રોજર ફેડરર 'ઇન્ડિયન એસિઝ' માટે રમશે
નવી દિલ્હીઃ વિક્રમજનક ૧૭ ગ્રાન્ડ સ્લેમ વિજેતા સુપરસ્ટાર રોજર ફેડરર ઇન્ટરનેશનલ પ્રીમિયર ટેનિસ લીગ (આઇપીટીએલ)માં રમવા માટે તૈયાર થઇ ગયો છે. ફેડરરને આઇપીટીએલની ફ્રેન્ચાઇઝી 'ઇન્ડિયન એસિઝ' દ્વારા કરારબદ્ધ કરાયો છે. 'ઇન્ડિયન એસિઝ' ટીમમાં ૧૪ ગ્રાન્ડસ્લેમ વિજેતા પીટ સામ્પ્રાસ, ગાએલ મોન્ફિલ્સ, રોહન બોપન્ના, ફેબ્રિસ સાન્તોરો, એના ઇવાનોવિક અને સાનિયા મિર્ઝા જેવી પ્લેયર્સનો સમાવેશ થાય છે.
ફેડરરે સોમવારે જણાવ્યું હતું કે 'નમસ્તે ઇન્ડિયા! પ્રથમ વાર નવી દિલ્હીના પ્રવાસે જઇ રહ્યો હોવાથી ખૂબ જ રોમાંચ અનુભવી રહ્યો છું. મને મારી ટીમ દ્વારા જણાવાયું છે કે ભારતમાં ટેનિસ ખૂબ જ લોકપ્રિય છે અને મારા ખૂબ જ સમર્થકો છે.'
એક મિલિયન ડોલરની પ્રાઇઝ મની ધરાવતી આઇપીટીએલમાં ફેડરરને કેટલી રકમ સાથે કરારબદ્ધ કરાયો છે તેની સત્તાવાર વિગત જાહેર કરાઇ નથી. અલબત્ત, ટીમના માલિકોએ ૧૦ વર્ષ માટે ૧૫ મિલિયન ડોલરમાં ફ્રેન્ચાઇઝી ખરીદી હોવાની વિગત સામે આવી છે.
