વિદ્યાર્થી હરેશ મહેતાએ આધુનિક ટેકનોલોજી થકી અપરાધી પકડાવ્યો

લંડનઃ સાઉધમ્પ્ટનના આઈટી સિક્યુરિટીના ૨૦ વર્ષીય વિદ્યાર્થી હરેશ મહેતાએ તેની કનડગત કરતા અપરાધીને આધુનિક ડિજિટલ વિડિયો ટેકનોલોજીના ઉપયોગથી પકડાવી દીધો છે. ખાસ પ્રકારના તૈયાર કરાયેલા સર્વેલન્સ સનગ્લાસીસની મદદથી મહેતાએ વિડિયો પૂરાવા એકત્ર કર્યા હતા. આના પરિણામે તેમને ખાનગી પ્રોસીક્યુશન માટે પરવાનગી પણ અપાઈ હતી. હરેશ મહેતાએ તેની સાથે કરાતા અપમાન અને ધાકધમકી વિશે પોલીસને ફરિયાદો કરી હતી, પરંતુ કોઈ સત્તાવાર કાર્યવાહી કરાઈ ન હતી.
આઈટી સિક્યુરિટીના વિદ્યાર્થી મહેતાએ જાતે જ એ વ્યક્તિને ન્યાય સમક્ષ ઊભો કરી દેવાના નિર્ધાર સાથે પ્રેમમાં વિડિયો રેકોર્ડર ધરાવતા સનગ્લાસીસ ખરીદ્યાં હતાં. પબ્લિક ઓર્ડર એક્ટ ૧૯૮૬ના સેક્શન ૪ અન્વયે આરોપમાં જણાવાયું હતું કે આરોપીની વર્તણૂંક ધમકીપૂર્ણ, અપમાનકારી, અપશબ્દો સાથેની હતી, જેનાથી વ્યક્તિ (હરેશ મહેતા)ને કનડગત, ગભરાટ અથવા ચિંતા પેદા થઈ હતી. આરોપીના વકીલે સીપીસને કેસ હાથ ધરવા જણાવ્યું હતું અને વિડિયો પૂરાવા હોવાના લીધે વાસ્તવમાં સજા થઈ શકે તેવી સંભાવના દેખાતાં જાહેર હિતમાં કેસને આગળ વધારવાનો નિર્ણય લેવાયો હતો.
જોકે, આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરી લેતા તેને ૫૦૦ પાઉન્ડના દંડ અથવા એક દિવસની કસ્ટડીનો વિકલ્પ અપાયો હતો. આરોપીએ કસ્ટડીનો વિકલ્પ સ્વીકાર્યો હતો. ગુનો કબૂલી લેવાથી વિડિયો પૂરાવાની યથાર્થતા અને તે હાંસલ કરવાની પદ્ધતિ ચકાસવાનો મુદ્દો સામે આવ્યો ન હતો.
