અમિતાભની એડ્ ફિલ્મ પાછળ રૂ. ૨૫૮ કરોડનો ખર્ચ

ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાબ બચ્ચનની ‘ખુશ્બૂ ગુજરાત કી’ એડ ફિલ્મે ગુજરાતના પ્રવાસન સ્થળોને વિશ્વભરમાં વ્યાપક પ્રચાર કર્યો હતો.

ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાબ બચ્ચનની ‘ખુશ્બૂ ગુજરાત કી’ એડ ફિલ્મે ગુજરાતના પ્રવાસન સ્થળોને વિશ્વભરમાં વ્યાપક પ્રચાર કર્યો હતો. તેના પરિણામે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધી અને ટૂરિઝમ ઈન્ડ્રસ્ટ્રીઝમાં ગુજરાત દેશમાં નંબર-વન, હબ બની રહ્યું હોવાના રાજ્ય સરકારના દાવાની કેગના ઓડિટરોએ ટિકા કરી છે. ઓડિટરોઓ કડકાઈ સાથે નોંધ્યુ છે કે, ગુજરાત સરકારે આ એડ ફિલ્મ પાછળ રૂ.૨૫૮ કરોડ ૨૩ લાખનો ખર્ચ કર્યો છે. વર્ષ ૦૯-૧૦થી ૧૩-૧૪ વચ્ચેના પાંચ વર્ષમાં ગુજરાત સરકારે જાહેરાતો, પ્રવાસન સ્થળોના વિકાસ, મેળા, ઉત્સવો પાછળ રૂ. ૧૦૨૫ કરોડ ૪૫ લાખ વાપર્યા છે. સ્વાભાવિક છે કે આ રકમ ગુજરાતના નાગરિકોના ટેક્સમાંથી ગુજરાતને નંબર-૧ બનાવવા માટે વપરાઈ છે. તેમ છતાંયે પ્રવાસન સ્થળોએ અપુરતા વિકાસને લઈને કોઈ ડોકાયું પણ નથી. કેગના ઓડિટરોએ નવરાત્રિ, પતંગોત્સવ, બીચ ફેસ્ટીવલ માટે કોઈ પ્રવાસીઓનું સંકલન કર્યા વગર જ આયોજન કરવાની ટીકા કરી છે.

યમનમાં અમદાવાદના વેપારી ફસાયાઃ યમનમાં અલકાયદા સર્જીત જૂથ અને સૈન્ય સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણોથી ગૃહયુધ્ધની સ્થિતિ સર્જાઇ છે. સાઉદી અરેબિયા અને સહયોગી દેશોના હવાઇ હુમલાને લીધે યમનમાં અવ્યવસ્થા અને અરાજકતાનો માહોલ છે. આવી પરિસ્થિતિમાં યમનમાં વેપાર અર્થે ગયેલાં અમદાવાદના પંકજ ખોરાસિયા ફસાયાં છે. પાંચ દિવસ માટે યમન ગયેલાં અમદાવાદી વેપારી ગત સપ્તાહે ૨૨ દિવસ બાદ પણ પરત ફરી શક્યાં નથી જેથી પરિવારજનો ચિંતામાં ગરકાવ થયાં છે. વટવામાં પ્લાસ્ટિકના મશીન બનાવતી કંપનીના માલિક પંકજભાઇ ખોરાસિયા મણિનગરના કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહે છે. યમનમાં એક કંપનીને પેનલ સહિત મશીનના ટ્રાયલ માટે તેઓ ૧૨ માર્ચે અમદાવાદથી રવાના થયાં હતાં. તેઓ ૧૮મીએ પરત આવવાનાં હતાં પણ અચાનક યમનમાં ગૃહયુધ્ધ જેવી પરિસ્થિતિ પરિણમી છે જેથી તેઓ તેઇઝ નામના શહેરથી એકાદ બે કિમી દુર ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં કામદારોના રૂમમાં રહેવા મજબૂર થયાં છે. ત્યાં એવી સ્થિતિ છેકે, ચારેકોર અરાજકતાનો માહોલ છે. બોમ્બ ધડાકાના અવાજોથી ઉંઘ આવતી નથી. રાતભર બેસી રહેવું પડે છે. પંકજભાઇ બીપીના દર્દી છે સાથે તેમની કિડનીમાં પથરી હોવાથી તેઓ દવાઓ લઇને ગયાં હતાં પણ ૨૨ દિવસ બાદ હવે તેમની પાસે દવાઓ ખુટી ગઇ છે. હાલમાં ત્યાં દવાઓ મળી શકે તેમ નથી. ઓરિસ્સાના કામદારો હોઇ ગુજરાતી ભોજન પણ મળતું નથી. પંકજભાઇના પરિવારજનોનો આક્ષેપ છેકે, ભારતીય એમ્બેસી પણ મદદ કરતી નથી. અત્યારે તો સના એરપોર્ટ બંધ છે જેથી એડન શહેરથી જહાજોનાં ભારતીયોને પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. પંકજભાઇના ભાઇ અલ્પેશભાઇએ અમદાવાદના એનઆરજી સેન્ટર ઉપરાંત વેપારી મહામંડળન મદદ કરવા રજૂઆત કરી હતી. એનઆરજી સેન્ટર દ્વારા યમન સ્થિત એમ્બેસીને તાકીદ પત્ર લખી જાણ કરવા આશ્વાસન અપાયું છે.

