અમદાવાદ-લંડનની સીધી ફ્લાઇટ માટે ગુજરાતના મંત્રીઓએ કેમ્પેન કમિટીના કો-ઓર્ડિનેટરો સાથે કરેલી ઘનિષ્ઠ ચર્ચાઃ મંત્રીઓનો સંપૂર્ણ સહયોગ

ગાંધીનગરઃ અમદાવાદ-લંડનની સીધી ફ્લાઇટ ચાલુ કરવા માટે લંડન અને અમદાવાદમાં બનાવવામાં આવેલી ઓલ પાર્ટી કમીટી ફોર ડાયરેક્ટ ફ્લાઇટ તરફથી છેલ્લા બે મહિના ઉપરાંતથી ઘનિષ્ઠ પ્રયત્ન ચાલી રહ્યા છે. લંડનથી હાઉસ ઓફ લોર્ડઝના સભ્યો ઉપરાંત અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા ભારતમાં કેન્દ્રની નવી એનડીએની સરકારને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. આવી જ રીતે ગુજરાતમાંથી ગુજરાતના કેન્દ્રના મંત્રીઓ ઉપરાંત સાંસદો તથા ગુજરાતના મંત્રીઓ દ્વારા કેન્દ્રના મંત્રીને રજૂઆતો કરવામાં આવી છે. 

ભાજપના રાજ્યસભાના મુખ્ય દંડક મનસુખ માંડવીયાની આગેવાની હેઠળ ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઇટ બનાવવામાં આવી છે. તેના સભ્યો દ્વારા પણ ડાયરેક્ટ ફ્લાઇટ ચાલુ કરવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે.
આ રજૂઆતોમાં ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તા. ૫ જાન્યુઆરીના રોજ સચિવાલયના નવા સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની ચેમ્બરમાં તથા પત્રકારો વચ્ચે લગભગ આખો દિવસ અમદાવાદ-લંડનની ડાયરેક્ટ પ્લાઇટ માટે કરાયેલા પ્રયત્નોની ખૂબ જ ચર્ચાઓ થઇ હતી.
ઓલ પાર્ટી કમિટીના યુકેના કોર્ડિનેટર લંડનના શ્રી સી. બી પટેલ અને ભારતના કોર્ડીનેટર અને વરિષ્ઠ પત્રકાર શ્રી ભુપતરાય પારેખ ૫ જાન્યુઆરી સોમવારના રોજ ગુજરાતના મંત્રીમંડળના સભ્યોને મળવા માટે ગાંધીનગર ગયા હતા. સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓ સાથે લાંબી ચર્ચાવિચારણ કરી હતી. સૌ પ્રથમ ગુજરાતમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમો માટે નાણાં, ઊર્જા અને નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી સૌરભ પટેલની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ૭૦ જેટલા પત્રકારો હાજર રહ્યા હતા. શ્રી સી.બી. પટેલ એક દિવસ પહેલા જ લંડનથી આવ્યા હતા તેમને ગુજરાતના માહિતી ખાતાના અધિકારીઓએ આમંત્રણ પાઠવી આ પત્રકાર પરિષદમાં હાજર રહેવા આગ્રહ કર્યો હતો. આ ઉપરાંત મંત્રી શ્રી સૌરભ પટેલે શ્રી ભુપતભાઇ પારેખ સાથે વાતચીત કરી સીબી પટેલને પત્રકાર પરિષદમાં હાજર રહેવા જણાવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં શ્રી. સી. બી. પટેલે મંત્રીશ્રી સૌરભ પટેલને સૌપ્રથમ મળીને તેમણે કેન્દ્ર સરકારને ડાયરેક્ટ ફ્લાઇટ માટે લખેલા પત્ર બદલ અભિનંદન આપ્યા હતા. પત્રકાર પરિષદ પૂરી થયા બાદ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતના પત્રકારો શ્રી. સી.બી. પટેલને મળ્યા હતા. શ્રી પટેલ દ્વારા લંડનમાં ચલાવવામાં આવતી કેમ્પેન વિષે લાંબી ચર્ચા વિચારણા કરી હતી. અનેક પત્રકારોએ શ્રી પટેલને તેમના કાર્યાલયમાં આવવા આમંત્રણ આપ્યા હતા.
