ઘરવાપસીઃ શિવાજીથી ભાગવત લગી

દિલ્હીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સત્તાનું સુકાન સંભાળ્યું ત્યારથી સ્વાભાવિક રીતે હિંદુવાદી સંગઠનો અને ખાસ કરીને ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) બેપાંદડે થયાનું અનુભવાય છે. ભારતને હિંદુરાષ્ટ્ર ઘોષિત કરવાથી લઈને આવતા દાયકાઓમાં ભારતમાં વસતા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ જ નહીં, શીખોને પણ હિંદુ બનાવી દેવાની ઘોષણાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે મૂંઝવણો વધારી રહી છે. વિશ્વ હિંદુ પરિષદના સુપ્રીમો ડો. પ્રવીણ તોગડિયાને સમગ્ર દેશની પ્રજાને ફરીને હિંદુ બનાવી દેવી છે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ સ્પષ્ટતા કરતા ફરે છે કે ભાજપ ધર્મપરિવર્તન કરાવી દેવાનો પક્ષધર નથી. 

દિલ્હીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સત્તાનું સુકાન સંભાળ્યું ત્યારથી સ્વાભાવિક રીતે હિંદુવાદી સંગઠનો અને ખાસ કરીને ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) બેપાંદડે થયાનું અનુભવાય છે. ભારતને હિંદુરાષ્ટ્ર ઘોષિત કરવાથી લઈને આવતા દાયકાઓમાં ભારતમાં વસતા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ જ નહીં, શીખોને પણ હિંદુ બનાવી દેવાની ઘોષણાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે મૂંઝવણો વધારી રહી છે. વિશ્વ હિંદુ પરિષદના સુપ્રીમો ડો. પ્રવીણ તોગડિયાને સમગ્ર દેશની પ્રજાને ફરીને હિંદુ બનાવી દેવી છે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ સ્પષ્ટતા કરતા ફરે છે કે ભાજપ ધર્મપરિવર્તન કરાવી દેવાનો પક્ષધર નથી. 

રા.સ્વ. સંઘના સત્તાવાર પ્રવક્તા એટલે કે અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ ડો. મનમોહનજી વૈદ્યને ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પોતાના મૂળ ધર્મ ભણી પાછા વળીને હિંદુ બને એમાં કશું અજુગતું લાગતું નથી. ઘરવાપસીનાં ઉજવણાં થઈ રહ્યાં છે. ઘોષણાઓનો દોર ચાલી રહ્યો છે. સમર્થન અને વિરોધમાં હિંદુવાદી સંગઠનોના નેતાઓ જાહેરાતો કરે છે, પણ આ બધું ગણતરીપૂર્વક થઈ રહ્યાનું લાગવું સ્વાભાવિક છે. સરકારમાં બેઠેલાઓ ભલે ગમે તે કહે, પણ રા.સ્વ. સંઘના સરસંઘચાલક મોહનરાવજી ભાગવતને ઘરવાપસીમાં ખોટું લાગતું ના હોય તો એનો પ્રભાવ જરૂર પડે છે.
 હકીકત એ છે કે ભારતના ૯૯ ટકા લોકો મૂળ સનાતન ધર્મ એટલે કે હિંદુ ધર્મ છોડીને વિવિધ તબક્કે મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન કે શીખ થયા છે. ક્યારેક મુસ્લિમ આક્રમણખોરો પવિત્ર કુરાન અને તલવારને જોરે ઈસ્લામ કબૂલ કરાવતા રહ્યાની માન્યતાને ખૂબ પ્રચારિત કરાય છે ત્યારે ઈસ્લામના સંસ્થાપક મહંમદ પયગંબર સાહેબની હયાતીમાં જ કેરળના હિંદુ મહારાજાએ ઈસ્લામ કબૂલ્યો હતો એટલું જ નહીં દેશની સૌથી જૂની મસ્જિદ કેરળમાં છે એ હકીકતને નજરઅંદાજ કરવાનું અશક્ય છે. મહારાજાએ કોઈ દબાણને વશ થઈને કે યુદ્ધમાં પરાજિત થતાં ઈસ્લામ કબૂલ્યો નહોતો. ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રવેશ પણ છેક ઈ.સ. ૫૧માં સેન્ટ થોમસના દક્ષિણ ભારતમાં આગમન અને ઉચ્ચ બ્રાહ્મણ ગણાતા નામ્બૂદિરીનાં પાંચ પરિવાર થકી ખ્રિસ્તી ધર્મ અપનાવાયો હતો એ હકીકત રખેને વિસારે પાડીએ. પશ્ચિમ બંગાળના ભણેલાગણેલા બ્રાહ્મણોથી લઈને ગુજરાતના મણિશંકર રત્નજી ભટ્ટ (કવિ કાન્ત) ખ્રિસ્તી થયા એ વાત કોઈ બળજબરી થકી અસ્તિત્વમાં આવેલી ઘટના નહોતી. કવિ કાન્તને તો ખ્રિસ્તી થયા પછી ગોઠ્યું નહીં એટલે એ ફરી હિંદુ થયા હતા. મહાત્મા ગાંધીના સૌથી મોટા પુત્ર હરિલાલ ગાંધી અબ્દુલ્લા થયા અને ફરી પાછા હિંદુ થયા જ હતા ને!
