અનીશ કપૂરની હોલોકાસ્ટ મેમોરિયલ કેન્ડલ્સ

લંડનઃ ઓશવિત્ઝ હોલોકાસ્ટના ૭૦ વર્ષની યાદમાં ટર્નર પ્રાઈઝ વિજેતા શિલ્પકાર અનીશ કપૂર દ્વારા નિર્મિત વિશાળ ૭૦ મીણબત્તી સમગ્ર બ્રિટનમાં ૨૭ જાન્યુઆરીએ પ્રગટાવાશે. હોલોકાસ્ટ મેમોરિયલ ડે ટ્રસ્ટ દ્વારા સ્મારક મિણબત્તીના નિર્માણ માટે અનીશ કપૂરની સેવા લેવાઈ હતી.
નરસંહારનો ભોગ બનેલા યહુદી લોકોની યાદમાં આ મીણબત્તીઓ માન્ચેસ્ટર જ્યુઈશ મ્યુઝિયમ, યોર્ક મિન્સ્ટર, લીડ્ઝ પ્રિઝન, લેન્કેસ્ટર કેસલ અને સફોકમાં લોવેસ્ટોફ્ટ રેલવે સ્ટેશન સહિતના ૭૦ સ્થળોએ પ્રગટાવાશે. ૬૦ વર્ષીય અનીશ કપૂરે ૧૯૯૬માં નોર્થ લંડનમાં સેન્ટ જ્હોન્સ વૂડના લિબરલ જ્યુઈશ સિનેગોગ માટે હોલોકાસ્ટ મેમોરિયલનું પણ નિર્માણ કર્યું હતું. તેમણે ૨૦૧૦માં જેરૂસાલેમમાં ઈઝરાયેલ મ્યુઝિયમ માટે પણ સ્મારક ડિઝાઈન કર્યું હતું. હિન્દુ પિતા અને યહુદી માતાના સંતાન અનીશ કપૂરે જણાવ્યું હતું કે નરસંહારમાં ૬૦ લાખ યહુદીઓની હત્યા કરવા જેવાં ઘૃણિત કાર્યની યાદ રાખવી ઘણી જરૂરી છે.