પત્રકાર પરિષદ પૂરી થયા બાદ શ્રી. સી.બી. પટેલ અને શ્રી ભુપતભાઇ પારેખે શ્રી સૌરભ પટેલની ચેમ્બરમાં ડાયરેક્ટ ફ્લાઇટ માટેની લાંબી ચર્ચા કરી હતી. તે સમયે પણ ટીવી મીડિયાના પત્રકારો અને ચેનલના કેમરામેન હાજર હતા. આજની ગાંધીનગરની મુલાકાતની શરૂઆતમાં ગાંધીનગર અને ભૂજથી પ્રકાશિત થતાં દૈનિક અખબાર ચંચળના તંત્રી-માલિક શ્રી જયેન્દ્રભાઇ ઉપાધ્યાયે સી.બી. પટેલને મળીને તેમને આ કેમ્પેનમાં સંપૂર્ણ સાથ-સહકાર આપવાની ખાતરી આપી હતી એટલું જ નહીં પરંતુ જ્યા જ્યાં જરૂર પડે ત્યાં કેમ્પેન માટે રજૂઆત કરવાનું જણાવ્યું હતું.

તેમણે પોતે દિલ્હીમાં જઇને કેન્દ્ર મંત્રીઓ સમક્ષ રજૂઆત કરવા શ્રી પટેલને જણાવ્યું હતું. તેઓ પણ સૌરભ પટેલની ચેમ્બરમાં હાજર હતા.
સૌરભ પટેલે કેનદ્રના નાગરિક ઉડ્ડયન અશોક ગજપતિ રાજુ સમક્ષ રબરૂમાં આ ફ્લાઇટ માટે કરેલી રજૂઆતની વિસ્તૃત વિગતો આપી હતી. દિલ્હીના એર ઇન્ડિયાના અધિકારીઓ સાથે ગાંધીનગરમાં તેમમે કરેલી ચર્ચા-રજૂઆતની વિગતોની ચર્ચા કરી હતી. સૌરભ પટેલે કહ્યું હતું કે, આ ફ્લાઇટ શરૂ થય ત્યાં સુધી તમારી કેમ્પેન કમિટી સાથે રહીને પ્રયત્ન કરતો રહીશ.
ત્યારબાદ શિક્ષણ મંત્રી અને મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ચેમ્બરમાં મળ્યા હતાં તે સમયે પણ કેટલાક પત્રકાર હાજર હતાં. ચેમ્બરમાં પ્રવેશ કરતા જ શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રી સી.બી. પટેલને ભેટીને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો અને હાજર રહેલા પત્રકારોને જણાવ્યું હતું કે ઘણા વર્ષો જુના મારા મિત્ર સી બી પટેલને જોઇને હું ખુબ જ હર્ષ અને આનંદની લાગણી અનુભવુ છું. તેમણે મને મારી લંડનની મુલાકાત દરમિયાન મને ખુબ સાથ સહકાર આપ્યો હતો અને મારી સાથે જુદાજુદા આગેવાનોની મીટીંગો પણ ગોઠવી હતી.
શ્રી સી બી પટેલે ગુજરાત સમાચારના છેલ્લા અંકમાં શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કેન્દ્રના નાગરિક ઉડયન મંત્રીને લખેલા પત્રની વિગતો પ્રકાશિત કરી હતી. તે અંક બતાવ્યો હતો અને તેમાં પ્રસિધ્ધ થયેલી વિગતો દર્શાવી હતી.
મંત્રીશ્રી ભપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુબ જ રસપૂર્વક તેમની પ્રકાશિત થયલી વિગતો વાંચી હતી અને તેમના તસવીર સાથેનો આ અંક પત્રકારોને દર્શાવ્યો હતો.
શ્રી ચુડાસમાએ અમદાવાદ- લંડનની ડાયરેકટ ફલાઇટની ગુજરાતના લોકોને ખુબ જ જરૂરીયાત છે તેની વિષદ ચર્ચા શ્રી સી બી પટેલ અને શ્રી ભુપતભાઇ પારેખ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે લંડનમાં સી બી પટેલ દ્વારા આ ઝુંબેશ ચાલે છે તેની પુરેપુરી માહિતીથી તેઓ વાકેફ છે. આવી ફલાઇટની ખુબ જ જરૂરીયાત છે. તે હું જાણુ છું. મારા લંડન સાથેના જે સંબંધો છે તેમના તરફથી પણ મને એ માહતી મળે છે કે સી બી પટેલ સીધી ફલાઇટ માટે જે ઝુંબેશ ચલાવી રહ્યાં છે તેની માહિતી મળે છે. આ જાતની ડાયરેકટ ફલાઇટ જયાં સુધી ચાલુ થશે નહીં ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રાખવામાં હું પુરેપુરો સાથ સહકાર આપીશ. જરૂર પડે તો વડાપ્રધાન સમક્ષ પણ રજુઆત કરીશ. એટલું જ નહીં પરંતુ લંડનની હું મુલાકાત લઇશ ત્યારે પણ આવી ઝુંબેશ ચાલુ રાખવાની લંડનના લોકોને હું જાહેર અપીલ કરીશ.
