શશિ કપૂરને હોસ્પિટલમાં દાખલ કરાયા

વીતેલા જમાનાના જાણીતા અભિનેતા શશિ કપૂરને ફેફસાંમાં ઇન્ફેક્શનને કારણે સારવાર માટે મુંબઇની કોકિલાબહેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની સારવાર કરી રહેલા ડોક્ટરે જણાવ્યું હતું કે શશિ કપૂરને આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. થોડાં વર્ષો અગાઉ શશિ કપૂર હૃદયરોગને કારણે બાયપાસ સર્જરી પણ કરાવી ચૂક્યા છે. ૭૬ વર્ષીય શશિ કપૂરને કફ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.
સિરીયલના ૧૫૦૦ એપિસોડ પૂર્ણ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરીયલને ભવ્ય સફળતા હાંસલ થઈ છે. ૧૭ સપ્ટેમ્બરે આ સિરીયલે ૧૫૦૦ એપિસોડ પૂર્ણ કર્યા છે. ગુજરાતી હાસ્ય લેખક તારક મહેતા દ્વારા લિખિત હાસ્ય નિબંધો પર આધારિત આ સિરિયલમાં ગુજરાતી પાત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે. ૨૮ જુલાઈ, ૨૦૦૮ના રોજ આ સિરિયલનો પ્રથમ એપિસોડ રજૂ થયો ત્યારથી આ સિરીયલ સતત પ્રદર્શિત થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે આ સિરીયલ જેઠાલાલ, દયા, ટપૂ, પત્રકાર પોપટલાલ જેવા પાત્રો લોકપ્રિય થયા છે. ગોકુલધામ નામની કાલ્પનિક સોસાયટી અને તેમાં રહેતા વિવિધ પાત્રો અને તેમના પરિવારને સાંકળીને રજૂ થયેલી આ સિરિયલને ભારતીય સમાજમાં ઘણો આવકાર મળ્યો છે. આ સિરિયલના કારણે ઘણા ગુજરાતી કલાકારોને રાષ્ટ્રીય ફલક પર નામના મળી છે. સિરિયલ એટલી વખાણાયી છે કે અમિતાભ બચ્ચન પણ પોતાની ફિલ્મના પ્રમોશન માટે સિરીયલમાં આવ્યા હતા.
