આજકાલનાં ૫૧ સંબોધનો

આજકાલનાં ૫૧ સંબોધનો

હેલ્લો, હાઉ આર યુ અને હાય ડૂડ... કહેતા અમારા વ્હાલા એનઆરઆઇ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં એકબીજાને ‘બકા’થી લઈને ‘બબુડીયા’ સુધીનાં સંબોધનોથી બોલાવતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

LALIT LAD Dt 29-11-2014

હંમેશાં એવું થતું આવ્યું છે કે દુનિયા આગળ નીકળી જાય છે અને શબ્દકોશો પાછળ રહી જાય છે. ગુજરાતમાં લોકો એકબીજાને જે સંબોધનોથી બોલાવે છે તેમાં આજકાલ ભરપૂર વેરાયટી આવી ગઈ છે. ઘણા વડીલોને તો આવાં સંબોધનોની ખબર જ નથી! અમે એવાં સંબોધનોનું લિસ્ટ બનાયવું છે તમે સાંભળો, તમને ય મજા પડશે!
(૧) બોસઃ ઓફિસમાં જે બોસ હોય તેને બોસ કહીને બોલાવવાનો અહીં ત્યાં રિવાજ જ નથી. એનાથી ઊલટું, જે માણસ તમારો બોસ થવાને જરાય લાયક નથી તેને જ બોસ કહેવામાં આવે છે. દાખલા તરીકે કન્ડક્ટરો, પાનના ગલ્લાવાળાઓ કે ભિખારીઓને કહી શકાય કે, ‘બોસ, છુટ્ટા નથી?’
(૧-અ) બોસીઃ આ કંઈ બોસનું સ્ત્રીલિંગ નથી. મહિલા બોસ કે બોસની પત્નીને ‘બોસી’ ન કહેવાય. જેને આપણે બોસ કહેતા હોઈએ તેને જ વહાલથી ‘બોસી’ કહેવામાં આવે છે.
(૨) શેઠિયાઃ શેઠિયાનું પણ બોસ જેવું જ છે. જેનામાં શેઠિયાપણાનું એક પણ લક્ષણ ન હોય તેને પણ શેઠિયા કહી શકાય. પછી ભલેને તે માણસ સળેખડી જેવો હોય, હંમેશાં મ્યુનિસિપાલિટીની બસમાં જ ફરતો હોય અને શાકભાજી ખરીદતી વખતે બૈરાંઓ કરતાંય વધારે કચકચ કરતો હોય છતાં પણ તે આવે ત્યારે સૌ કહે છે, ‘આવોને, શેઠિયા!
(૩) જાનીઃ જાનીનો મૂળ અર્થ એવો છે કે જે જાનદાર છે, જીવંત છે. પરંતુ જાની અટક ધરાવતા જાનીને તમે જાની કહો તો જરાય જામતું નથી. ફિલ્મોમાં રાજકુમાર જે રીતે ‘જાનીઈઈઈઈ!’ કહે છે તેવી જ્હોની લીવરછાપ મિમિક્રી કરીને આ સંબોધન કરવાનો રિવાજ છે.