શ્રી સી બી પટેલે લંડનની અને અમદાવાદમાં ચાલી રહેલી સીધી ફલાઇટ માટેની વિગતો આપતાં જણાવ્યું હતું કે અહીં ભારતમાં અમારી ઓલ પાર્ટી કમિટી કેમ્પેઈન કમિટિના કો-ઓર્ડીનેટર શ્રી ભુપતભાઇ પારેખ દ્વારા ગુજરાતના સંસદ સભ્યો,મંત્રીઓ અને ગુજરાતના કેન્દ્રના મંત્રીઓ દ્વારા ઝુંબેશ ચાલી રહી છે તેની વિગતો આપી હતી. આથી શ્રી ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ભુપતભાઇ પારેખ અમારા વડીલ છે અમારા કામમાં તેમનો અમને સહયોગ મળ્યો છે. હું ઘણા વર્ષોથી તેઓને મારા વડીલ મિત્ર ગણું છું.
ત્યારબાદ હાજર રહેલા પત્રકારોએ શ્રી ભુપેન્દ્રસિંહની હાજરીમાં ડાયરેકટ ફલાઇટ માટેની વિગતો સી બી પટેલ સાથે વાતચીતો કરી હતી.
આ વાતચીત દરમિયાન ભૂતપૂર્વ રાજયસભાના સભ્ય ભાજપના આગેવાન કેટલાક બોર્ડના પ્રમુખ તરીકે રહી ચુકેલા શ્રી જયંતિભાઇ બારોટ ભુપેન્દ્રસિંહજીને મળવા આવ્યા હતાં. તેમણે પણ શ્રી પટેલને જોઇને તેમની સાથે હર્ષપૂર્વક આવકાર આપ્યો હતો. અને શ્રી સી બી પટેલ દ્વારા લંડનમાં ચાલતી કેમ્પેઈન કમિટીની ઝુંબેશની ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન વરિષ્ઠ પત્રકાર તંત્રી જયેન્દ્ર ઉપાધ્યાય સાથે હતાં.
ત્યારબાદ કુટિર ઉદ્યોગ અને ગૌસંવર્ધન રાજયમંત્રી શ્રી તારાચંદ છેડાની ચેમ્બરમાં મળવા સી બી પટેલ ભુપતભાઇ પારેખ અને જયેન્દ્રભાઇ ઉપાધ્યાય ગયા હતાં. સી બી પટેલને તેમની ચેમ્બરમાં મળતા જ તારાચંદ ભાઈ છેડા તેમને હર્ષભેર આનંદીત થઈને ભેટી પડ્યા હતાં. તે વખતે લાગણીસભર દ્રશ્ય ઊભા થયાં હતાં. તારાચંદ ભાઈએ સી બી પટેલ સાથે હાથ મિલાવીને લાંબા સમય સુધી હસ્તધુનન કર્યું હતું. તેમણે તેમની લંડનની મુલાકા સમયે સી બી પટેલના કાર્યાલયમાં પક્ષના આગેવાનો સાથેની થયેલી મુલાકાતની ચર્ચાઓ અને યાદગાર પ્રસંગોને યાદ કર્યા હતાં.
સી બી પટેલે શ્રી તારાચંદ છેડાએ ભારતના કેન્દ્ર સરકારના મંત્રીને ડાયરેકટ ફસાઇટ માટે લખેલા પત્રની વિગતો સાથેના બે સમાચારો ગુજરાત સમાચારમાં પ્રકાશિત કર્યા હતાં. તે ગુજરાત સમાચાર બતાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ઊર્જા રાજ્યમંત્રી ગોવિંદભાઈ પટેલ તારાંચદભાઈની ચેમ્બરમાં આવ્યા હતાં ત્યારે સી બી પટેલને અહીં જોતાં જ આનંદભેર આવકાર આપ્યો હતો. તારાચંદભાઈ, ગોવિંદભાઈ, સી બી પટેલ, ભુપતભાઈ પારેખ સાથે લાંબી ચર્ચાઓ ડાયરેક્ટ ફ્લાઈટ માટે થઈ હતી.
