રાજકોટ (પશ્ચિમ)ની પેટાચૂંટણી માટે વિજય રૂપાણી ભાજપના ઉમેદવાર
રાજકોટઃ વિધાનસભાના સ્પીકર વજુભાઈ વાળાની કર્ણાટકના રાજ્યપાલપદે નિમણૂક થતાં ખાલી પડેલી ૬૯-રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા માટે ૧૫ ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે ભાજપ દ્વારા પક્ષના મહામંત્રી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન વિજય રૂપાણીની પસંદગી થઇ છે. તેઓ ૨૫ સપ્ટેમ્બરે ફોર્મ ભરશે. જોકે, અહીં કડવા પાટીદારોએ રૂપાણીનો વિરોધ કર્યો છે.
વિજય રૂપાણી માટે સૌથી મોટો પડકાર તેના જ પક્ષમાં રહેલો જૂથવાદ રહેશે. આ બેઠક પર સૌથી વધુ મતદારો પટેલ, બ્રાહ્મણ, લોહાણા અને ક્ષત્રિય છે. રૂપાણી સામેના અસંતુષ્ટ જૂથમાં આ તમામ સમાજના આગેવાનોને મનાવવા એ પડાકર રહેશે. આ ઉપરાંત જો કોંગ્રેસમાંથી કડવા પટેલ સમાજમાંથી કોઈ મજબૂત ઉમેદવારની પસંદગી થશે તો જ્ઞાતિ પરિબળનો સામનો કરવો પડે એવી શક્યતા સેવાઈ રહી છે.
વજુભાઈ વાળા છેલ્લી પાંચ ટર્મથી આ બેઠક પર સતત જીત્યા છે. અગાઉ નરેન્દ્ર મોદીએ પણ આ બેઠક પરથી પેટાચૂંટણી લડીને વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસ બુધવાર સુધીમાં ઉમેદવાર જાહેર કરે તેવી સંભાવના છે.