પરંતુ જાનીનો સાચો અર્થ શું છે તેની ઘણાને ખબર નહીં હોય. જાની એટલે જાનૈયો. લગ્નની જાનમાં બેન્ડવાજાંના તાલે નાચનારો, પહેલી પંગતમાં ઘૂસીને જમનારો અને ચાંદલો કર્યા વિના લાગ જોઈને સરકી જનારો જાનૈયો ખરા અર્થમાં ‘જાની’ છે!
(૪) રાજ્જાઃ રાજ-રજવાડાં ગયા પછી ભારતમાં આવા જ રાજ્જાઓ બચ્યા છે! આ સંબોધનની ખરી મજા એ છે કે બોલાવનારો પોતે જાણે એકાવન ગામનો ધણી હોય અને સામેવાળો તેનો હજુરિયો હોય તેમ તુચ્છતાપૂર્વક કહેશે, ‘સુચ્છે? રાજ્જા?’
(૫) દાદુઃ મૂળ આ શબ્દ અમદાવાદના ખાડિયાનો હશે. એક જમાનામાં ખાડિયામાં બહુ દાદા હતા. (‘ખાડિયાનો દાદો છે હોં?’) પણ જેના પર દાદાગીરી કરી શકાતી હતી એવા સીધાસાદા લોકો હવે ખાડિયા છોડીને જતા રહ્યા છે. એટલે ‘દાદા’ ગયા અને તેનું નાન્યતરલિંગ ‘દાદુ’ રહી ગયું છે!
(૬) ચાચુઃ કાકા એટલે કે ચાચાને વહાલથી ચાચુ કહેવાનો રિવાજ દિલ્હી અથવા મુંબઈમાં શરૂ થયો હોવાનું મનાય છે. માટે ગુજરાતમાં આ સંબોધન આવ્યા પછી તેનું નાન્યતરલિંગીકરણ થયું હોવાના ચાન્સીસ ઓછા છે. એટલે જ આજકાલના મોર્ડન અંકલોને ‘ચાચુ’ સંબોધન ગમે છે, અને તે નજીકના ભત્રીજાઓ કરતાં દૂરની ભત્રીજીઓને મોઢેથી બોલાય તો વધારે મીઠડું લાગે છે.
(૭) મામુઃ ‘ચાચુ’માં જે મજા છે તે ‘મામુ’માં જરાય નથી, કારણ કે એક તો તેમાં મારીમચડીને મામા બનાવવાની વાત છે. (દા.ત. રાખડી બંધાવીને) અને બીજું કે પંચમહાલના ભોળા આદિવાસીઓને ‘મામા’ કહેવાનો વર્ષોજૂનો રિવાજ છે.
(૮) પ્રભુઃ સામાન્ય રીતે ભલાભોળા ઈમાનદાર સજ્જનને આ સંબોધન વડે નવાજવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ મોટે ભાગે આ જ રીતે થતો હોય છે કે ‘પ્રભુ! જરા દુનિયાદારીમાં સમજો!’
(૯) બાપ/બાપાઃ પિતાશ્રીઓને આજકાલ કોઈ બાપ નથી કહેતું. સંબોધનરૂપે હિન્દીમાંથી આવેલો શબ્દ ‘બાપ’ ઉદ્ગાર તરીકે પણ વપરાય છે. જેમ કે - ‘એ તો બહુ ડેન્જર માણસ છે, બાપ!’ વિશેષણ તરીકે પણ વપરાય છે - ‘એ બધાનો બાપ છે.’ પરંતુ ગુજરાતીઓ ‘બાપ’ અને ‘બાપા’ને સંબોધન તરીકે ત્યારે જ વાપરે છે જ્યારે ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે! ‘બાપા, હવે તો આપણી ઉઘરાણી પતાવો?’
