ભારતને વિટો પાવર આપવા યુકેનો વિરોધ
ન્યૂ યોર્કઃ ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી ધોરણે સભ્યપદ આપવા અંગે બ્રિટનને વાંધો નથી પરંતુ તેણે જણાવ્યું છે કે ભારતને વિટો પાવર આપવો જોઈએ નહીં. તેણે આ મુદ્દે વ્યાપક ચર્ચા કરવાની પણ માગણી કરી છે. અત્યારે સુરક્ષા પરિષદમાં બ્રિટન સહિત પાંચ સ્થાયી સભ્યો છે. તે તમામ વિટો પાવર ધરાવે છે.
ભારત ઘણાં વર્ષોથી સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મેળવવા પ્રયાસ કરે છે. સંયુક્ત રાષ્ટ્રમાં સુરક્ષા પરિષદમાં સુધારો કરવા અંગે વાટાઘાટો ચાલી
રહી છે.
તેમાં બ્રિટનના રાજદૂત લિયાલ ગ્રાન્ટે જણાવ્યું હતું કે ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાનને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મળવું જોઈએ પરંતુ નવા કાયમી સભ્યોને વિટો પાવર આપવો જોઈએ નહીં. ગ્રાન્ટે જણાવ્યું હતું કે કોઈ પણ સુધારાના કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાનાં જોખમને પહોંચી વળવાની પરિષદની ક્ષમતા ઘટવી ન જોઈએ.
