બે વર્ષના બાળકે અકસ્માતે ગોળીબાર કરતા માતાનું મોત
ન્યૂયોર્કઃ બે વર્ષના એક બાળકે ભૂલથી તેની માતાને જ ગોળી મારી દીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના અમેરિકાના ઈદાહો પ્રાંતમાં આવેલા વૉલ માર્ટમાં શોપિંગ દરમિયાન બની હતી.
બાળક તેની માતાના પર્સથી રમી રહ્યો હતો એ સમયે પર્સની અંદર રાખેલી પિસ્તોલમાંથી ગોળીબાર થઈ ગયો હતો.
૨૯ વર્ષીય વેરોનિકા રટલેજ તેના ચાર બાળકો સાથે શોપિંગ કરી રહી હતી. તેમણે શોપિંગ દરમિયાન પિસ્તોલ પર્સમાં રાખી હતી. તેણે બે વર્ષના તેના પુત્રને શોપિંગ કાર્ટમાં બેસાડ્યો હતો. બાળકે રમત રમતમાં પર્સ ખોલી નાખ્યું હતું અને તેની અંદરની વસ્તુઓ ફંફોસવા લાગ્યો હતો. આ દરમિયાન તેનાથી હેન્ડગનમાંથી ગોળીબાર થઈ ગયો હતો અને ગોળી સીધી જ માતાને વાગી હતી.
