ક્રિસમસનો શુભસંદેશ

ક્રિસમસનો શુભસંદેશ

ડિસેમ્બરની પહેલી તારીખથી ૨૪ ડિસેમ્બર સુધીના સમયને એડવેન્ટ એટલે આગમનનો સમય તરીકે ઊજવવામાં આવે છે. પ્રેમભાવ અને શુભેચ્છા દર્શાવવાનો, તૂટેલા સંબંધોને બાંધવાનો, અને સત્કાર્યોમાં જોડાવવાનો આ સમય છે. ક્રિસમસ પ્રેમનું પર્વ છે. પ્રેમસ્વરૂપ પરમેશ્વર માનવ બની અવતર્યા અને સહુ માનવોને પ્રેમનો માર્ગ બતાવ્યો.

ઈઝરાયેલ દેશનું બેથલેહેમ શહેર પ્રભુ ઈશુનું જન્મસ્થળ છે. યહૂદી પ્રજાનો ભવ્ય ઈતિહાસ આ શહેર સાથે જોડાયેલો છે. ભૂતકાળમાં આ પવિત્ર સ્થળ માટે ઘણી લડાઈઓ થઈ છે. આજે પણ યહૂદી અને મુસલમાન લોકો માટે આ વિવાદનું સ્થળ છે. બેથલેહેમ શહેર યહૂદી લોકોના પ્રખ્યાત રાજા ડેવિડનું વતન હતું. આથી આ શહેરને ડેવિડ રાજાનું શહેર (City of David) કહેવામાં આવે છે.
ભવિષ્યવેત્તાઓની ભવિષ્યવાણી પ્રમાણે જગત ઉદ્ધારક પરમેશ્વરનો જન્મ આ રાજાના કૂળમાં થવાનો હતો. આમ દૈવી બાળક પ્રભુ ઈશુનો જન્મ બેથલેહેમ શહેરમાં થયો, અને આ ભવિષ્યવાણી પૂર્ણ થઈ. પ્રભુ ઈશુના જન્મસમયે આ પ્રદેશ રોમન રાજ્યની હકૂમત નીચે હતો. રાજ્ય અને લશ્કરની વ્યવસ્થા તેમજ ટેક્સ ઊઘરાવવાના કારણસર રોમન ગવર્નરે આ સમયે વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી હતી. ઈતિહાસમાં વસ્તીની આ પ્રથમ ગણતરી હતી. રોમન ગવર્નરે જાહેર કર્યું હતું કે, સહુ પ્રજાજનોએ પોતાના વતનમાં નામની નોંધણી કરાવવી. પ્રભુ ઈશુના માતાપિતા ડેવિડ રાજાના વંશજ હોવાથી તેમને બેથલેહેમ ગામમાં નામ નોંધાવવા સારું જવું પડ્યું. આ સમયે ઈઝરાયેલ દેશના બેથલેહેમ ગામમાં પવિત્ર બાળક પ્રભુ ઈશુનો જન્મ થયો.
ચોથા સૈકામાં રોમન સમ્રાટ કોન્સ્ટેનટાઈને ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો. આ સમ્રાટે પ્રભુ ઈશુના જન્મસ્થળ ઉપર એક ચર્ચ બંધાવ્યું. જેને ચર્ચ ઓફ નેટીવિટી કહેવામાં આવે છે. પ્રતિ વર્ષે લાખો લોકો આ પવિત્ર સ્થળની મુલાકાતે આવે છે. આ ચર્ચનું પ્રવેશદ્વાર હેતુસર નાનું બનાવવામાં આવેલું છે. જેને નમ્રતાનું દ્વાર (Door of Humility) કહેવામાં આવે છે. આ પવિત્ર દ્વારમાંથી પ્રવેશ કરતાં સહુને નમવું પડે છે. સૃષ્ટિના સર્જનહાર મહાન પરમેશ્વરે જન્મસમયે કેવી નમ્રતા ધારણ કરી તેની યાદ આ પ્રવેશદ્વાર અપાવે છે. કોઈ રાજાના મહેલમાં નહીં, પરંતુ ગાય-ભેંસ રાખવાની ગભાણમાં પ્રભુએ જન્મ લીધો. આપણા ભજનમાં એક ભક્ત કવિએ આ પ્રમાણે લખ્યું છે.
‘પૃથ્વી જનમવા દેવે નિહાળી, લાગી ગભાણ એક સારી, પ્રભુજી મારા હદ તો પ્રીતિએ તુજ વાળી.
પ્રભુ ઈશુના ઉપદેશને સુવાર્તા કે શુભસંદેશ (Gospel) કહેવામાં આવે છે. આ શુભસંદેશ એ છે કે પરમેશ્વરે પ્રભુ ઈશુ દ્વારા પોતાના પ્રેમને પ્રગટ કર્યો. માનવ અને તેના સર્જનહારના સંબંધની સમજ આપી. પરમેશ્વર અને માનવ વચ્ચેનો તૂટેલો સંબંધ ફરીથી પુનઃસ્થાપિત થયો. પરમેશ્વર આપણા જેવા માનવ બન્યા, અને આપણામાં આવી વસ્યા કે જેથી આપણને પરમેશ્વરની સાચી ઓળખ મળે. સાદા ઉદાહરણો દ્વારા પ્રભુ ઈશુ ઉપદેશ આપતા હતા. અહંકારને પરમેશ્વર ધિક્કારે છે. આ માટે પ્રભુ ઈશુએ આ પ્રમાણે ઉપદેશ આપ્યો હતો. ‘બે માણસ પ્રાર્થના કરવા સારું મંદિરમાં ગયા. એક ધર્મગુરુ અને બીજો આમ આદમી. ધર્મગુરુએ બીજાઓ સાંભળી શકે તે રીતે પ્રાર્થના કરી કે હે ભગવાન બીજા માણસોના જેવો જુલ્મી, અન્યાયી, વ્યભિચારી અથવા આ આમ આદમી જેવો હું નથી. અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું. અને હું દાનધર્મ કરું છું. બીજી તરફ આમ આદમી પ્રાર્થના કરતો હતો. તેણે આ પ્રમાણે પ્રાર્થના કરી કે, હે ભગવાન હું સારો માણસ નથી. તું મારા પર દયા રાખજે. આ બે પ્રાર્થનામાંથી સામાન્ય માણસની પ્રાર્થના ઈશ્વરની નજરમાં માન્ય થઈ. કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે, અભિમાની બને છે, તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે, નમ્ર બને છે, તેને પરમેશ્વર ઊંચો કરે છે. નમ્રતા આપણી નબળાઈ નથી, પરંતુ નમ્રતા સજ્જનોનું આભૂષણ છે. પ્રભુ ઈશુએ નમ્ર બનીને સેવા કરવાનો આદેશ આપ્યો છે.’
ગુજરાત સમાચારના સૌ વાચકમિત્રોને ક્રિસમસની શુભેચ્છા પાઠવીએ છીએ.

ક્રિસમસનો શુભસંદેશ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.