નીના વાડિયા ડાયાબિટીસ જાગૃતિ માટે ફન વોકમાં જોડાયાં

(ડાબેથી) બોબ બ્લેકમેન, કિથ વાઝ અને નીના વાડિયા
લંડનઃ પ્રસિદ્ધ અભિનેત્રી નીના વાડિયા અને સિલ્વર સ્ટાર ડાયાબિટીસ ચેરિટીના સ્થાપક, પેટ્રન અને સાંસદ કિથ વાઝની સાથે વાર્ષિક ફન વોકમાં જોડાયાં હતાં. ટાઈપ-ટુ ડાયાબિટીસ વિશે જાગૃતિ ઉભી કરવાની કામગીરી ચાલુ રાખવા ચેરિટી માટે ભંડોળ એકત્ર કરવા સાત સપ્ટેમ્બરે મેટ્રો બેન્ક એજવેર, હાઈ સ્ટ્રીટથી યોજાયેલી વાર્ષિક ફન વોકમાં સામેલ થયાં હતાં.
લંડનમાં ડાયાબિટીસના સૌથી ઊંચા દર ધરાવતા વિસ્તારમાં હેરોનો પણ સમાવેશ થાય છે. એક અંદાજ અનુસાર, બરોમાં ૨૦૧૨માં ૧૬ વર્ષ અને તેથી વધુ વયના (નિદાન કરાયેલાં અને નહિ કરાયેલાં) ૯.૨ ટકા લોકોને ડાયાબિટીસ હતો. આ આંકડો ૨૦૨૦ સુધીમાં વધીને ૧૦.૮ ટકા થવાની ધારણા છે. સિલ્વર સ્ટાર ડાયાબિટીસ ચેરિટી દ્વારા હેરો ખાતે નવી ઓફિસ ખોલાઈ છે અને સિવિક સેન્ટર ખાતે નિઃશુલ્ક ડાયાબિટીસ પરીક્ષણો કરાયા હતાં.
ફન વોકમાં નીના વાડિયાએ કહ્યું હતું કે, ‘આ નોંધપાત્ર કાર્યક્રમ હતો. સિલ્વર સ્ટારની મહાન કામગીરીને સમર્થન આપતાં રહેવાનું મને ગમશે. મને એ વાતનો આનંદ છે કે એકત્ર કરાયેલાં નાણાં લોકોની જિંદગી બચાવવામાં મદદરુપ બનશે.’ યુકેમાં ત્રણ મિલિયનથી વધુ લોકોને ડાયાબિટીસ હોવાનું નિદાન થયેલું છે. એક મિલિયનથી વધુ લોકો પોતે ડાયાબિટીસ બીમારી ધરાવતાં હોવાં વિશે અજાણ છે.
