રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન ગુજરાતના મહેમાન બનશે
ગાંધીનગરઃ દેશની આઝાદીની ચળવળના પ્રારંભ પૂર્વે દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ આવેલા મહાત્મા ગાંધીના ઐતિહાસિકના પ્રવાસને આવતા વર્ષે ૧૦૦ વર્ષ પૂરાં થઇ રહ્યા છે તે વેળા એમની જ જન્મભૂમિ ગુજરાતમાં ૧૩મા પ્રવાસી ભારતીય દિવસની યજમાનગતિ કરવાનું સૌભાગ્ય ગુજરાતને સાંપડ્યું છે. આ ઉજવણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો આવશે જ, પરંતુ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ ગુજરાતના મહેમાન બનશે અને પ્રવાસી ભારતીય દિવસ ની ઉજવણીમાં સામેલ થશે.
આગામી જાન્યુઆરીમાં તા. ૭થી ૯ દરમિયાન પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ત્રણ દિવસની ઉજવણી થશે અને તેમાં નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ આવશે. અહેવાલ અનુસાર, રાજ્ય સરકારે મહાત્મા મંદિર ખાતે ગાંધીજીના દાંડી સત્યાગ્રહની થીમ તૈયાર કરી છે. અહીં ગાંધીજીની વિશાળ પ્રતિમા પણ મુકાશે. ત્રણ દિવસ અલગ અલગ થીમ ઉપર પરિસંવાદ યોજાશે. ઉજવણીમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, આફ્રિકામાં વસતા ભારતીયો વિશેષ રૂપમાં ઉપસ્થિત રહે તેવું આયોજન થઇ રહ્યું છે. ચીન અને જાપાનનું એક એક ડેલિગેશન પણ ભારત આવે તેવી શક્યતા છે.
