‘તસવીરઃ શબ્દનું કૌશલ્ય’ પુસ્તક એટલે બે પુંઠા વચ્ચે ગુજરાતી સાક્ષાત્કાર

‘તસવીરઃ શબ્દનું કૌશલ્ય’ પુસ્તક એટલે બે પુંઠા વચ્ચે ગુજરાતી સાક્ષાત્કાર

ડિજીટલ ટેકનોલોજીએ સમાજમાં જબરજસ્ત પરિવર્તન આણ્યું છે. ફોટોગ્રાફી ક્ષેત્રે તો જાણે ક્રાંતિ જ સર્જાઇ છે. ડિજીટલ કેમેરાના આગમનથી વિવિધ ક્ષેત્રે તસવીરનો વપરાશ અનેક ગણો વધ્યો છે. લગભગ દરેક વ્યક્તિ કેમેરાનો ઉપયોગ કરતો થયો છે. જેના કારણે તસવીર કંડારવી સર્વસામાન્ય ઘટના બની રહી છે.

જોકે કેમેરાનો ઉપયોગ પેન જેટલો સાહજિક બન્યો હોવા છતાં પણ હકીકત એ છે કે આનાથી તસવીરની કલાત્મકતામાં, તેના મહત્ત્વમાં લેશમાત્ર ઘટાડો થયો જણાતો નથી. ઉલ્ટું, તમે કહી શકો કે આધુનિક ટેક્નોલોજીના આગમનથી કલાત્મક છબીકલાનો માર્ગ મોકળો થયો છે. અને આ જ વાત સમજાવે છેઃ ‘તસવીરઃ શબ્દનું કૌશલ્ય’ પુસ્તક. ગુજરાતી સાહિત્યમાં નવી પગદંડી રૂપ બની રહે તેવું આ પુસ્તક એટલે ફોટો-જર્નલીસ્ટ શૈલેષ રાવલની તસવીર-કળાના ચાહકોને વધુ એક ભેટ.
અગાઉ તસવીર-શબ્દોનો સોનેરી સમન્વય સાધીને ત્રણ પુસ્તકો આપી ચૂકેલા શૈલેષ રાવલ ‘ઇંડિયા ટુડે’ મેગેઝિનના ગુજરાત ખાતેના પ્રિન્સિપલ ફોટોગ્રાફર તરીકે કાર્યરત છે.
વ્યવસાયે તસવીરકાર, પણ જીવ પત્રકારત્વનો. આ પુસ્તકમાં તેમણે પોતે જ ઝડપેલી તસવીરોને શબ્દદેહ આપ્યો છે. કારણ? તેઓ નથી ઇચ્છતા કે નવી પેઢીને આપણો ભવ્ય વારસો, સંસ્કૃતિ, ઇતિહાસ માણવામાં તકલીફ પડવી જોઇએ. પુસ્તક પર નજર ફેરવતાં જ જણાય છે કે ભાવિ પેઢી માટે આવું તસવીરી દસ્તાવેજીકરણ કરવાની - એક ફોટોગ્રાફર તરીકેની - જવાબદારી તેમણે સુપેરે નિભાવી છે. ‘તસવીરઃ શબ્દનું કૌશલ્ય’ પુસ્તકમાં તેમણે ગુજરાતની ભૂંસાતી જતી, ભુલાતી જતી, નજરઅંદાજ થતી અનેક વાતો, પરંપરા, સાંસ્કૃતિક વારસાને સ-તસવીર રજૂ કરવા પ્રયાસ કર્યો છે, અને તે પણ ભરપૂર વિષય વૈવિધ્ય સાથે. સામાજિક રીતરિવાજો, પરંપરા, મેળાઓ, મંદિરો, ધાર્મિક-સાંસ્કૃતિક ધરોહર, કુટુંબભાવના, શિલ્પ સ્થાપત્યો, રાજમહેલો, બાળપણ, ભણતર, આદિવાસીઓ, નટબજાણીયા, બહુરૂપી, ભવાઈ, પટોળા, ચૌલક્રિયા, સ્મશાન, ખેતી જેવા અનેક વિષયો પર તેમણે તસવીર સાથે સમજણ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તકનું ઉલ્લેખનીય પાસું છે કર્નલ બીગ્સે ૧૮૬૨માં ઝડપેલી અમદાવાદના વિવિધ સ્થળોની બે ડઝન તસવીરો. શૈલેષ રાવલે આ તમામ સ્થળો શોધીને કર્નલ બિગ્સના જ એંગલથી તસવીરો ઝડપીને જે તે સ્થળની પ્રવર્તમાન સ્થિતિ દર્શાવવાની સાથોસાથ પોણા બસ્સો વર્ષના ઇતિહાસના અંકોડા મેળવવા પ્રયાસ કર્યો છે.
આ તમામ તસવીરો જાણે કે વર્તમાનને ભવિષ્ય માટે ભૂતકાળ બનતી અટકાવે છે.
ગુજરાતીઓની બીજી પેઢી, ખાસ કરીને વિદેશવાસી પેઢી, ગુજરાતથી પરિચિત રહે, તેમનું વારસાગત ગોત્ર, ગુજરાતીપણું જીવંત રહે તેવું કાર્ય તસવીરકાર-લેખકે આ પુસ્તકમાં તસવીર-શબ્દની જુગલબંધી દ્વારા કર્યું છે.

‘તસવીરઃ શબ્દનું કૌશલ્ય’ પુસ્તક એટલે બે પુંઠા વચ્ચે ગુજરાતી સાક્ષાત્કાર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.