રેકોર્ડ માટે ૧૧૧૧ કિલો દહીં બનાવાયું
જામનગરઃ શ્રી નવતનપુરીધામ ખીજડા મંદિરના આચાર્ય કૃષ્ણમણિજી મહારાજના ૫૧માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ચાલી રહેલા સુવર્ણ મહોત્સવ દરમિયાન આ એક જ સ્થળે એક સાથે ૧૧૧૧ કિલો દહીં તૈયાર કરી પ્રસ્તુત કરાયું હતું.
આ બાબત વિશ્વ રેકોર્ડ તરીકે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના સંચાલકોને મોકલાઇ હતી. ૧૧૧૧ કિલો દહીં બનાવવા ખીજડા મંદિર ખાતે ૧૫૦૦ લીટર દૂધ, ૫૦ લીટર છાસ અને ૨૦ લીટર ધોરવા દહીંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ દહીં ૨૪ કલાકે તૈયાર થયું હતું. મહાપાલિકાના ફૂડ ઇન્સ્પેકટરે આ દહીંની ચકાસણી કરી હતી. ઉપરાંત તોલમાપ ખાતાના અધિકારીઓએ વજન માપણી કરી હતી. આ દહીંનું વાસણ ઉપાડવા માટે ક્રેઈનનો ઉપયોગ થયો હતો. આ દહીંમાં ખાંડ ભેળવીને પ્રસાદીરૂપે ભક્તોને આપવામાં આવ્યું હતું.