ત્યારબાદ પંચાયત અને સહકાર રાજયમંત્રી શ્રી જયંતિભાઇ કવાડિયાને મળવા સી બી પટેલ ભુપતભાઇ પારેખ અને જયેન્દ્રભાઇ ઉપાધ્યાય ગયા હતાં જયંતિભાઇ કવાડિયાએ ડાયરેક ફલાઇટ માટેની ચાલી રહેલી ઝુંબેશની વિગતો ભુપતભાઇ પારેખ પાસેથી મળતી રહે છે તેની વિગતો જણાવી હતી.
તેમણે સી બી પટેલને કહ્યું હતું કે ભુપતભાઇ પારેખ તો અમારા વતન મોરબીના વડીલ મિત્ર અને પ્રતિષ્ઠિત આગેવાન છે. અમે તેમનું માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ. ક્યારેય ભુપતભાઈ અમને ડાયરેક્ટ ફ્લાઈટ માટેની કેન્દ્ર સરકારમાં રજુઆત કરવા જણાવ્યું હતું ત્યારે અમે તુર્ત જ ગુજરાતના નાગરિક ઊડ્ડયન મંત્રી સૌરભભાઈ પટેલને મળ્યા હતાં અને ગુજરાત સરકાર વતી કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆત કરવા ખાસ આગ્રહ કર્યો હતો.
અમે છેલ્લા કેટલાક સમયથી આ ઝુંબેશની સાથે સભ્યોના સાથ સહકાર સાથે સંકળાયેલા છીએ તેમણે સી બી પટેલને ખાત્રી આપી હતી કે અમારા મોરબીના વતની અને રાજકોટના સંસદસભ્ય કેન્દ્રમાં મંત્રી બનેલા શ્રી મોહનભાઈ કુંડારિયા દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ સતત આવી સીધી ફ્લાઈટની રજુઆત કરતા રહીશું. અમારા સૌરાષ્ટ્રના વતનીઓ માટે આ સીધી ફ્લાઈટ ખૂબ જરૂરિયાત છે.
મંત્રીઓની આ મુલાકાત બાદ વિધાનસભા ભવનમાં વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા શ્રી શંકરસિંહ વાઘેલાના કાર્યાલયમાં મળવા સીબી પટેલ, ભુપતભાઈ પારેખ, જયેન્દ્રભાઈ ઉપાધ્યાય ગયા હતાં. શંકરસિંહ વાઘેલા ગાંધીનગરની બહાર કાર્યક્રમમાં રોકાયેલા હતાં તેમની સાથે ટેલીફોન પર સી બી પટેલ અને શંકરસિંહ વાઘેલાની વાતચીતો થઈ હતી. શ્રી વાઘેલા પોતે ભારતની આ કેમ્પેન કમિટીના એક સભ્ય છે તથા તેમણે કેન્દ્ર સરકારને સીધી ફ્લાઈટ માટે લખેલા પત્રોની યાદ કરાવતા સી બી પટેલે શંકરસિંહ વાઘેલા સાથે ફોન પર ચર્ચાઓ કરી હતી. શંકરસિંહ વાઘેલાએ સી બી પટેલને ખાસ ભોજન સાથેનું આમંત્રણ આપી આ જાતની ઝુંબેશને તેમનો પુરેપુરો સાથ સહકાર હોવાનું જણાવ્યું હતું.
