પીડિતાના દાદાએ પોલીસ કમિશનર વિરુદ્ધ રોષ ઠાલવ્યોઃ
રોધરહામ દુષ્કર્મ કૌભાંડની પીડિતાના દાદાએ પોલીસ અને પોલીસ કમિશનર શોન રાઈટ સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, ‘જો આજે મારી પાસે ગન હોત તો મેં તમને ઠાર માર્યા હોત.’ પોલીસ કમિશનરની તપાસ માટે માટે રચાયેલી પેનલે તેમની વિરુદ્ધ અવિશ્વાસનો મત અને તેમને દૂર કરવામાં કાયદામાં સુધારો કરવા અંગે ઠરાવ પસાર કર્યો હતો. આ બેઠકમાં જાતીય શોષણનો ભોગ બનેલી પીડિતાના દાદાએ ભારે ગરમાગરમી વચ્ચે સાઉથ યોર્કશાયરના પોલીસ એન્ડ ક્રાઈમ કમિશનર (PCC)ને આ શબ્દો કહ્યા હતા. રોધરહામમાં ૧૬ વર્ષમાં ૧૪૦૦ જેટલી છોકરીઓને બળાત્કાર, દેહવ્યાપાર અને અપહરણનો ભોગ બનાવાઈ હોવાનો રિપોર્ટ પ્રસિદ્ધ થયાં પછી પોલીસ કમિશનર રાઈટને પ્રથમ વખત જાહેરમાં પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.
• નિદ્રામાં પણ શીખવાની પ્રક્રિયા શક્યઃ કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ હાથ ધરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઊંઘવા દરમિયાન પણ વ્યક્તિની શીખવાની પ્રકિયાને કોઈ વાંધો આવતો નથી. ચાલુ વર્ગે ઊંઘ આવી પણ જાય તો ગભરાવાની કે ચિંતાની કોઈ જરૂર નથી કારણ કે ઊંઘમાં પણ આપણું મગજ આપમેળે માહિતીની વ્યવસ્થિત ગોઠવણી અને રૂપાંતરનું પ્રોસેસિંગ ચાલુ રાખે છે. સંશોધનના તારણો અનુસાર એલાર્મ ક્લોકની ઘંટડીથી જાગી જતાં લોકો એટલો જ અવાજ ધરાવતી મેઘગર્જના છતાં જાગતાં નથી, તેની પાછળ આ કારણ જવાબદાર હોય શકે છે.
• ગુરખાઓની સમર્થક અભિનેત્રી ક્યાં?ઃ એલ્ડરશોટના ટોરી સાંસદ સર જેરાલ્ડ હોવાર્થની ફરિયાદ છે કે ૨૦૦૯માં વસવાનો અધિકાર જીતી ગયા પછી શહેરમાં ૧૯૯૭ અગાઉ નિવૃત્ત થયેલાં ગુરખાઓની વસ્તી ઘણી વધી ગઈ છે, પરંતુ આ અધિકાર માટે જોરદાર અભિયાન ચલાવનારી અભિનેત્રી જોઆના લૂમલી હવે દેખાતી નથી. હાઉસ ઓફ કોમન્સમાં ગુરખાઓના પેન્શન અને રોજગારી અંગે ચર્ચા દરમિયાન સાંસદ હોવાર્થે આવો દાવો કર્યો હતો. તેમણે અંગ્રેજી બોલી નહિ શકતા કેટલાંક વૃદ્ધ પૂર્વ સૈનિકોની દયનીય પરિસ્થિતિનો ઉલ્લેખ પણ તેમણે ચર્ચામાં કર્યો હતો. લૂમલીના સફળ અભિયાનનું આ કરુણ પાસુ છે.
• સંરક્ષિત પક્ષીને મારવા ટેસ્કોને લાયસન્સ સામે લોકવિરોધઃ નેચરલ ઈંગ્લેન્ડે ટેસ્કોને તેના સ્કોના નોર્ફોક સ્ટોરમાં સંરક્ષિત પક્ષી પાઈડ વેગટેઈલને ઠાર મારવા માટે શૂટર રાખવાનું લાયસન્સ આપ્યું છે તેનો ચોમેરથી વિરોધ થયો છે. સુપરમાર્કેટમાં ઘણાં સપ્તાહથી ઉડાઉડ કરતા સાત ઈંચ લાંબા આ પક્ષીને પકડવાના તમામ પ્રયાસ નિષ્ફળ ગયાં પછી તેને મારવા માટે ટેસ્કો દ્વારા અરજી કરાઈ હતી. જોકે, ગ્રાહકો અને પર્યાવરણપ્રેમીઓના ભારે વિરોધના પગલે સુપરમાર્કેટને પીછેહઠ કરવાની ફરજ પડી છે. પક્ષીને બચાવવાના અભિયાનમાં બીબીસી કાર્યક્રમાં પ્રેઝન્ટર ક્રિસ પેકહામ પણ જોડાયા છે.
