અજેન્દ્રપ્રસાદને આગોતરા જામીન આપવા હાઈ કોર્ટની નાઃ

વડતાલમાં સેક્સ સીડી કાંડ મુદ્દે છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા ભૂતપૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદને આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઈ કોર્ટે સોમવારે સ્પષ્ટ ઈનકાર કર્યો છે. ૨૦૦૫માં સ્વામીનારાયણ સંપ્રદાયના એક સ્વામીની એક મહિલા સાથેની કામલીલની સીડી મામલે ચકલાસી પોલીસમથકમાં અને શહેર ક્રાઈમબ્રાંચમાં નોંધાયેલી જુદીજુદી ફરિયાદના કેસમાં આરોપી અજેન્દ્રપ્રસાદની વિવિધ આગોતરા જામીન અરજી જસ્ટિસ આશિષ જે. દેસાઈએ ફગાવી છે. હાઈ કોર્ટે નોંધ્યું હતું કે આરોપી નવ વર્ષથી ભાગેડું છે અને ખૂબ જ ગંભીર પ્રકારના ગુનામાં તેમની સંડોવણીના આક્ષેપ છે ત્યારે તેમને આગોતરા જામીન આપી શકાય નહીં.

કપિલ સિબ્બલે રૂ. .૩૯ કરોડ તિસ્તાની સંસ્થાને આપ્યા હતાઃ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને તેના પતિ જાવેદ આનંદ દ્વારા અમદાવાદ શહેરના મેઘાણીનગરની ગુલબર્ગ સોસાયટીના નામે વિશ્વભરમાંથી ઉઘરાવેલા ૯.૭૫ કરોડ પૈકી રૂ. ૩.૮૫ કરોડ અંગત હેતુ માટે વાપર્યા હતા. એટલું જ નહીં યુપીએ સરકાર વખતે માનવ સંસાધન વિકાસ પ્રધાન કપિલ સિબ્બલે તિસ્તા સેતલવાડની સંસ્થાને રૂ.૧.૩૯ કરોડ આપ્યા હોવાનું ક્રાઈમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે. જેનો ઉપયોગ તિસ્તા અને તેના પરિવારે અંગત ફાયદા માટે કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ગુલબર્ગ સોસાયટીમાં રહેતા ફીરોઝ પઠાણે તિસ્તા સેતલવાડ અને તેના પતિના કરતૂતોનો પર્દાફાશ કરતી ફરિયાદ તા. ૧૨.૩.૨૦૧૩ના રોજ ક્રાઇમ બ્રાંચ ખાતે નોંધાવી હતી. આ ફરિયાદમાં પોતાની ધરપકડ ટાળવા માટે તિસ્તા સેતલવાડે કોર્ટના શરણે પણ ગઇ હતી. પરંતુ કોર્ટે ગત મહિને પહેલાં પોલીસ સમક્ષ હાજર થવા ફરમાન કરતાં તિસ્તા સેતલવાડ વકીલો અને નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારી આર. બી. શ્રીકુમાર સાથે સોમવારે ક્રાઇમ બ્રાંચ સમક્ષ સવારે ૧૦ વાગે હાજર થઇ હતી. જોકે પોલીસે માત્ર તિસ્તાને જ ઓફિસમાં પ્રવેશ આપ્યો હતો અને મોડી સાંજ સુધી લાંબી પૂછપરછ કરી હતી.

ખેડૂતોને રાજ્ય સરકારનું રૂ.૧૧૦૦ કરોડનું પેકેજઃ રાજ્ય સરકારે તમામ ખેડૂતોના વીજ બિલ અને કૃષિધિરાણના વ્યાજમાં ૫૦ ટકા રાહત આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. તેનાથી ખેડૂતોને રૂ. ૧૧૦૦ કરોડનો ફાયદો થશે. રવિવારે પ્રધાનોના કોરગ્રૂપ અને કિસાન સંઘના આગેવાનો વચ્ચેની બેઠકમાં સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી. સોમવારે સવારે અમદાવાદમાં કિસાન રેલી શરૂ થાય તે પહેલા જ માર્ગ મકાન પ્રધાન નીતિન પટેલ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને કૃષિ પ્રધાન બાબુભાઈ બોખિરિયાએ રિપોર્ટ સાથે મુખ્ય પ્રધાન નિવાસ સ્થાને આનંદીબહેન પટેલ સાથે બેઠક યોજી હતી, જેમાં ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો.

પ્રમુખસ્વામીના સ્વાસ્થ્ય માટે દિલ્હી સુધી પદયાત્રાઃ બીએપીએસ સંસ્થાના વડા પ્રમુખસ્વામી મહારાજનું આરોગ્ય સ્વસ્થ રહે તેવી મનોકામના સાથે ૫૪ વર્ષના હરિભક્તે સાળંગપુર મંદિરથી દિલ્હી અક્ષરધામ સુધી ૧૧૫૦ કિ.મી પગપાળા ભક્તિયાત્રા કરી છે. આણંદની બાજુમાં રાસમોલ ગામના વતની હર્ષદ પટેલ સંસ્થાના જ અગ્રણી ડોક્ટર સ્વામીના ડ્રાઈવર તરીકે ૧૦ વર્ષથી સેવા આપી રહ્યા છે. શાસ્ત્રીજી મહારાજનો સાર્ધ શતાબ્દી મહોત્સવ ચાલતો હોવાથી તેમાંથી ઠેકઠેકાણે યોજાઈ રહેલી ભક્તિયાત્રા પરથી તેમને દિલ્હી પગપાળા જવાનો વિચાર આવ્યો હતો. હર્ષદભાઈ દરરોજ ૬૦ કિ.મી જેટલું અંતર ચાલીને કાપતા હતા. રસ્તા પર કોઈ દુકાનનો ઓટલો કે ઢાબાના ખાટલા પર સુઈ જતા હતા. સાળંગપુર મંદિરે પરત આવીને તેઓ પ્રમુખસ્વામી મહારાજને પણ મળ્યા. બાપાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ પણ ખુશ થયા હતા.

પ્રખર ગાંધીવાદી નારાયણ દેસાઈની તબિયત નાદુરસ્તઃ પ્રખર ગાંધીવાદી અને સર્વોદય કલ્યાણની વિચારધારા સાથે ૯૦ વર્ષની ઉંમરે પણ પ્રવૃત્ત એવા ગૂજરાત વિદ્યાપીઠ-અમદાવાદના કુલપતિ નારાયણભાઈ દેસાઈ ગત સપ્તાહે કોમામાં સરી પડતાં તેમને સુરતની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, હવે તેમની તબિયતમાં ધીરે ધીરે સુધારો થઇ રહ્યો છે. હજી તેમને થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અંગત સચિવ તરીકે ગણાયેલા સ્વ. મહાદેવ દેસાઈના દીકરા નારાયણભાઈએ મહાત્મા ગાંધીજી, વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણ સાથે રપ વર્ષ સુધી કામ કર્યુ હતું. તેઓ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ગાંધી કથા કરતા હતા.

અજેન્દ્રપ્રસાદને આગોતરા જામીન આપવા હાઈ કોર્ટની નાઃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.