પાકિસ્તાનને સબક આપવાનો સમય આવ્યો?

નવા વર્ષ ૨૦૧૫ના પ્રથમ દિને જ વળી પાછી એક અનિચ્છનીય ઘટના ઘટી. પોરબંદર નજીકના દરિયામાં ભારતીય સૈન્યથી ઘેરાયેલી વિસ્ફોટક પદાર્થ ભરેલી એક બોટને તેમાં રહેલા ભારત વિરોધી તત્વોએ જાતેજ ઉડાવી દીધી. આ ઘટના ઘણા સવાલો ઊભા કરે છે. કેમ કે, અત્યારે ભારતને સૌથી વધારે અસુરક્ષાની પરેશાની પાકિસ્તાન તરફથી છે.  અધુરામાં પૂરું પાકિસ્તાની સૈન્ય દ્વારા કાશ્મીર સરહદે ગત વર્ષથી મોટી સંખ્યામાં શરૂ થયેલું ફારયરિંગ નવા વર્ષે પણ યથાવત રહ્યું છે.

૨૦૧૪માં સંઘર્ષ વિરામના ૫૫૦થી વધુ બનાવો ત્યાં સરહદે નોંધાયા છે, જે વર્ષ ૨૦૦૩માં યુદ્ધ વિરામ નિયમ અમલમાં આવ્યો ત્યારબાદ સૌથી વધુ ભંગ ગત વર્ષે થયો છે. શાંતિનો ભંગ થતાં ભારતના સૈનિકો જવાબી કાર્યવાહીમાં ઘાયલ થઇ રહ્યા છે ને કેટલાક જીવ પણ ગુમાવી રહ્યા છે. ‘ઊલટો ચોર કોટવાલને દંડે’, તેમ પાકિસ્તાન ભારતને યુદ્ધનો પડકાર ફેંકી રહ્યું તેવી ભાષામાં નિવેદનબાજી કરે છે. જોકે, ભારત માટે પોતાની સંરક્ષણ ક્ષમતા મજબૂત પાસું છે. આથી આવા નિવેદનોથી ભારતને કંઇ ફરક પડતો નથી. ૩૧ ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરના સામ્બા જિલ્લામાં ભારતીય બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ કરેલા ભારે તોપમારામાં ચાર પાકિસ્તાની રેન્જર્સના મોત થયા હતા. આથી હતાશ થયેલા ત્યાંના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સંસદની બહાર મીડિયાને જણાવ્યું હતું. ‘હું માનું છું કે ભારત જેમાં સમજે છે તે ભાષા અમારે હવે બોલવી જોઈએ.’
બીજી તરફ પાકિસ્તાનના શાસકો જેને પાળી-પોષી રહ્યા છે તે આતંકવાદી પ્રવૃત્તિઓનું પોતે જ ભોગ બની રહ્યું છે. ૨૦ ડિસેમ્બરે જ પાકિસ્તાનના પેશાવર શહેરમાં આર્મી સ્કૂલ પર થયેલા આત્મઘાતી હુમલામાં ૧૩૨ વિદ્યાર્થીઓ સહિત ૧૬૦ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત ઘણા આત્મઘાતી હુમલા પાકિસ્તાનના વિવિધ શહેરોમાં નોંધાયા છે. આમ છતાં, પાકિસ્તાન ત્રાસવાદીઓને ઉત્તેજન આપવાનું બંધ કરતું નથી. આવી પ્રવૃત્તિ પાછળ પાકિસ્તાનના શાસકોનો મલિન ઇરાદો પણ છતો થાય છે. કારણ કે ગત વર્ષે નેપાળમાં મળેલી સાર્ક દેશોની શિખર પરિષદ વખતે તથા સપ્ટેમ્બરમાં અમેરિકામાં યોજાયેલી યુનાઇટેડ નેશન્સની મહાપરિષદમાં વડા પ્રધાન નવાઝ શરીફે પોતાના દેશમાં ફુલીફાલી રહેલા આતંકવાદની નાબૂદી માટે ગંભીર વાત કહી નથી. ભારત માટે મોસ્ટ વોન્ટેડ અંડર વર્લ્ડ માફિયા દાઉદ ઇબ્રાહિમની હમણાં જ બહાર આવેલી વાતચીતના અંશો સાબિત કરે છે કે તે પણ કરાંચીમાં બેસીને પોતાના સામ્રાજ્યનું સંચાલન કરે છે. આવા અનેક તત્ત્વોને છૂપાવીને રાખેલું પાકિસ્તાન તેને ભારતને સોંપવાની અનેકવાર કરેલી અરજ પ્રત્યે ગંભીર દેખાતું નથી.
નરેન્દ્ર મોદીએ ગત વર્ષે ૨૬ મેએ તેમની વડા પ્રધાન પદની શપથવિધિ વેળા પાડોશી દેશો સાથે નાતો મજબૂત બનાવવા તેના શાસકોને નોતર્યા હતા, અને તેઓ આવ્યા પણ હતા. શપથવિધિના બીજા દિવસે નવી દિલ્હી ખાતેના હૈદરાબાદ હાઉસમાં પણ મોદીની પાસે નવાઝ શરીફે વાતચીતમાં બંને દેશો વચ્ચે શાંતિ અને સુમેળભર્યા સંબંધો વિક્સે તે માટે તેઓ કટિબદ્ધ છે તેવો ડોળ પણ કર્યો હતો. અંતે બધું ઠેરનું ઠેર રહ્યું. ન તો આ ચર્ચાનું કંઇ પરિણામ દેખાયું કે, ન તો પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદને નાથવા નક્કર પગલાં લેવાની જાહેરાત કરી. આથી હવે ભારતમાં પણ લોકમાગ ઊઠી રહી છે કે પાકિસ્તાનને તેની અવળચંડાઇનો જવાબ આપવાનો સમય પાકી ગયો છે.

પાકિસ્તાનને સબક આપવાનો સમય આવ્યો?
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.