ભારતની આ કેમ્પેઈન કમિટીના કન્વીનર રાજ્યસભાના ભાજપના મુખ્ય દંડક મનસુખભાઈ માંડવિયાને મળવા તેમના નિવાસસ્થાને ગાંધીનગરમાં રહે છે ત્યાં સી બી પટેલ સહિત ત્રણેય પત્રકારો ગયા હતાં. માંડવિયા પોતે હૈદરાબાદ ગયા હોઈ ફોન પર હૈદરાબાદથી સી બી પટેલ સાથે ચર્ચા કરી તેઓ ગુજરાતના બધા ભાજપના સંસદસભ્યો સહિત કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆતો કરી રહ્યાં છે તથા કરવાના છે તેની વિસ્તૃત વિગતોની ચર્ચા કરી હતી. તથા તે વિગતવાર હૈદરાબાદથી ગાંધીનગરથી આવી સી બી પટેલ સાથે ભોજનનું નિમંત્રણ આપી ચર્ચા કરવા જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પુરૂષોત્તમ રૂપાલાને મળવા ગાંધીનગરના નિવાસસ્થાને સી બી પટેલ સહિત ત્રણેય પત્રકારો ગયા હતાં. તેઓ કાર્યક્રમમાં ગયા હતાં આથી તેમણે અમરેલીથી ફોન પર સી બી પટેલ સાથે વાતચીત કરી તેમની છેલ્લી લંડનની મુલાકાત વિષેની યાદો તાજી કરી હતી અને અમરેલીના કાર્યક્રમમાં આવવા સી બી પટેલને આમંત્રણ આપ્યું હતું. સી બી પટેલે ગુજરાતમાં ચાલી રહેલી ઝુંબેશની વિગતોની વાતચીત કરી જણાવ્યું હતું કે આજે અમે ભુપતભાઈ પારેખ સાથે મંત્રીઓ વગેરેને મળ્યા હતાં. આથી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ સી બી પટેલને જણાવ્યું હતું કે ભુપતભાઈ પારેખ જે ઝુંબેશ હાથે ધરે છે તે પુરી ન થાય ત્યાં સુધી સતત ચાલુ રાખી ખુબ જ પ્રયત્ન કરે છે.
દિવસના અંતે છેલ્લે ભારતની કમિટીના બિનરાજકીય સભ્ય ચ્હાના મોટા વેપારી ઉદ્યોગપતિ શ્રી પીયુષભાઈ દેસાઈની વાઘબકરી ટી લોન્જમાં પીયૂષભાઈ દેસાઈને મળ્યાં હતાં. પીયૂષભાઈ દેસાઈએ પણ આ ચાલી રહી ઝુંબેશને પોતે આપેલો સતત ટેકો અને સાથ સહકારની વિગતો આપતાં જણાવ્યું હતું કે ગુજરાતના વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓને આવી સીધી ફ્લાઈટની ખુબ જ જરૂર છે. તેમની સાથે પણ વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.

સૌરભ પટેલે અમદાવાદની સીધી ફ્લાઇટ માટે થયેલા પ્રયાસોની માહિતી આપી
ગાંધીનગરઃ ગુજરાતના નાણાં અને નાગરિક ઉડ્ડયન મંત્રી સૌરભ પટેલે લંડનથી આવેલા ‘ગુજરાત સમાચાર-એશિયન વોઇસ’ના તંત્રી અને ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઇટના યુકેના કોર્ડિનેટર સી. બી. પટેલને તેમની ચેમ્બરમાં આવકાર આપી ખાતરી આપી હતી કે, અમદાવાદ-લંડનની સીધી ફ્લાઇટ શરૂ કરવા માટે તેઓ આ કમિટીને સંપૂર્ણ સહયોગ આપશે, એટલું જ નહીં પરંતુ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત પણ કરતા રહેશે. સી. બી. પટેલ અને આ કમિટીના ભારતના કોર્ડીનેટર ભુપતરાય પારેખને સૌરભ પટેલે જણાવ્યું હતું કે, તેમણે કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુ સમક્ષ દિલ્હીમાં કરેલી ડાયરેક્ટ ફ્લાઇટ માટેની રજૂઆતોની વિસ્તૃત વિગતો આપી હતી. સૌરભ પટેલે લંડનમાં સી. બી. પટેલ દ્વારા ચલાવાતી ઝુંબેશની પ્રસંશા કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે, ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવા માટે તેઓ સંપૂર્ણ પ્રયત્નો કરશે. તેમણે કમિટી દ્વારા થયેલા કાર્યોની જાણકારી પણ મેળવી હતી, અને આ કાર્યોની પ્રસંશા કરી હતી. લંડનમાં ગુજરાત સમાચારમાં પ્રકાશિત ડાયરેક્ટ ફ્લાઇટ માટેના સમાચારો તથા સૌરભ પટેલે કેન્દ્રના મંત્રીને લખેલા પત્રની ખબર ગુજરાત સમાચારમાં વાંચી હતી અને આ સમાચાર પ્રકાશિત કરવા બદલ સી.બી. પટેલનો આભાર માન્યો હતો.

