એમ. એસ. યુનિ.નાં ચાન્સેલર ડો. મૃણાલિનીદેવીનું નિધનઃ

એમ. એસ.યુનિવર્સિટીના ચાન્સેલર તેમ જ વડોદરાના રાજવી પરિવારના સભ્ય ડો.મૃણાલિનીદેવી પુઆરનું ૩૧ ડિસેમ્બરે મોડી રાતે અવસાન થયું હતું. 

તેમની અંતિમયાત્રામાં શિક્ષણક્ષેત્ર, યુનિવર્સિટી પરિવારના સભ્યો તથા વડોદરાના વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયા હતા. ૮૦ વર્ષના ડો. પુઆર ૧૯૮૮માં યુનિવર્સિટીના ત્રીજા ચાન્સેલર બન્યા હતા. હોમ સાયન્સમાં ફૂડ એન્ડ ન્યુટ્રીશનના ક્ષેત્રમાં પીએચ. ડી કરનાર ડો. પુઆરે આ ક્ષેત્ર સાથે સંકળાયેલી સંખ્યાબંધ સંસ્થાઓમાં સેવા આપી હતી અને આ માટેની કેટલીક કમિટીઓમાં તેઓ સભ્ય પણ રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. ૧૦ દિવસથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. વડા પ્રધાન, રાજ્યપાલ અને મુખ્ય પ્રધાને સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
• બિલિમોરાના ડો. શૈલેશ નાયક ઇસરોના કાર્યકારી ચેરમેન પદેઃ કેન્દ્ર સરકારે મૂળ બિલિમોરાના ડો. શૈલેષ નાયકને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના વચગાળાના ચેરમેન તરીકે નિમણૂક કરી છે. તેઓ અત્યારે અર્થ સાયન્સ મંત્રાલયના સેક્રેટરી તરીકે ફરજ નિભાવે છે. માહિતી મુજબ તેમની નિમણૂક માત્ર એક મહિનાના સમય માટે કરવામાં આવી છે. ઇસરોના હાલના ચેરમેન કે. રાધાક્રિષ્ણનનો કાર્યકાળ ગત સપ્તાહે સમાપ્ત થયો હતો. શૈલેષ નાયકનો જન્મ બિલિમોરામાં થયો છે. તેમનું વતન સુરતના ઓલપાડ તાલુકાનું દીહેણ ગામ છે. વર્ષ ૧૯૫૩માં જન્મેલા ડો. શૈલેષ નાયકે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી એમએસસી કર્યું છે. બાદમાં તેમણે અહીંથી જ કચ્છમાં બોકસાઇટના જથ્થા ઉપર પીએચ. ડી કર્યું છે.
• દારૂબંધીને લીધે ગુજરાતનો વિકાસ થયો ઃ બોદ્ધધર્મના ૧૪મા દલાઈ લામાને રાજ્યના ગર્વનર ઓ.પી.કોહલીના હસ્તે શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા સંતોકબા એવોર્ડ એનાયત થયો હતો. આ પ્રસંગે તેમને કાઠિયાવાડી સાફો તથા પાઘડી પહેરાવાયા હતા. સફેદ પાઘડી પહેરીને પોતાને એક ગુજરાતના ખેડૂત તરીકેની ભાવના જાગી હોવાનું જણાવી દલાઇ લામાએ કહ્યું હતું કે, આજના આધુનિકીકરણના યુગમાં ખેડૂત પણ એટલો જ મહત્વનો છે, જે આપણો અન્નદાતા છે. ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોના વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય તેમ જ નાના ગૃહ ઉદ્યોગોના સ્થાપન પર ભાર મૂકયો હતો. આજના વૈશ્વિકરણના યુગમાં માનવતાના ધર્મને નજર અંદાજ ન કરી શકાય તેમ કહી, તેમણે લાચાર, ગરીબ અને નબળા વર્ગો પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાની શીખ આપી હતી. વિશ્વના સમગ્ર દેશ ડ્રગ્સની બદીથી પરેશાન છે. આ તબક્કે દલાઈ લામાએ ગુજરાતનું ઉદાહરણ ટાંકતા કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી હોવાના લીધે જ ગુજરાતનો વિકાસ થયો છે. જે સમગ્ર વિશ્વ માટે ઉદાહરણીય છે. તેમણે ગરીબો અને અમીરો વચ્ચેની અસમાનતા જયાં સુધી દૂર નહી થાય ત્યાં સુધી વિકાસ શકય ન હોઈ આ દિશામાં પણ દૃષ્ટિ બદલવાની જરૂર છે તેમ કહ્યું હતું.
