પુત્રે નાણાની તકરારમાં પિતાની હત્યા કરી
લંડનઃ ‘જર, જમીન અને જોરૂ, ત્રણે કજિયાના છોરૂં’ કહેવતને ચરિતાર્થ કરતી ઘટના ડોરસેટના બોર્નમાઉથ ખાતે ઘટી હતી. નાણાકીય બાબતે ૪૮ વર્ષના ટેક્સી ડ્રાઈવર પિતા વિલિયમ સ્પીઅર અને પુત્ર નાથન રોબિન્સન વચ્ચે તકરાર થતાં પુત્રે ઠંડા કલેજે પિતાની હત્યા કરી નાખી હતી.
મે ૧૬, ૨૦૧૩ની અરેરાટી ઉપજાવે તેવી ઘટનામાં નાથને સ્ટેન્લી નાઈફ, કરવત અને આરીની મદદથી પિતાના શરીરના નાના નાના ટુક્ડા કરી નાખ્યા હતા. પિતા પ્રત્યેની આટલી ક્રુરતા ઓછી હોય તેમ નાથને આ ટુકડાઓને સફાઈપૂર્વક પ્લાસ્ટિક સ્ટોરેજ બોક્સીસમાં ગોઠવ્યાં હતા, જેનો ઉપયોગ તેણે ટેલીવિઝન સ્ટેન્ડ તરીકે કર્યો હતો. એક મહિના પછી માનવ અંગોમાંથી વહેતા લોહીની પાતળી ધારા નીચેના ફ્લેટમાં પહોંચતા તે પડોશીએ પોલીસને જાણ કરી હતી. આ પછી નાથનની ધરપકડ થઈ હતી.વિન્ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં નાથને હત્યાના ગુનાનો ઈનકાર કર્યો હતો. ટ્રાયલ હજુ ચાલે છે.
