યુકેથી ૨૦૦૦ જેહાદી સીરિયા અને ઈરાકમાં લડવા ગયા

મુસ્લિમોની નોંધપાત્ર વસ્તી ધરાવતા બર્મિંગહામ પેરી બાર મતક્ષેત્રના લેબર પાર્ટીના સાંસદ ખાલિદ મહમૂદે દાવો કર્યો છે છે કે યુકેથી ૨૦૦૦ જેહાદી સીરિયા અને ઈરાકમાં મુસ્લિમ ઉગ્રવાદીઓ સાથે મળી લડી રહ્યાં છે.

 તેમણે કહ્યું હતું કે બર્મિંગહામનો મારો અનુભવ કહે છે કે સમસ્યા ઘણી જ મોટી છે. સત્તાવાળાઓ કહે છે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ ધ લેવાન્ટ તથા અન્ય ત્રાસવાદી સંગઠનોની તરફે લડવા ગયેલા બ્રિટિશ જેહાદીઓની સંખ્યા આશરે ૫૦૦ છે.

બાળ કલ્યાણની ચિંતાએ મુસ્લિમ શાળાઓ બંધ થઈ શકે

એજ્યુકેશન સેક્રેટરી નિકી મોર્ગને છ સ્વતંત્ર મુસ્લિમ શાળાઓ બંધ કરી દેવાની ચીમકી આપી છે. ઓફસ્ટેડના ઈન્સ્પેક્ટરોની તપાસમાં આ શાળાઓમાં ચાઇલ્ડ વેલ્ફેરની અપૂરતી સુવિધા અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે. ઈસ્ટ લંડનના ટાવર હેમ્લેટ્સની આ શાળાઓની નિષ્ફળતા અંગેના પૂરાવાઓ હાથ લાગ્યા પછી એજ્યુકેશન સેક્રેટરીએ ઓફસ્ટેડ દ્વારા તપાસ કરાવી હતી. સ્વતંત્ર શાળાઓ દ્વારા સુધારા નહિ કરાય તો શાળા બંધ કરવા સહિતના સખત પગલાં લેવાશે.

ચેરિટીના નાણાનો ઉપયોગ ત્રાસવાદમાં?

મેટ્રોપોલીટન પોલીસ કમિશનર સર બર્નાર્ડ હોગાન-હોવે જાહેર જનતાને ચેરિટી સંસ્થાઓને દાન આપવામાં કાળજી રાખવાની સલાહ આપી છે. ચેરિટી બોક્સમાં અપાયેલાં દાનના નાણાનો ઉપયોગ ઈસ્લામિક ત્રાસવાદીઓને ભંડોળ આપવામાં થતો હોવાનું જોખમ છે. તેમણે કહ્યું હતું કે તેમના અધિકારીઓએ સામાન્યપણે આવી એકાદ યોજનાની સરખામણીએ આ વર્ષે મુસ્લિમ ત્રાસવાદીઓ દ્વારા અમલમાં મૂકાનારી ચાર-પાંચ ત્રાસવાદી યોજનાઓ નિષ્ફળ બનાવી છે.

ડેટિંગ ગુરુના બ્રિટન પ્રવેશ પર પ્રતિબંધ

વિવાદાસ્પદ અમેરિકન પિક-અપ આર્ટિસ્ટ જૂલિયન બ્લાંક પર બ્રિટનમાં પ્રવેશ સામે પ્રતિબંધ લગાવાયો છે. બ્લાંકને વિઝા ન આપવાની પીટિશનમાં ૧૫૦,૦૦૦થી વધુ લોકોએ સહી કર્યા પછી આ પગલું લેવાયું છે. બ્લાંક પુરુષોએ સ્ત્રીઓને કેવી રીતે આકર્ષવી તેના પર બ્રિટનમાં સેમિનાર યોજે છે, જેના માટે તે ૧૦૦૦ પાઉન્ડથી વધુની ફી ચાર્જ કરે છે. તે પોતાને રીઅલ સોશિયલ ડાયનેમિક્સના એક્ઝિક્યુટિવ કોચ તરીકે ઓળખાવે છે.

પુરુષ-સ્ત્રીનો વેતન તફાવત ઘટ્યો

યુકેમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે જોવા મળતો સરેરાશ વેતન તફાવત અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. નવા સત્તાવાર ડેટા અનુસાર વીસી અને ત્રીસીમાં રહેલી તેમ જ પૂર્ણ સમય કાર્યરત સ્ત્રીઓ તેમના પુરુષ સમોવડિયાઓની સરખામણીએ હવે કલાકદીઠ વધુ કમાણી કરે છે. પુરુષ અને સ્ત્રી વચ્ચે વેતનના તફાવતની નોંધણી ૧૯૯૭માં શરૂ કરાયા પછી આ તફાવત સૌથી ઓછો જણાયો છે.

યુકેથી ૨૦૦૦ જેહાદી સીરિયા અને ઈરાકમાં લડવા ગયા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.