અભિનય સમ્રાટ પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદીનું મુંબઇમાં નિધન

અમદાવાદઃ અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીનું લાંબી માંદગી બાદ ૭૭ વર્ષની વયે ૪ જાન્યુઆરીએ મુંબઈમાં નિધન થયું છે. ગુજરાતી તખ્તાને ગજવતા, ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ગીતોને ઘેર ઘેર ગુંજતા કરતા એક પીઢ અભિનેતાની વિદાયથી ગુજરાતી નાટયભૂમી અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને ભારે ખોટ પડી છે.
મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાં શિક્ષણ દરમિયાન જ ઉપેન્દ્ર ત્રિવેદીએ નાટકો દ્વારા રંગમંચ ગજવ્યો અને એ જ તખ્તા પર તેઓ ૭૫ જેટલા અનેક વિધ નાટકોમાં મુખ્ય પાત્રો ભજવીને ‘અભિનય સમ્રાટ’નું બિરુદ પામ્યા. આજ અભિનયે તેમને ગુજરાતી ફિલ્મ ‘કાદુ મકરાણી’માં નાનકડી ભૂમિકા અપાવી. એ નાનકડી ભૂમિકાને તેમણે અભિનયની એવી બુલંદી પર પહોંચાડી કે, ગુજરાતી ફિલ્મોના સને ૧૯૭૦- ૧૯૮૦ના સુવર્ણકાળમાં તેઓ મોખરાના સ્થાને પહોંચ્યા... જેસલતોરલથી શરૂ થયેલી તેમની ગુજરાતી ફિલ્મોની સફરમાં એક તરફ કોંકણી અભિનેત્રી સ્નેહલત્તા અને બીજી તરફ રીટા ભાદુરી સાથેની ફિલ્મોએ ગુજરાતી ફિલ્મ રસિકોમાં ધૂમ મચાવી હતી. બીજી તરફ તેમની મોટાભાગની ગુજરાતી ફિલ્મોને સંગીતમાં સુગમ સંગીતના બાદશાહ અવિનાશ વ્યાસનો સાથ મળ્યો. તેમને ‘માનવીની ભવાઇ’ ફિલ્મના નિર્માણ બદલ ‘પદ્મશ્રી’ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ફિલ્મી સુવર્ણકાળ દરમિયાન તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા અને ભિલોડા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસના વળતા પાણી થતા ભાજપમાં જોડાઈને રાજકીય યાત્રા અવિરત જારી રાખી હતી. તેઓ સાંસ્કૃતિક બાબતો અને પંચાયત વિભાગના રાજ્યકક્ષાના પ્રધાનપદ અને વિધાનસભાના ઉપાધ્યક્ષના પદે રહ્યા હતા.
મૂળ સાબરકાંઠાના ઈડર તાલુકાના કુકડિયા ગામના ઉપેન્દ્રભાઈનો જન્મ ૧૪મી જુલાઈ ૧૯૩૭માં ઈંદોર ખાતે થયો હતો. તેઓ પરિવારમાં પત્ની શારદાબહેન પુત્રો આશિષ અને હેમંત અને રામાયણ સિરીયલના ‘લંકેશ’ અરવિંદ ત્રિવેદી સહિતના બહોળા પરિવારને વિલાપ કરતા મુકી ગયા છે. તેઓને રાજકીય મહાનુભાવો સહિત ફિલ્મ-સંગીત ક્ષેત્રના અનેક લોકો શ્રદ્ધાંજલિ અર્પી હતી.
