સહુનો ધર્મ એકઃ રાજકીય સ્વાર્થ

ધર્મ કોઇ પણ હોય તેનો પાયાનો ઉદ્દેશ લોકોને જોડવાનો હોય છે, સમાજમાં સમરસતા વધારવાનો હોય છે, પણ ભારતમાં આજકાલ આ જ ધર્મ રાજકીય વિખવાદનું કારણ બન્યો છે.

ઉત્તર પ્રદેશના આગ્રામાં બનેલી ધર્માંતરણની એક ઘટનાએ વિપક્ષને ફરી એક વખત સરકારને ભીડવવાનો મોકો આપ્યો છે કેમ કે સમગ્ર આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલી સંસ્થા દ્વારા થયું હતું. વિપક્ષનો દાવો છે કે આગ્રા નજીક જે ૫૭ મુસ્લિમ પરિવારોનું ધર્માંતરણ કરાવાયું છે તે બળજબરીથી થયું છે. બીજી તરફ, સંઘ અને બજરંગ દળનો દાવો છે કે બધાએ સ્વેચ્છાપૂર્વક હિન્દુ ધર્મ અપનાવ્યો છે. ત્રીજી તરફ, કેટલીક વિગતો પરથી એવું જણાય છે કે ધર્મ પરિવર્તન માટે રેશન કાર્ડ સહિતની લાલચ અપાઇ હતી. આમાં કોણ સાચું અને કોણ ખોટું એ તો ઇશ્વર, અલ્લાહ અને ઇસુ ખ્રિસ્ત જાણે, પણ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આગ્રામાં યોજાયેલા ધર્માંતરણના કાર્યક્રમે હવે રાજકીય રંગ પકડ્યો છે. અને સહુ કોઇ રાજકીય રોટલા શેકવાના કામે લાગ્યા છે.
વિપક્ષ દાવો કરે છે તેમ હિંદુ પૂજાવિધિમાં બેઠેલાં મુસ્લિમ પરિવારો દબાણથી તેમાં જોડાયા હોવાની વાત તો માન્યામાં આવે તેવી જણાતી નથી. હા, લાલચ અપાઇ હોવાની વાતમાં દમ હોય શકે. મોટા ભાગે ધર્માંતરણ આ રીતે જ થતું હોય છે. કેટલીક ખ્રિસ્તી સંસ્થાઓ આદિવાસી વિસ્તારોમાં ગરીબોને આર્થિક સહાય
કરીને ધર્માંતરણ કરાવે છે તેમાં ક્યાં કંઇ નવું છે? પણ સહાયના ઓઠાં તળે ધર્માંતરણની આ રીત ખોટી છે.
ભારતીય બંધારણ મુજબ દરેક વ્યક્તિ ક્યો ધર્મ પાળવો એ માટે સ્વતંત્રતા ધરાવે છે. કોઇ એના પર બળજબરી ન જ કરી શકે. આ મામલો અત્યંત સંવેદનશીલ છે. ભારતીય બંધારણના મૌલિક અધિકારો સંબંધિત કલમ ૨૫ દ્વારા અંત:કરણની સ્વતંત્રતા તથા (કોઈ) ધર્મનો સ્વીકાર કરવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર નાગરિકોને અપાયો છે. જોકે આ અધિકારના ઉપયોગની સાથે જાહેર વ્યવસ્થા અને નૈતિક્તાના પાલનની શરત પણ સંકળાયેલી છે. બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિગત પ્રેરણાથી કે આધ્યાત્મિકતાથી પ્રેરાઇને કોઇ વ્યક્તિ પોતાના ધર્મનું પાલન કરે અથવા ધર્મ બદલે એ દરેક નાગરિકનો મૌલિક અધિકાર છે. હવે જો આ જ વાત રાજકીય ઉદ્દેશ સાથે થાય કે કરાવાય અને આ માટે લાલચ કે ભયનો સહારો લેવાય તો તેને સ્વીકારી શકાય નહીં તે સમજાય તેવું છે. આગ્રામાં ગયા સપ્તાહે ધર્માંતરણની જે ઘટના બની કે ભૂતકાળમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા હિન્દુઓને વટલાવવાના જે પ્રસંગો બન્યા છે તેમાં ક્યાંય અધ્યાત્મિક પ્રેરણા જણાતી નથી. આથી જ આવી ઘટનાઓ ભારતીય સમાજમાં લાંબા સમયથી તણાવ અને કડવાશનું કારણ બની રહી છે. તો શું તેનું સમાધાન રાષ્ટ્રીય સ્તરે