(૧૦) બેટાઃ જ્યારથી સલમાન ખાને ‘બીવી નંબર વનમાં’ સુસ્મિતા સેનને ‘બોલો બેટા! કૈસી હો બેટા?’ કહીને બોલાવવાની પ્રથા પાડી છે ત્યારથી જુવાનિયાઓની બહેનપણીઓ કરતાં બેટા વધી ગયા છે! આ પહેલાં પોતાનાથી નાની ઉંમરના, નાની સાઇઝના કે નાની અક્કલના દોસ્તોને બેટા કહેવાની પ્રથા હતી. તોફાની બેટાઓ ‘બેટમજી’ કહેવાતા હતા. પરંતુ આવનારા જમાનામાં માસીઓ તથા આન્ટીઓને ‘બેટા’ કહેનારા ભાણિયા-ભત્રીજાઓ જોવા મળે તો નવાઈ ન પામતા!
(૧૧) ભીડુઃ ‘ભીડુ’ની ઘણી બધી અર્થછાયાઓ છે. એક તો જેની એન્ટ્રી થતાંની સાથે આખા વાતાવરણમાં ભીડ વધી ગઈ હોય એવી આઇટમને ભીડુ કહેવાય છે. ભીડ વધારનાર ભીડુ એકની એક જોક દસ વાર ફટકારો છે, એકનો એક સવાલ સત્તર વાર પૂછે છે અને એક જ કલાકમાં ઓગણીસ વાર બેસવાની જગ્યા બદલે છે.
ભીડુનો બીજો અર્થ છે જ્યાં ભિડાઈ જનારી આઇટમ. આવા લોકો વિના કારણે રસ્તે જતા માણસથી માંડીને ફાઇવસ્ટાર હોટેલના મેનેજર સામે ભિડાઈ પડતા હોય છે. ત્રીજા અર્થમાં ભીડુ એટલે ભાઈબંધ. એવો ભાઈબંધ જે ભીડના સમયે કામ આવે. દાખલા તરીકે ભીડ ભરેલી ટ્રેનમાં ઘૂસ મારીને ઉપરના પાટિયા પર આપણી જગ્યા રોકે તે ભીડુ!
(૧૨) ઉસ્તાદ (૧૩) ગુરુઃ ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં ભલે મોટા ખાં હોય, છતાં પાછા ગુલામ હોય અને ઉપરથી દોઢસો-બસ્સો ચેલાઓના ઉસ્તાદ હોય તો પણ તેમને ‘ઉસ્તાદ’ ન કહેવાય! આજકાલ ગેરેજોમાં તથા કારખાનાંઓમાં જે કારીગર બીજા કરતાં વધારે જાણકાર હોય તેને ઉસ્તાદ કહેવામાં આવે છે. ચોરી, ખિસ્સાકાતરી તથા હેરાફેરીના ધંધામાં પણ સારા કારીગરોને ઉસ્તાદનું બિરુદ
મળે છે.
પરંતુ ‘ઉસ્તાદ’ અને ‘ગુરુ’માં એક પાયાનો ફરક છે. ઉસ્તાદ બહુ બહુ તો સ્માર્ટ હોય, ચાલાક હોય, ખેલાડી હોય. પરંતુ ‘ગુરુ’ એ ઉસ્તાદ કરતાં ઊંચી ચીજ છે.

