પ્રિન્સ એન્ડ્ર્યુ બાળ યૌનશોષણના વિવાદમાં

લંડનઃ બ્રિટિશ શાહી પરિવારના ફરજંદ પ્રિન્સ એન્ડ્ર્યુ એટલે કે ડ્યુક ઓફ યોર્ક સગીર બાળા સાથે સેક્સ માણવાના મુદ્દે વિવાદમાં આવ્યા છે. મૂળ તો પ્રિન્સના પૂર્વ બિલિયોનર મિત્ર જેફ્રી એપ્સટીને આચરેલા અપરાધના છાંટા પ્રિન્સને ઉડ્યાં છે. એપ્સટીન સામે વર્જિનિયા રોબર્ટ્સ નામની ૩૦ વર્ષીય યુવતીએ કરેલા કાનૂની પડકારના કેસના દસ્તાવેજોમાં તેણે ૧૭ વર્ષની હતી ત્યારે પ્રિન્સ એન્ડ્ર્યુએ ૨૦૦૧માં તેની સાથે ત્રણ વખત લંડન, ન્યૂ યોર્ક અને ખાનગી કેરેબિયન ટાપુમાં જાતીય સંબંધો બાંધ્યા હોવાનો પણ દાવો કરાયો છે.
જોકે, પ્રિન્સ અને બકિંગહામ પેલેસે આ આક્ષેરોને નકારી તે અસત્ય અને તથ્યવિહાણા હોવાની સ્પષ્ટતા કરી છે. આ મુદ્દે સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા જણાવાયું છે કે તેમની સમક્ષ સત્તાવાર ફરિયાદ આવશે તો ડ્યુક સામે પોલીસ તપાસ કરાશે. એપ્સટીન અનેક છોકરીઓને ‘સેક્સ ગુલામ’ તરીકે રાખતો હતો અને પોતાના મિત્રો તેમ જ નેતાઓ, ઉદ્યોગપતિઓ સહિતના લોકોને સેક્સ સંબંધોની સેવા પૂરી પાડતો હતો. તેને સગીર યુવતીને પ્રોસ્ટિટ્યુશનમાં ધકેલવાના એક આરોપમાં ૨૦૦૮માં ૧૮ મહિના જેલની સજા થઈ હતી. ગુનો સ્વીકારવા બદલ તેની સામેના અન્ય આરોપો ફગાવી દેવાયા હતા અને તેણે તેના સહષડયંત્રકારીઓ સામે ક્રિમિનલ કાર્યવાહી નહિ કરાય તેવી વિશિષ્ટ સમજૂતી પણ કરાઈ હતી.
