો પ્રારંભ, રૂ. ૫૫.૦૮ લાખના ખર્ચે બનેલા માંડવી મરીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અને નલિયા ખાતે રૂ. ૩૪.૫ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાંત કચેરીનું લોકાર્પણ કર્યું હતું. જ્યારે રાપર તાલુકાના પલાસવા ખાતે રૂ. ૩૫.૬ લાખથી નવી બનેલી રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ જ રીતે ૪૪૨૩ લાભાર્થીઓને મકાનોના દસ્તાવેજો (લાલબુક)નું વિતરણ કરવામાં આવ્યું હતું. મદારી જાતિના ૩૫ લાભાર્થીઓને પ્લોટની સનદો અપાઈ હતી. અંજાર શહેરના ૫૦ ભાડૂતોને જમીન પ્લોટની ફાળવણી કરાઈ હતી. જ્યારે ૧૧૦૦ સરકારી કર્મચારી તથા ૪૯ અધિકારીને પ્લોટ ફાળવણી પણ મુખ્ય પ્રધાનના હસ્તે કરવામાં આવી હતી.
• સટ્ટાકિંગ દિનેશ કલગીનું મોતઃ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા સટ્ટાકિંગ દિનેશ કલગીનું ગત સપ્તાહે મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરને કારણે મોત થયું છે. આ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલનાં ન્યુરો સર્જન ડો. વાય. સી. શાહે જણાવ્યું હતું કે, ૩૧ ઓક્ટોબરે દિનેશ કલગીને વેન્ટિલેટર સપોર્ટ સાથે હોસ્પિટલનાં નવ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી હતી.