તેવાં હસમુખાં, મહેનતુ છતાં ક્યારેક દયા આવે તેવાં બાળકોનાં પોતાના અસલી નામ ક્યારેક ભુલાઈ જતાં હોય છે. અને તેઓ મોટાં ન થાય ત્યાં સુધી ‘કીટલી’ કે ‘ચાય-પાની’ બનીને જીવી લેતાં હોય છે.
(૧૭) નોટઃ નોટ એટલે ઉંમરમાં મોટું થઈ ગયેલું ચિલ્લર! આ આઈટમની અક્કલ ક્યારેય છુટ્ટા ન કરાવી શકાય તેવી ‘બાંધીનોટ’ જેવી થઈ ગયેલી હોય છે, એટલે જો તમે તેને છૂટક-છૂટક ચાર પરચૂરણ કામો એકસાથે સોંપો તો સમજવું કે ભાઈ નક્કી લોચા મારીને આવવાના! બીજી વ્યક્તિઓ આગળ તેમની ઓળખ પણ આ જ રીતે કરાવવામાં આવે છે. ‘આ ભઈ નોટ છે હોં!’ આવી નોટો મોટે ભાગે ઓફિસોમાં પટાવાળા તરીકે ઠેબે ચડતી હોય છે.
(૧૮) ચમચો (૧૯) ચંબૂકઃ ચમચાઓ અને ચંબૂકોમાં સરખાપણું ફક્ત એક જ હોય છે કે તેઓ હંમેશાં પોતાના શેઠની આસપાસ જ હોય છે. પરંતુ ચમચો ચાલાક હોય છે, મીઠાબોલો હોય છે. અને ભલે બધા લોકો તેને ચમચો કહે, ઘણા લોકો માટે તે કામનો માણસ છે. જ્યારે ચંબૂક એ વિજ્ઞાનની પ્રયોગશાળામાં વપરાતા બક-ચંબૂ જેવો જ હોય છે. તે શેઠની સિગારેટ સળગાવી આપે છે, કારનો દરવાજો ખોલી આપે છે, શેઠની બેગ ઉપાડીને જોડે જોડે ફરે છે અને શેઠ ખડખડાટ હસે ત્યારે પણ બક-ચૂંબ જેવું મોં રાખીને ઊભો રહે છે!
(૨૦) વડીલઃ એક જમાનામાં વડીલોને માન મળતું. આજે તો નવા વરસને દિવસે પગે પડ્યા પછી જે પચાસની નોટ આપે તેને પણ વડીલ કહેવાનો રિવાજ નથી રહ્યો. આ સંબોધન મોટે ભાગે ટ્રાફિક-જામ વખતે, નાની-મોટી ધંધાદારી રકઝક વખતે અથવા પ્રવાસ કરતી વખતે ન્યુસ-પેપર માગવા માટે જ વપરાય છે, ‘વડીલ, તમે વાંચતા ન હો તો જરા આપજોને?’
(૨૧) પપૂધધૂઃ પપૂધધુ એટલે પરમ પૂજ્ય ધર્મ ધૂરંધર. એક ઐતિહાસિક જમાનામાં મહાન ધાર્મિક પ્રતિભાઓનાં નામ આગળ આ શબ્દો જોડવામાં આવતા, પરંતુ આજકાલ જે વડીલોને માન આપવું જ પડે તેવું હોય, જેમના વિના સમારંભોના મંગળદીપો ન પ્રગટી શકે તેવા વડીલોને તેમની ગેરહાજરીમાં આ સંબોધન કરવામાં આવે છે. ‘ચાલો, જલદી હારતોરા કાઢી રાખો. પપૂધધુઓ હવે આવતા જ હશે!’
(૨૨) ટ્રેલરઃ ટ્રેલરો બે જાતનાં હોય છે. એક, ફિલ્મની પહેલાં આવતું ટ્રેલર અને બીજું, ટ્રેક્ટરોની પાછળ આવતું ટ્રેલર.
પપૂધધુઓ તથા બીજી મહાન હસ્તીઓની આગળની તરફ ઘણાં ટ્રેલરો દોડતાં હોય છે. ‘સાહેબ આઈ ગયા છે, રૂમનું એ.સી. ચાલુ કરી રાખો!’ ‘સાહેબનાં મિસિસને ખાંડ વગરની ચા જોઈશે હોં?’ આવી આલબેલ પોકારનારાં આગળનાં ટ્રેલરો હોય છે.
જ્યારે પાછળનાં ટ્રેલરો વધુ અગત્યનાં કામો કરતાં હોય છે. ‘એ બધી ફાઈલો મને આપી રાખો, બધું પતી જશે.’ ‘તમતમારે ગમે ત્યારે આવજોને? હું ચાર દિવસ આગળથી એપોઇન્ટમેન્ટ લઈ રાખીશ!’ અલ્યા ભઈ, ચાર દિવસ આગળથી એપોઇન્ટમેન્ટ લેવાની હોય તો ‘ગમે ત્યારે’શી રીતે અવાય?
•••
ખેર, આ તો થયાં બાવીસ. હજી રહ્યાં ઓગણત્રીસ.
તો ભાઈ લોગ, અભી ચલતે હૈં, નેક્શ્યટાઇમ ઇધરી ચ મિલેંગે બાશ્શા! બોલે તો, ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!

(૧૪) ટેણી (૧૫) ચિલ્લર (૧૬) ચડ્ડીઃ ચાની લારીઓ પર, ફૂટપાથ પર ફેલાતી રેસ્ટોરન્ટો પર, હાઈવેના ઢાબાઓ પર તથા કોલેજની કેન્ટીનોમાં એક બૂમ પાડો અને ગલગોટા જેવું હસતું આ પાત્ર તરત હાજર થઈ જાય છે. ‘એ ટેણી!’ ‘એ ચિલ્લર!’ ‘અબે ચડ્ડી!’ જેવાં સંબોધનોથી જેને જરાય ખોટું નથી લાગતું

આજકાલનાં ૫૧ સંબોધનો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.