તમારું મકાન તોડી પાડો, કેમ કે તે ૨૦ સે.મી. મોટું છે!
લંડનઃ ભારતમાં સરકારી જમીનને પચાવી પાડનારા લોકોની કમી નથી. જ્યારે બ્રિટનના એક દંપતીને સરકારી જમીનમાં ૨૦ સેન્ટિમીટર જેટલું દબાણ કરવાનું પણ ભારે પડી ગયું છે. ત્યાંના બર્કશાયર સબર્બમાં રહેતા સ્ટીફ અને મેરી કિન્ડર્ડે પોતાના જૂના મકાનને લગભગ બે કરોડ રૂપિયાનો ખર્ચ કરી આલીશાન મહેલ જેવું બનાવી નાખ્યું.
આ મકાનમાં તેમણે ત્રણ ગેસ્ટ બેડરૂમ અને એક અફલાતૂન જિમ્નેશિયમ પણ તૈયાર કર્યું. ત્યાં જ ટાઉન પ્લાનિંગની નોટિસ મળી કે તમારું ઘર નિયત માપ કરતાં ૨૦ સેન્ટિમીટર પહોળું છે એટલે એટલો ભાગ કાપવો પડશે. જ્યારે આ દંપતીનું કહેવું છે કે એક તો અમે કશું ખોટું નથી કર્યું અને બીજું, એ કે મકાન કંઈ બ્રેડ થોડી છે કે એને સ્લાઇસ કરી નંખાય?
આ પતિ-પત્નીને એવું પણ જણાવવામાં આવ્યું છે કે કન્ટ્રીસાઈડ વિસ્તારમાં તમે ચીમની ન રાખી શકો એટલે એ પણ હટાવો. હવે આ મુદ્દે કાયદાકીય જંગ ખેલવા માટે તખતો તૈયાર થઇ રહ્યો છે.