હિંદુવાદી સંગઠનોનો રાજકીય પ્રભાવ વધે એટલે શુદ્ધિ કે ઘરવાપસીના નામે મુસ્લિમો અને ખ્રિસ્તીઓનું જ નહીં, શીખોનું પણ હિંદુકરણ કરી નાંખીને ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવી દેવાના જાહેર સંકલ્પો થાય ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ નામના મહાપુરુષના ‘હિંદુ રાષ્ટ્ર’ વિશેના વિચારોનું પઠન કરી લેવા જેવું છે. સરદાર પટેલ અખંડ ભારતના શિલ્પી ગણાય. દેશના ભાગલા માટે સંમત થનાર સૌ પ્રથમ કોંગ્રેસીનેતા તેઓ હતા. સડતા અંગને કાપી નાંખવાના પક્ષધર તરીકે એમણે પાકિસ્તાનના ટુકડાને સ્વીકારવાનું પસંદ કર્યાનું બંધારણ સભામાં વિગતે રહસ્યોદઘાટન કર્યું હતું. ઈસ્લામના નામે ક્યારેક રાષ્ટ્રવાદી કોંગ્રેસી રહેલા મોહમ્મદ અલી ઝીણાએ પાકિસ્તાન મેળવ્યું એ પછી ભારતને હિંદુસ્તાન નામ આપવાના કે હિંદુ રાષ્ટ્ર લેખવાના ઉદ્યોગપતિ બિરલાના આગ્રહને ફગાવી દેતાં સરદાર પટેલે હિંદુ રાષ્ટ્રને ‘પાગલોનો ખ્યાલ’ લેખાવવાનું પસંદ કરીને આ દેશને હિંદુઓ કે મુસ્લિમોનો નહીં, પરંતુ હિંદુસ્તાનીઓનો દેશ ગણાવવાનું પસંદ કર્યું હતું એ વાતને વર્તમાન સમયમાં આપણે યાદ રાખવાની જરૂર ખરી. છત્રપતિ શિવાજીને કાયમ ‘હિંદવી સ્વરાજ’ અભિપ્રેત હતું, પણ કેટલાંક એમાં વિકૃતિ લાવીને ‘હિંદુ સ્વરાજ’ કરી નાંખ્યું છે એ ચિંતાનો વિષય છે.
ભગવાન બૌદ્ધ કે મહાવીર સ્વામી જન્મે ભલે હિંદુ ક્ષત્રિય હોય, રાજવી પરિવારમાં જન્મ્યા હોય, પરંતુ એમણે હિંદુ ધર્મમાં સુધારણાના હેતુસર જ બૌદ્ધ કે જૈન ધર્મ પ્રસરાવ્યો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને હિંદુ, મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મમાં શાંતિ અને અહિંસાનો સંદેશ જોવા મળે છે. ધર્મ પરિવર્તનના વિરોધમાં સૂર વ્યક્ત કરતાં ગાંધીજી પોતાને ચુસ્ત સનાતની ગણાવવાનું ચુકતા નથી, પરંતુ એમણે કાયમ સ્પષ્ટતા કરી છે કે, ‘ચુસ્ત હિંદુ હોવા છતાં હું મારા ધર્મમાં ખ્રિસ્તી, ઈસ્લામી અને જરથોસ્તી ધર્મના ઉપદેશો માટે સ્થાન જોઉં છું.’ સમસ્યા કોઈપણ ધર્મના અનુયાયીઓની કટ્ટરતામાંથી જ પ્રગટે છે. ખ્રિસ્તીઓનાં ક્રુઝેડ અને મુસ્લિમોનાં જેહાદ થકી દુનિયામાં સર્જાયેલી ખાનાખરાબી પછી પણ અહિંસામાં માનનારા હિંદુ ધર્મના અગ્રણીઓ ધર્મયુદ્ધની વાત છેડે ત્યારે ધાર્મિક ઉન્માદનું નર્યું ગાંડપણ એમાં જોવા મળવું સ્વાભાવિક છે. ક્યારેક ઈસ્લામી રાષ્ટ્ર રહેલું ઈટલી આજે ખ્રિસ્તી છે અને ક્યારેક ખ્રિસ્તી રહેલા દેશો મુસ્લિમ બહુલ દેશ બન્યા છે. યુરોપમાં ઈસ્લામનો વધતો જતો પ્રભાવ યુરોપિયન યુનિયનથી ઈસ્લામી તુર્કીને બહાર રાખીને પણ કેટલે અંશે ઈસ્લામના પ્રભાવને ખાળી શકશે એ કહેવું મુશ્કેલ છે.
