એર ઇન્ડિયાની સુરત-દિલ્હી ફ્લાઇટ દૈનિક નહીં થાય

સુરતઃ એર ઇન્ડિયાની નવી દિલ્હી-સુરત ફલાઇટનો સમય સવારનો કરવામાં આવ્યા પછી ૭૨ સીટરની આ ફ્લાઇટને ૯૫ થી ૧૦૦ ટકા પ્રવાસીઓ મળવા છતાં શિયાળુ વેકેશનમાં તેને દૈનિક કરવાની માગ સ્વીકારાઇ નથી. સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ, નવસારીના સાંસદ સી.આર. પાટીલ, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની માગને એર ઇન્ડિયાએ કાને ધરી નથી.
એર ઇન્ડિયા અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું એક પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અશોક ગજપતિ રાજુને કરાયેલી રજૂઆત પછી સુરતની મુલાકાતે આવ્યું હતું. ચેમ્બરના આગેવાનોએ એર ઇન્ડિયાની ફલાઇટને સવારની ફલાઇટ તરીકે લાવવા તથા તેને ત્રિદિવસીયને બદલે દૈનિક કરવા માગ કરી હતી. એર ઇન્ડિયાએ સુરત દિલ્હી ફલાઇટ માટે ૨૭ ઓકટોબરથી જે વિન્ટર શિડયુલ જાહેર કર્યું છે તે મુજબ એર એર ઇન્ડિયાની ફલાઇટ દિલ્હીથી સવારે ૬.૫૫ કલાકે નીકળી ૮.૪૦ કલાકે સુરત પહોંચશે. સવારે ૯.૧૦ કલાકે સુરતથી ઉપડી ૧૦.૪૫ કલાકે દિલ્હી પહોંચશે. ૭૨ સીટનું આ વિમાન સોમ, બુધ અને શુક્રવાર ચાલશે. વિમાન નાનું છે અને ફૂલ જાય છે તેના આંકડા જોતા આ ફલાઇટ દૈનિક કરી શકાય તેમ હતી.
