એર ઈન્ડિયાની સુરત-દિલ્હી ફ્લાઈટનો સમય બદલાયો
સુરતઃ સુરતના સાંસદ દર્શના જરદોશ અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મહેન્દ્ર કતારગામવાલા સહિતના અગ્રણીઓની રજૂઆતોને પગલે એર ઈન્ડિયાએ તેની નવી દિલ્હી-સુરત ફ્લાઈટનો સમય બદલીને સવારનો કર્યો છે.
સોમવાર, બુધવાર અને શુક્રવારે ચાલતી એર ઈન્ડિયાની આ ફ્લાઈટ હવે સવારે ૬-૩૦ કલાકે દિલ્હીથી ઉપડી ૮-૧૦ કલાકે સુરત આવશે. જે સવારે ૮-૪૦ કલાકે સુરતથી ઉપડી ૧૦-૨૦ કલાકે દિલ્હી પહોંચશે. એર ઈન્ડિયાના સ્ટેશન મેનેજર જે. કે. બારીયાએ જણાવ્યું હતું કે, ૧૭ સપ્ટેમ્બરથી આ ફ્લાઈટ સવારની કરવામાં આવી છે. સવારની ફ્લાઈટને લીધે સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ સવારે દિલ્હીથી કનેક્ટેડ ડોમેસ્ટિક ઓસ્ટ્રેલિયા, ઈટલી, લંડન, બર્મિંગહામ, જર્મનીના શહેરોની ફ્લાઈટ સાથે જોડાઈ શકશે.