સમજદારીથી કોઈ ધર્મપરિવર્તન કરે એ સમજી શકાય છે, પરંતુ કટ્ટરવાદી ધાર્મિક ઉન્માદ અને યોજનાબદ્ધ રીતે ધર્મપરિવર્તન થતાં હોય ત્યારે એ કોઈપણ દેશ માટે ચિંતાજનક છે. ખ્રિસ્તી મિશનરીઓએ ભારતના દલિત-આદિવાસી વર્ગમાં પોતાનો પ્રભાવ એટલા માટે પાથર્યો કે હિંદુ ગણાતી પ્રજાના અગ્રણીઓ અને ધર્માચાર્યોએ દલિત-આદિવાસીને માણસ ગણવાનું પણ ટાળ્યું હતું.
ઈસ્લામ અંગીકાર કરવામાં મુસ્લિમ શાસકોની નીતિરીતિની સાથે જ સમાજના ઉપલા વર્ગથી અવગણાયેલા વર્ગ થકી આશ્રયસ્થાન કે રાજકીય પ્રભાવ વિસ્તારવાની વૃત્તિ-પ્રવૃત્તિ જવાબદાર હોવી સ્વાભાવિક છે. ડો. બાબાસાહેબ આંબેડકરે છેક ૧૯૩૫માં યેવલામાં ‘હિંદુ તરીકે ભલે હું જન્મ્યો હોઉં, હિંદુ તરીકે મરીશ નહીં’ એવી ઘોષણા કરીને દલિતો સાથે દુવ્યવહારને ગજવ્યો હતો. તેમણે છેક ૧૯૫૬માં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો એને બદલે નિઝામના આગ્રહથી ઈસ્લામ કબૂલ્યો હોત તો આજે દેશની શી વલે હોત?
ધર્મ પરિવર્તન અને ખાસ કરીને મીનાક્ષીપુરમ્ જેવી ઘટનાઓ વિશે કાગારોળ મચાવવાને બદલે હકીકતમાં હિંદુ સમાજે ગંભીર ચિંતન કરીને વેળાસરનાં પગલાં લેવાની જરૂર હતી. ધર્મ પરિવર્તન થકી રાષ્ટ્રાંતર થતું હોવાની સંઘની ભૂમિકા જોતાં ભારતની ભૂમિમાંથી પ્રગટેલા ધર્મો અને ભારત બહાર જેમનાં આસ્થા સ્થાન છે એવા ધર્મો વચ્ચેનો ટકરાવ રહેવો સહજ છે.
છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપ ભારતીય ઈતિહાસમાં ખૂબ આદરથી જેમનાં નામ લેવામાં આવે છે એવાં વ્યક્તિત્વો ગણાવી શકાય. બંનેએ હિંદુ વિરુદ્ધ મુસ્લિમ એવા જંગ ખેલ્યાનું કોઈ કહે તો એ યોગ્ય નથી. બંનેના વિશ્વાસુ સરદારોમાં મુસ્લિમો પણ હતા. વળી સામે પક્ષે મોગલ બાદશાહોના સેનાપતિ કે લશ્કરી વડાઓ હિંદુ હતા. જોકે છત્રપતિ શિવાજીના એક અત્યંત વિશ્વાસુ સરદાર નેતાજી પાલકરે ઈસ્લામ કબૂલ્યો અને એ બાદશાહ ઔરંગઝેબના સરદાર તરીકે કાબૂલમાં પણ લડ્યો. દસેક વર્ષ પછી નેતાજી પાલકરને મુસ્લિમ ધર્મમાંથી ફરી હિંદુ થવું હતું ત્યારે છત્રપતિ શિવાજીએ એની મોકળાશ કરી આપી એટલું જ નહીં, પોતાની દીકરી નેતાજી પાલકરના દીકરા સાથે પરણાવીને એમને ઊંચો સામાજિક મોભો બક્ષ્યો હતો, કાશ, કાશ્મીરના મુસલમાનો સાથે ત્યાંના મહારાજાએ શિવાજી જેવું વલણ અપનાવ્યું હોત. કાશ્મીરના મુસલમાનો ફરી હિંદુ ધર્મ અંગીકાર કરવાની અરજ સાથે મહારાજા પાસે ગયા ત્યારે મહારાજાએ કાશીને પંડિતોને પૂછવાનું પસંદ કર્યું અને તેમણે મુસલમાનોને પાછા હિંદુ બનાવવા વિરુદ્ધ મત આપ્યો. પાકિસ્તાનની ફેડરલ કલ્પના રજૂ કરનાર ડો. મોહમ્મદ ઈકબાલનાં હિંદુ દાદીમાએ એમને પાછા હિંદુ ધર્મમાં લીધા હોત કે પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણાના મુસ્લિમ થયેલા દાદા પૂંજાભાઈ વાલજીભાઈ ઠક્કર ફરી હિંદુ થવા હવેલીએ ગયા ત્યારે એમને સ્વીકાર્યા હોત તો ઈતિહાસ કેટલો જુદો હોત?

સરદાર પટેલે ‘હિંદુ રાષ્ટ્ર’ને ગાંડાઓનો ખ્યાલ ગણાવ્યો હતોઃ નેતાજી પાલકર, કવિ કાન્ત અને ગાંધીજીના જેષ્ઠ પુત્ર ધર્મપરિવર્તન કર્યા પછી હિંદુ થયા હતા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.