ધર્માંતરણ રોકવાનો કાયદો બનાવવાનું છે? ગુજરાત સહિત દેશના પાંચ રાજ્યોમાં ધર્માંતરણ સામે કાયદો છે. ઓરિસા, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં તો ૧૯૬૦ના દાયકાથી આવો કાયદો પ્રવર્તમાન છે. ગુજરાતમાં ૨૦૦૩માં કાયદો બન્યો છે અને આવા કાયદા હેઠળ સજા થયાના પણ કિસ્સા નોંધાયા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું કહેવું છે કે ખોટી રીતે થતાં ધર્માંતરણને રોકવા કડક કાયદો જરૂરી છે, પણ વિરોધ પક્ષ મતબેન્કની લાલચમાં આવા કોઇ કાયદાને સમર્થન નહીં આપે. પરંતુ અમિતભાઇ એ કેમ ભૂલી જાય છે કે હાલમાં ભાજપની પૂર્ણ બહુમતવાળી સરકાર છે અને તે ધારે તો ધર્માંતરણ અટકાવતો કાયદો ઘડી શકે છે. હકીકત તો એ છે કે ધર્માંતરણવિરોધી કાયદાના મુદ્દે અત્યાર સુધીની બધી સરકારો ખો જ આપતી રહી છે. ધર્માંતરણવિરોધી કાયદાની જરૂરત છેક ૧૯૫૪થી વર્તાઇ રહી છે, પણ ૬૦ વર્ષ પછી પણ ધર્માંતરણને રોકતો કાયદો ઘડાયો નથી. અત્યાર સુધીની તમામ સરકારોએ ધર્માંતરણ જેવા સંવેદનશીલ મુદ્દે કેવું વલણ અપનાવ્યું છે તેનું આ ઉદાહરણ છે.
અગાઉ હિન્દુને અન્ય ધર્મમાં લઇ જવાની વટાળ પ્રવૃત્તિનો ભારે પ્રભાવ હતો, પણ તે વેળાની રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકારોએ સતત આંખ મીંચામણાં કર્યા હતા. હજારો હિન્દુઓને વટલાવીને ખ્રિસ્તી કે મુસ્લિમ બનાવાયા અને તે પણ લાલચ કે દબાણથી. તે વેળા કોંગ્રેસ કે અન્ય પક્ષોને કોઇ વાંધો નહોતો. હવે બજરંગ દળ કે અન્ય કોઇ સંગઠન મુસ્લિમોને કે ખ્રિસ્તીઓને હિન્દુ ધર્મમાં પરત લાવવાની વાતો કરે છે તો તેના પેટમાં તેલ રેડાય છે. અહીં વાત બચાવની નથી, પરંતુ જે ખોટું છે તે ખોટું જ છે. ફરક એટલો છે કે પક્ષો બદલાયા છે.
કોંગ્રેસ, મુલાયમ સિંહની સપા કે માયાવતની બસપા ધર્માંતરણના મુદ્દે આટલો ઉહાપોહ કરે છે તેથી કોઇએ એવું માની લેવાની જરૂર નથી કે તેના હૈયે મુસ્લિમ કે ખ્રિસ્તી સમુદાયની ચિંતા છે. આ બધાને ચિંતા એ વાતે છે કે આનાથી ભાજપની મતબેન્ક મજબૂત થઇ જશે. લોકસભા ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં મળેલા જ્વલંત વિજયમાં હિંદુત્વ કાર્ડે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે વેળા મુઝફ્ફરનગરના કોમી રમખાણોનો મુદ્દો તાજો હતો. હવે ભાજપની નજર દેશના સૌથી મોટા રાજ્યમાં ૨૦૧૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર છે. આથી ધર્મનો મુદ્દો તો સમાચારમાં રહેવાનો જ. ચૂંટણીમાં કોનો હાથ ઉપર રહે છે તે તો સમય કહેશે, પણ બજરંગ દળ જેને હિન્દુ ધર્મમાં ‘ઘરવાપસી’ તરીકે ઓળખાવે છે તે કાર્યક્રમથી સર્જાયેલા વિવાદે દેશની સામે એવો અતિ-સંવેદનશીલ પ્રશ્ન મૂક્યો છે જેનું કાયમી સમાધાન હવે તો શોધવું જ રહ્યું.

સહુનો ધર્મ એકઃ રાજકીય સ્વાર્થ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.