• સહકારી અગ્રણીનું અમીચંદભાઇનું અવસાનઃ પ્રાંતિજ તાલુકાના ફતેપુરના અમીચંદભાઈ હીરાભાઈ પટેલનું ગત સપ્તાહે અવસાન થયું છે. તેમણે સાબરકાંઠા બેંકના ચેરમેન પદે વર્ષો સુધી સેવા આપી હતી. તેઓ સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશકુમાર પટેલના પિતા થાય છે.
• અંબાજીમાં પાંચ કિલો સોનાનું દાનઃ અમદાવાદના એક ભક્તે સોમવારે અંબાજી માતાના પ્રાગટ્ય દિન નિમિત્તે રૂ. ૧.૪૦ કરોડના પાંચ કિલો સોનાની ભેટ આપી હતી. જેમણે અગાઉ ૨૫ કિલો સોનું આપવાનું જાહેર કર્યું હતું. જેમાં અત્યાર સુધીમાં તબક્કાવાર ૨૦ કિલો સોનું આપ્યું છે. અંબાજીમાં માતાજીના સુવર્ણ શિખર કામગીરીમાં અમદાવાદના સિદ્ધિ ગ્રૂપના મુકેશભાઈ પટેલે બે વર્ષ પૂર્વે પચ્ચીસ કિલોગ્રામ સુવર્ણ દાનની જાહેરાત કરી હતી.
• ચારૂસેટની કોલેજના દાતાનું સન્માનઃ ચાંગાની ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફીઝીયોથેરાપી ભવનનું સ્વસ્તિ-પૂજન અને દાતા અશોક સી. પટેલ અને રીટા પટેલને દાન ભાસ્કર એવોર્ડ ચારૂસેટ ખાતે તાજેતરમાં અપાયો હતો. ઉલ્લેખનીય છે કે અગ્રણી ઉદ્યોગપતિ અશોક પટેલ અમેરિકાસ્થિત વુડ પટેલ એન્ડ એસોસિએટ્સ ઈન્ડ.ના પ્રમુખ છે. ચારૂસેટ સ્થિત અશોક એન્ડ રીટા પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફીઝીયોથેરાપી માટે દાતા અશોક પટેલ અને તેમનાં ધર્મપત્ની રીટા પટેલ દ્વારા રૂ. પાંચ કરોડનું માતબર દાન પ્રાપ્ત થયેલ છે.
• ચમોસ પાટીદાર સમાજ માતૃસંસ્થાના સમૂહલગ્ન સંપન્નઃ શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ માતૃસંસ્થાનો ૯૪મો સમૂહલગ્નોત્સવ ૪ જાન્યુઆરીએ મહુધા ખાતે યોજાયો હતો. જેમાં ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, માતૃસંસ્થાના પ્રમુખ નગીનભાઈ પટેલ, ઉપપ્રમુખ નવનીતભાઈ એચ. પટેલ અને વી.એમ. પટેલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી રમણભાઈ પટેલ તથા વાંઠવાળીના વતની દાતા હંસાબહેન પટેલ (અમેરિકા)એ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
• વડોદરામાં ઈદે-મિલાદના જુલૂસ વેળા પથ્થરમારોઃ અકોટાની રામપુરા વસાહતમાંથી ૪ જાન્યુઆરીએ સવારે ઈદે મિલાદે નીકળેલા જુલુસ દરમિયાન મુખ્ય ગેટ પર યુવક મંડળનું બોર્ડ તુટી જતાં જૂથ અથડામણ થઇ હતી.

એમ. એસ. યુનિ.નાં ચાન્સેલર ડો. મૃણાલિનીદેવીનું નિધનઃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.