દુબઈથી આવેલું રૂ. ૮૬.૪૩ લાખનું સોનું પકડાયુંઃ સ્પાઈસ જેટની ગત સપ્તાહે દુબઈથી આવેલી ફ્લાઈટમાં સીટ નીચે સોનું છૂપાવી આવેલા બે કેરીયરોની કસ્ટમ વિભાગે ધરપકડ કરી છે. તેમની પાસેથી રૂય ૮૬.૪૩ લાખની કિંમતનું ત્રણ કિલો ૨૩૩ ગ્રામ સોનું કબજે કર્યું છે. સોનાની તસ્કરી કરનારા બે કેરીયરોએ અઠવાડિયા પહેલા પણ આ જ સ્પાઈસ જેટની ફ્લાઈટની સીટ નંબર ૨૮ નીચે ૮૦.૩૨ લાખના ૩ કિલોકના ૩ ગોલ્ડબાર છૂપાવીને લાવ્યા હતા.

રાજપથ ક્લબની સત્તા પાવર પેનલના હાથમાંઃ રાજપથ કલબની હાઈપ્રોફાઈલ ચૂંટણીનું પરિણામ આખરે ગત સપ્તાહે જાહેર થયું હતું. પરંતુ તેમાં નવો વિવાદ ઊભો થયો છે. હાઈકોર્ટે વેબસાઈટ પર જાહેર કરેલા પરિણામ મુજબ જગદીશ પટેલની મેમ્બર પાવર પેનલના ૨૭ અને ચેરમેન પરેશ દાણીની યુનાઈટેડ રાજપથ પેનલના માત્ર ૩ ડિરેકટરો ચૂંટાયા હતા. આમ રાજપથ ક્લબની ચૂંટણીમાં પણ દિલ્હીવાળી થઈ છે. અપેક્ષા કરતાં તદ્દન જુદા જ પરિણામો આવ્યા છે. પાવર પેનલના સમર્થકો અને સભ્યો આનંદમાં આવી ગયા હતા. વિજેતા ઉમેદવારો પર ગુલાલ છાંટીને કેમ્પસમાં લઇને આવ્યા હતા. બીજી તરફ રાજપથના નવા પ્રમુખને પોલીસ બોલાવી પ્રેસીડેન્ટ રૂમનો કબજો લેવો પડયો હતો. હરીફ યુનાઈટેડ પેનલના પ્રમુખ પરેશ દાણીએ અને સેક્રેટરી જે.બી. પટેલે પ્રેસિડન્ટ ચેમ્બર ખાલી કરીને વિજેતા બનેલી મેમ્બર્સ પાવર પેનલને સંસ્થાનો ચાર્જ સોંપવાનો સ્પષ્ટ ઇનકાર કરતા ફરી એકવાર રાજપથ ક્લબમાં ડ્રામા શરૂ થયો હતો. આ ડ્રામાના અંતે રાતના સાડા નવ વાગ્યાના અરસામાં પોલીસની મદદ લઈને પ્રેસિડન્ટ ચેમ્બરમાંથી જે.બી. પટેલ અને યુનાઈટેડ પેનલના અન્ય સભ્યોને દૂર કરીને નવા વરાયેલા પ્રમુખ જગદીશ પટેલે ક્લબના પ્રમુખ તરીકે ચાર્જ ગ્રહણ કર્યો હતો.

ફટ્ટા-ઈમ્તિયાઝની મિલકતો ટાંચમાંઃ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ રૂ. ૭ હજાર કરોડના હવાલા કૌભાડમાં અફરોઝ ફટ્ટાની સુરતમાં આવેલી છ કરોડની જમીન ટાંચમાં લીધી છે. આ જમીન તેના ભાઇ અહેમદ ફટ્ટાના નામે હતી અને અફરોઝ ફટ્ટાએ એક કરોડનું જમીનમાં રોકાણ કર્યું હતું. સુરતના મગદલ્લા વિસ્તારમાં જમીન આવેલી છે. આ ઉપરાંત બીજા કેસમાં અમદાવાદમાં પોન્ઝી સ્કીમના નામે કરોડો રૂપિયા રોકાણકારોના ચાંઉ કરી જનાર ઇમ્તિયાઝ સૈયદની નહેરબ્રિજ નજીક સાકાર-૭માં આવેલી છ ઓફિસો ઇડીએ ટાંચમાં લીધી છે.

અમિતાભની એડ્ ફિલ્મ પાછળ રૂ. ૨૫૮ કરોડનો ખર્ચ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.