‘મહાત્મા’ ગાંધીજીની ઘરવાપસીની શતાબ્દી

ગુજરાતનું પાટનગર આજકાલ ઝગમગી રહ્યું છે. કારણ બે છે. એક, સાતથી નવ જાન્યુઆરી દરમિયાન ૧૩મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી અને બે, ૧૧-૧૨ જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ. પહેલો પ્રસંગ ગુજરાતમાં પ્રથમવાર યોજાઇ રહ્યો છે, બીજું આયોજન અગાઉ રાજ્યમાં છ વખત થઇ ચૂક્યું છે, અને તે આ રાજ્ય માટે દર બે વર્ષનો કાયમી પ્રસંગ બની રહ્યો છે. આથી વિદેશવાસી ગુજરાતીઓ માટે ‘પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી’ વિશેષ બની રહી છે. કારણ કે આ ઉજવણી એક એવા વ્યક્તિના સંદર્ભે થઇ રહી છે કે તેમને વિશ્વભરના લોકોએ જાણ્યો છે, પીછાણ્યો છે. જગતમાં આ વ્યક્તિના અસંખ્ય ચાહકો પણ છે અને અલ્પ સંખ્યામાં ટીકાકારો પણ છે પરંતું તેને કોઇ અવગણી શકતું નથી. આજે આ વ્યક્તિ ‘ભારત રત્ન’ કે વૈશ્વિક ક્ષેત્રના ‘નોબેલ પીસ પ્રાઇઝ’ સન્માનથી પર છે તેવું અનેક વિદ્વાનો માને છે. 

આ વ્યક્તિ એટલે મોહનદાસ કરમચંદ ગાંધી. આ ગાંધીની આંધીએ ભારતમાં બ્રિટિશ શાસનના પાયા ઉખેડી નાખ્યા હતા. આવી આંધી લાવવાની ગાંધીજીને પ્રેરણા મળી દક્ષિણ આફ્રિકામાંથી. ગાંધીજી આયુષ્યના ૭૯ વર્ષમાંથી અંદાજે ૨૧ વર્ષ દક્ષિણ આફ્રિકામાં રહ્યા હતા. ત્યાં એક રેલવે સ્ટેશને તેમને રંગભેદની નીતિનો કડવો અનુભવ થયો. આ ઘટના પછી તેમણે દક્ષિણ આફ્રિકામાં જ રંગભેદની અમાનવીય પ્રથા સામે લડત શરૂ કરી. દક્ષિણ આફ્રિકામાં હિંદી કોમને ત્યાંની ધારાસભામાં ચૂંટણીમાં મત આપવાનો હક હતો એ છીનવી લેવાના ખરડા પર ગૃહમાં ચર્ચા ચાલતી હતી, ગાંધીજીને તેમાં હિંદીઓના સ્વમાનની હાનિ જણાઇ. આથી તેમણે આ ખરડાનો વિરોધ કર્યો. ધીરે ધીરે આ વિરોધ મોટા વંટોળમાં પરિણમ્યો અને ગાંધીજી ત્યાંના હિન્દુસ્તાનીઓના નેતા બની ગયા. તેમના નેતૃત્વમાં હિંદી પ્રજાના હક માટે અનેકવાર સત્યાગ્રહની અહિંસક લડત લડાઇ. આ લડતને કારણે જ દક્ષિણ આફ્રિકાની સરકારને હિંદીઓની માગણીઓ સ્વીકારી પડી. આમ પોતાનું કાર્ય પૂર્ણ થયું હોવાનું લાગતાં ગાંધીજીએ મક્કમ મનોબળનું ભાથું લઇને સ્વદેશ પરત ફરવાનું વિચાર્યું. તેમણે ૨૦ જુલાઇ ૧૯૧૪ના રોજ ૪૫ વર્ષની ઉંમરે કસ્તુરબા અને તેમના આશ્રમ જીવનના સાથીદાર, જાતે જર્મન એવા હર્મન કેલેનબેચ સાથે હંમેશા માટે દક્ષિણ આફ્રિકા છોડ્યું. ત્યાંથી તેઓ લંડન આવ્યા. લંડનમાં તેઓ પાંચેક મહિના રહીને નાદુરસ્ત તબિયત અને ઠંડા વાતાવરણને કારણે ૧૯ ડિસેમ્બર ૧૯૧૪ના રોજ વતન આવવા નીકળ્યા.
૯મી જાન્યુઆરી ૧૯૧૫ના રોજ તેમણે મુંબઇમાં પગ મુક્યો. દક્ષિણ આફ્રિકામાં માનવ હક્ક માટે લડત ચલાવીને આવેલા ગાંધીજી ભારતમાં આવીને લોકો માટે પ્રેરક બની ગયા. કારણે કે તેમણે ત્યાં કરેલા આવા અહિંસક આંદોલનની ખુશ્બુ તેમના આગમન પહેલા ભારત પહોંચી ચૂકી હતી. આથી જ ભારતવાસીઓએ તેમને ‘મહાત્મા’નું બિરુદ આપ્યું. ગાંધીજી ફેબ્રુઆરી-૧૯૧૫માં અમદાવાદ આવ્યા ત્યારે તેમણે રાજ્યના મુખ્ય મથકને કારણે અહીં જ સ્થાયી થવાની ઇચ્છા વ્યક્ત કરી. અંતે તેમણે કોચરબ ગામની બાજુમાં આવેલા જીવણલાલ વ્રજલાલ બેરિસ્ટરની માલિકીનો બંગલો ભાડે લીધો. ૨૦ મે, ૧૯૧૫ના રોજ સવારે ગાંધીજીએ ટોપી પહેરીને આ ઘરમાં પૂજા કરી. ૨૫ મેના રોજ વિધિવત કોચરબ આશ્રમ શરૂ કર્યો. ગાંધીજીએ મિત્રો સાથે ચર્ચા કરીને છેવટે તેને ‘સત્યાગ્રહ આશ્રમ’ નામ આપ્યું. એ સમયે ત્યાં પચ્ચીસેક સ્ત્રી-પુરુષો રહેતા હતા. બસ, ગાંધીજીના સ્વદેશાગમનની ઘડીને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા છે તે માટે આ શતાબ્દીની ઉજવણી ગાંધીજીની જન્મભૂમિ અને કર્મભૂમિ એવા ગુજરાતમાં તેમ જ તેમના નામે સ્થપાયેલા પાટનગર ‘ગાંધીનગર’માં થઇ રહી છે તેનો વિશેષ આનંદ ગુજરાતીઓને છે. આમ ગાંધીજીએ આપેલી સત્ય-અહિંસાની વિચારધારાના માર્ગે કમસેકમ જો ગુજરાતીઓ ચાલશે તો તેમની આ શતાબ્દીની ઉજવણી સાર્થક થઇ ગણાશે. ઉલ્લેખનીય છે કે, આ અનુસંધાને ૯ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ કોચરબ આશ્રમ ખાતે ‘ગુજરાત સમાચાર-એશિયન વોઇસ’ સાપ્તાહિકો અને ‘સંપદ’ (સાઉથ એશિયન આર્ટસ ઓર્ગેનાઇઝેશન)ના ઉપક્રમે ‘ઇન્સ્પાયર્ડ બાય ગાંધી’ વિષય પર ઓનલાઇન લેખન સ્પર્ધાનું આયોજન થયું છે. આ માટે કોચરબ આશ્રમ અને ગૂજરાત વિદ્યાપીઠનો સહકાર મળ્યો છે.

‘મહાત્મા’ ગાંધીજીની ઘરવાપસીની શતાબ્દી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.