રાજ્યના વરિષ્ઠ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા લંડનની મુલાકાતે
ગાંધીનગરઃ ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ તેમની આગામી લંડનની મુલાકાત સમયે તેમના માટેના કેટલાક કાર્યક્રમો યોજવાનો અનુરોધ સી. બી. પટેલને કર્યો હતો. સી. બી. પટેલ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઇટના ભારતના કોર્ડીનેટર ભૂપતરાય પારેખ સાથે ચૂડાસમાને ગાંધીનગરમાં તેમની ચેમ્બરમાં મળ્યા હતા. ૫ જાન્યુઆરીએ આ મુલાકાત સમયે ગુજરાત સમાચારના છેલ્લા અંકમાં પ્રકાશિત ભૂપેન્દ્રસિંહે કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રીને લખેલા પત્રના સમાચાર વંચાવ્યા હતા. ચૂડાસમાએ આ સમાચાર રસપૂર્વક વાંચીને કહ્યું કે, મારી આગામી લંડનની મુલાકાત સમયે હું ત્યાં રહેતા ભારતીયોને અને ખાસ કરીને ગુજરાતીઓને આવી ફ્લાઇટ શરૂ કરવા માટેના જે પ્રયાસો સી. બી. પટેલની કમિટી દ્વારા થઇ રહ્યા છે તેને સંપૂર્ણ ટેકો આપીશ અને તેને સહકાર આપવા અનુરોધ કરવાનો છું. ચુડાસમાએ ત્યાં હાજર કેટલાક પત્રકારો તથા ભાજપના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ સાંસદ જયંતીલાલ બારોટને જણાવ્યું હતું કે, દસ વર્ષ પહેલા તેમણે લંડનના આગેવાન ગુજરાતીઓ અને ભારતીયોની એક મોટી હાજરીવાળી બેઠકનું આયોજન કર્યું હતું. તેના સંસ્મરણો હજુ પણ મને તાજા છે. આ મુલાકાતમાં સાથે રહેલા ભુપતરાય પારેખને ઉદ્દેશીને સી. બી. પટેલે જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતનું ડાયરેક્ટ ફ્લાઇટ માટેના કેમ્પેનનું કામ સંભાળી રહ્યા છે. આ વખતે ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ ભુપતભાઇ પારેખ અમારા વડીલ મિત્ર છે, ઘણા વર્ષોના પરિચિત છીએ. તેઓ સીધી ફ્લાઇટ માટેની વિસ્તૃત વિગતો જણાવતા રહે છે. તેમણે વધુમાં આ ફ્લાઇટ શરૂ થાય ત્યાં સુધી સંપૂર્ણ પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.

મંત્રી તારાચંદ છેડાએ લંડનમાં ગુજરાત સમાચાર કાર્યાલયની મુલાકાત યાદ કરી
ગાંધીનગરઃ ગુજરાતના કુટીર ઉદ્યોગ રાજ્ય મંત્રી તારાચંદ છેડાની ‘ગુજરાત સમાચાર-એશિયન વોઇસ’ના તંત્રી-પ્રકાશક સી. બી. પટેલ તથા વરિષ્ઠ પત્રકાર ભુપતરાય પારેખે ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી. આ વેળાએ તારાચંદ છેડાએ થોડા દિવસ પહેલા લંડનમાં ગુજરાત સમાચાર કાર્યાલયની મુલાકાતની યાદ તાજી કરતાં સી.બી. પટેલને કહ્યું હતું કે, તે મુલાકાતને હું ભૂલી શકીશ નહીં અને સી.બી. પટેલ અને તેમના સાથીઓ દ્વારા જે ઉષ્માભર્યો આવકાર મળ્યો તે ખૂબ જ યાદગાર છે. સી.બી. પટેલે મને લંડનમાં સીધી ફ્લાઇટ શરૂ કરવા માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું. આથી લંડનથી ગાંધીનગર આવીને ભુપતરાય પારેખ સાથે ચર્ચા કરીને કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રીને મેં પત્ર લખ્યો હતો. આ પત્રની વિગતો પત્રના લખાણ સાથે ગુજરાત સમાચારમાં પ્રકાશિત થયા હતા તે તેમણે રસપૂર્વક વાંચ્યા હતા. તેમણે કચ્છની જનતાની લાગણી અને માગણી તથા સીધી ફલાઇટ શરૂ કરવાની રજૂઆતોની ચર્ચા કરી હતી.

