યૌનશોષણના છ અપરાધી સામે પ્રતિબંધાત્મક આદેશ
લંડનઃ હાઈ કોર્ટ ઓફ લંડનના જસ્ટિસ કીહાને જાતીય શોષણના છ અપરાધીઓના નામનો ઉલ્લેખ કરવા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા સાથે તેમના દુષ્કૃત્યનો ભોગ બનેલી કિશોરીનો તેમ જ ૧૮ વર્ષથી ઓછી વયની અન્ય કિશોરીઓનો સંપર્ક સામે પ્રતિબંધ ફરમાવતો ઐતિહાસિક આદેશ કર્યો છે.
કોર્ટે જણાવ્યું હતું કે જો આદેશનું ઉલ્લંઘન થશે તો કોર્ટની અવમાનના બદલ તેમને બે વર્ષની જેલની સજા થઇ શકે છે. હવે પોલીસના જણાવ્યા અનુસાર, બર્મિંગહામના છ પુરુષ અપરાધી સામેના આદેશનો ઉપયોગ ઓછામાં ઓછા ૭૫ બાળકના રક્ષણ માટે પણ કરી શકાશે. મોહમ્મદ અંજામ (૩૧), ઓમર અહમદ (૨૭), નસીમ ખાન (૨૯), મોહમ્મદ જાવેદ (૩૪), શાહ આલમ (૩૭) અને સજ્જાદ હુસૈન (૪૦) યૌનશોષણનો શિકાર બનેલી કિશોરીનો સંપર્ક કરી શકશે નહિ તેમ જ અંગત રીતે સંકળાયેલા ન હોય તેવી ૧૮ વર્ષથી ઓછી વયની કોઈ પણ કિશોરીને જાહેર સ્થળે મળવા જઈ શકે નહિ તેવો આદેશ ફરમાવ્યો છે.
નાસી જવાનો ઈતિહાસ ધરાવતી અને હાલ સંભાળ હેઠળ રહેલી ૧૭ વર્ષની કિશોરીને ગયા મહિનાની એક વહેલી સવારે કારમાંથી ઉતરીને અહમદ અને અંજામને ગુડ બાય કહેતી પોલીસે નિહાળી હતી. અહમદે અગાઉ તેની સાથે મોબાઈલ પર સંપર્ક કર્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ કિશોરી તે સમયે નશામાં હતી અને કારની પાછલા ભાગમાં વોડકાની અડધી ખાલી બોટલ મળી હતી. અહમદ અને અંજામે અસુરક્ષિત કિશોરીનું જાતીય શોષણ કર્યું હતું અથવા આમ કરવાનો ઈરાદો હોવાનું કબૂલ્યું હતું.
