કચ્છમાં બનેલી ‘જલ’ ઓસ્કરની રેસમાંઃ
‘લગાન’ અને ‘ધ ગુડ રોડ’ પછી કચ્છમાં ફિલ્માંકન થયેલી ત્રીજી ફિલ્મ ‘જલ’ને પણ ઓસ્કર એવોર્ડમાં નોમિનેશન મળે તેવી શક્યતા છે. પ્રથમ બંને ફિલ્મ ભારત વતીથી ઓસ્કર માટે નોમિનેટ થઈ હતી. જ્યારે ‘જલ’ને બેસ્ટ પિક્ચરની ઓપન કેટેગરીમાં અંતિમ ૧૦૦ ફિલ્મની યાદીમાં સ્થાન મળ્યું છે. ફિલ્મ કચ્છની જળસમસ્યા આધારિત છે. આ ફિલ્મ માટે સોનુ નિગમ અને બિક્રમ ઘોષના સંગીત કમ્પોઝીશનને પણ બેસ્ટ ઓરિજિનલ સ્કોરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હોવાથી કચ્છની પૃષ્ઠભૂમિવાળી આ ફિલ્મ માટે ઓસ્કર જીતવાની બેવડી તક છે. ફિલ્મના દિગ્દર્શક ગિરીશ મલિકે જણાવ્યું હતું કે, ભારત દ્વારા સત્તાવાર રીતે શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મની કક્ષામાં લાયર્સ ડાઇસ ફિલ્મ મોકલાઇ છે જ્યારે ‘જલ’ને અલગ જ રીતે અંતિમ ૧૦૦માં સમાવાઇ છે.
કચ્છમાં રૂ. ૨૦૦ કરોડના ખર્ચે નવી પાઇપલાઇનોઃ આગામી ઉનાળા પૂર્વે કચ્છને વધુ પ્રમાણમાં નર્મદાનું પાણી મળી રહે તે માટે રૂ. ૨૦૦ કરોડના ખર્ચે જિલ્લામાં વિવિધ સ્થળે નવી અને વધુ ક્ષમતાની લાઇનો નાખવાનો નિર્ણય લેવાયો છે. ગાંધીનગરમાં પાણી પુરવઠા પ્રધાન વિજયભાઈ રૂપાણીએ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. જેમાં ભચાઉથી વરસામેડી સુધી મંજૂર થયેલા નવી પાઇપલાઇનના કામના ટેન્ડર તરત બહાર પાડીને એપ્રિલ સુધીમાં કામ પૂર્ણ કરવા તાકીદ કરાઇ હતી. ૩૬ કિલોમીટરની આ લાઇનનું કામ ઝડપભેર પૂર્ણ કરવા ત્રણ ભાગમાં કેન્ટ્રોક્ટ આપવા નિર્ણય લેવાયો છે.
આકાશમાંથી ૪૦ કિલોનો બરફનો ટુકડો પડ્યોઃ કચ્છના રાપર તાલુકાના ભુટકિયા ગામની સીમમાં ગત સપ્તાહે વહેલી સવારે આકાશમાંથી ૪૦ કિલોનો બરફ જેવા લાગતા પદાર્થનો ટુકડો પડતાં ગ્રામજનોમાં ભય સાથે કુતૂહલ ફેલાયું હતું. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ તાબડતોબ મામલતદાર, પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બરફ જેવા પદાર્થના નમૂના મેળવી લેબ પરીક્ષણ માટે મોકલ્યા હતા.