સીધી ફ્લાઇટ શરૂ કરવાના પ્રયાસોને યથાવત રાખવાની ખાતરી આપતા સહકાર મંત્રી
ગાંધીનગરઃ ગુજરાતના સહકાર અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી જયંતીભાઇ કવાડિયાએ કેન્દ્ર સરકાર કૃષિ રાજ્ય મંત્રી મોહનભાઇ કુંડારિયા દ્વારા અમદાવાદ-લંડનની સીધી ફ્લાઇટ શરૂ કરવાના પ્રયત્નો યથાવત રાખવાની ખાતરી આપી છે. કવાડિયા ગાંધીનગરમાં ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઇટના યુકેના કોર્ડિનેટર અને ‘ગુજરાત સમાચાર-એશિયન વોઇસ’ના તંત્રી તથા પ્રકાશક સી. બી. પટેલ તથા ભારતના કોર્ડીનેટર ભુપતરાય પારેખ તેમની ચેમ્બરમાં મળ્યા હતા. કવાડિયાએ કહ્યું હતું કે, ભુપતરાય પારેખ અમારા વતન મોરબીના વડીલ મિત્ર છે. મોરબીના વતની અને રાજકોટના સાંસદ તથા કેન્દ્રના કૃષિ રાજ્ય પ્રધાન મોહનભાઇ કુંડારિયા દ્વારા હું અને ભુપતભાઇ સીધી ફ્લાઇટ શરૂ કરવા માટે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી રહ્યા છીએ. મોહનભાઇએ અમને આ અમારા કાર્યમાં સંપૂર્ણ સહકાર આપવાની અને કેન્દ્રમાં મંત્રી સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી હતી. સૌરાષ્ટ્રની જનતાને આવી સીધી ફ્લાઇટ ઘણી ઉપયોગી થઇ શકે તેમ છે, જે શરૂ થવી જોઇએ. કવાડિયાએ ગુજરાત સમાચારમાં પ્રકાશિત સીધી ફ્લાઇટ અંગેના સમાચારો રસપૂર્વક વાંચ્યા હતા.

ચા ઉદ્યોગના અગ્રણી પિયૂષ દેસાઇની સીધી ફ્લાઇટ શરૂ કરવા માટે સહકાર આપવાની ખાતરી
અમદાવાદઃ અમદાવાદ-લંડન વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવા માટે બનાવવામાં આવેલી કમિટીના બિનરાજકીય સભ્ય અને વેપાર-ઉદ્યોગના પ્રતિનિધિ તથા વાઘબકરી ચા ગ્રૂપના પિયૂષ દેસાઇએ લંડનથી આવેલા સી.બી. પટેલ અને વરિષ્ઠ પત્રકાર ભુપતરાય પારેખને તેમણે ગુજરાતમાં સર્વપ્રથમ શરૂ કરાયેલા ટી-લોન્જની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન પિયૂષભાઇએ જણાવ્યું હતું કે, ગુજરાતના વેપાર-ઉદ્યોગના પ્રતિનિધિઓને આવી સીધી ફ્લાઇટ ખૂબ જ ઉપયોગી થઇ શકે તેમ છે. સી. બી. પટેલ દ્વારા કરવામાં આવતા પ્રયત્નોની પ્રસંશા કરતા તેમણે વેપાર-ઉદ્યોગના પ્રતિનિધિઓ દ્વારા આવા કેમ્પેનને સહકાર મળી રહે તેની તેમના વતી ખાતરી આપી હતી. પિયૂષભાઇએ ગુજરાતમાં પ્રથમ એવી બહુ જ આકર્ષક ટી-લોન્જની વિસ્તૃત વિગતો આપી જુદાજુદા વિભાગો દર્શાવ્યા હતા.

અમદાવાદ-લંડનની સીધી ફ્લાઇટ માટે ગુજરાતના મંત્રીઓએ કેમ્પેન કમિટીના કો-ઓર્ડિનેટરો સાથે કરેલી ઘનિષ્ઠ ચર્ચાઃ મંત્રીઓનો સંપૂર્ણ સહયોગ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.