ભારતીય મુસ્લિમો દેશ માટે જીવશે-મરશેઃ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે સીએનએન ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અલ-કાયદા પોતાના મનસૂબામાં સફળ નહિ રહે, ભારતના મુસ્લિમો જ તેને સાથ નહિ આપે, કેમ કે ભારતીય મુસ્લિમો દેશભક્ત છે અને તેઓ વિશ્વાસઘાત નહિ કરે, તેઓ ભારત માટે જીવશે અને ભારત માટે જ મરશે, તેઓ ક્યારેય દેશનું અહિત નહિ ઇચ્છે.
• ન્યૂ ઝીલેન્ડ સંસદમાં ત્રણ ભારતીયો ચૂંટાયાઃ ન્યૂ ઝીલેન્ડમાં તાજેતરમાં યોજાઇ ગયેલી સંસદની ચૂંટણીમાં એક મહિલા સહિત ભારતીય મૂળના ત્રણ રાજકારણીઓ ચૂંટાયા છે. ૧૨૧ સભ્યોની સંસદમાં દિલ્હીમાં જન્મેલા કંવલજીતસિંહ બક્ષી, પૂણેના ડો. પરમજીત પરમાર અને મુંબઇમાં જન્મેલા મહેશ બિંદરાનો સમાવેશ થાય છે.
• કાશ્મીર પાકિસ્તાનનું છેઃ બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટોએ ગત સપ્તાહે મુલતાનમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના કાર્યકરોને સંબોધતા જ કાશ્મીર રાગ આલાપ્યો છે. બિલાવલે ઉશ્કેરણીજનક ભાષણમાં કહ્યું હતું કે, ‘હું કાશ્મીર ભારત પાસેથી પાછું લઈશ. તેમની પાસે એક ઈંચ જમીન પણ નહીં રહેવા દઉ કારણ કે અન્ય રાજ્યની જેમ કાશ્મીર પર પાકિસ્તાનનો હિસ્સો છે.’
