ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે ભંડોળ એકત્ર કરાયું
લંડનઃ ભારતના મધ્ય પ્રદેશની ૧૯૮૪ની ભોપાલ ગેસ દુર્ઘટનાના ત્રણ દાયકાની યાદગીરીમાં લંડન એસેમ્બલી સભ્ય નવીન શાહ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. લંડન સિટી હોલની ઉપર લંડન લિવિંગ રૂમ ખાતે શુક્રવાર ૨૧ નવેમ્બરે આયોજિત કાર્યક્રમમાં દુર્ઘટનામાં બચી ગયેલા પીડિત લોકો માટે દીર્ઘકાલીન હેલ્થકેરમાં સહાય સ્વરૂપે નોંધપાત્ર ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. આ નાણા યુકેસ્થિત ભોપાલ મેડિકલ અપીલને મળશે, જે ભોપાલમાં ગેસ દુર્ઘટનાના અસરગ્રસ્તોની સારવાર કરતા બે એવોર્ડવિજેતા ક્લિનિકિસને ભંડોળ પૂરું પાડે છે.
નવીન શાહ સાથે આ કાર્યક્રમને સી.બી.પટેલ અને ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક ABPL ગ્રૂપ દ્વારા સહઆયોજિત કરાયો હતો. લંડનના મેયર બોરિસ જ્હોનસન અને એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા આ કાર્યક્રમને સમર્થન અપાયું હતું. બ્રેન્ટ એન્ડ હેરોના એસેમ્બલી મેમ્બર નવીન શાહે કહ્યું હતું કે, ‘લંડનવાસીઓ મોટી સંખ્યામાં સિટી હોલ ખાતે ભોપાલ ગેસકાંડની ૩૦મી વર્ષીએ હાજર રહ્યાં તેનો મને આનંદ છે. આ પ્રસંગે ગેસ દુર્ઘટનામાં જાન ગુમાવનારા હજારો લોકોને અંજલિ અપાઈ હતી. દુષિત જળ અને તેના પરિણામે જૂની ફેક્ટરીની આસપાસ વસતા પરિવારો અને બાળકોને આરોગ્યની ગંભીર સમસ્યાઓ સહન કરવી પડે છે. કોમ્યુનિટી અને ધાર્મિક નેતાઓ અને બિઝનેસીસ દ્વારા આ માનવતાવાદી ઉદ્દેશ પ્રત્યે એકતા પ્રદર્શિત કરવામાં આવી છે. ભોપાલમાં સુંદર કામ કરતી ચેરિટીઓને દાન આપી પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.’
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક/તંત્રી સી.બી. પટેલે જણાવ્યું હતું કે,‘ ભોપાલ કરુણાંતિકા બહુરાષ્ટ્રીય કંપનીઓ ત્રીજા વિશ્વના દેશોમાં જે રીતે કામ કરે છે તેમાં કલંક સમાન છે. વિદેશી અને ભારતીય સ્થાપિત હિતો દ્વારા લેવાતાં ગેરવાજબી લાભ સામે લાલ આંખ કરવામાં ભારત સત્તાવાળાઓ નિષ્ફળ ગયા તે પણ શરમજનક છે.’
