હવે એરપોર્ટ પર પેસેન્જરોના લગેજનું કસ્ટમ સ્ક્રીનિંગ નહીં
અમદાવાદઃ હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓને કસ્ટમ અધિકારીઓ સાથે તકરારમાં ઉતરવું પડશે નહીં. એરપોર્ટ પર તાજેતરમાં કસ્ટમ વિભાગે ગ્રીન ચેનલ માટેનો એક અલગ જ રૂટ તૈયાર કરાયો છે. પ્રવાસીઓને લગેજ સ્ક્રીનિંગ માટે લાંબી લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે.
ગ્રીન ચેનલના રૂટ પરથી પ્રવાસીઓ સીધા જ ટર્મિનલની બહાર નીકળી જશે. આ પ્રકારની રૂટની વ્યવસ્થા અત્યારે દેશમાં ફક્ત અમદાવાદ એરપોર્ટ પર શરૂ થઈ છે. હવે આ વી સુવિધા મુંબઈ, દિલ્હી સહિતના અન્ય એરપોર્ટ પર થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ કસ્ટમ એન્ડ એક્ઝાઇસની સૂચનાથી આ પ્રકારની વ્યવસ્થા કરાઈ હોવાનું સૂત્રો જણાવે છે.
દાણચોરીની બાતમી હશે તો જ પકડાશે
ગ્રીન ચેનલના અલગ રૂટની વ્યવસ્થાથી અધિકારીઓ પણ માને છે કે કેરિયરોને દાણચોરી કરવાનું મોકળું મેદાન મળશે. કસ્ટમ અધિકારીઓની કોઈ કામગીરી રહેશે નહીં. જો કેરિયરોની બાતમી હશે અથવા પ્રવાસીની શંકાસ્પદ વર્તણૂંક હશે તો જ તે પકડાશે. નહીંતર તે સીધે સીધો બહાર નીકળી જશે. જેથી વિભાગને આવકમાં ફટકો પડશે.
