લંડનની રંગભૂમિઃ પ્રેક્ષક, ગુણવત્તાની દૃષ્ટિએ ટોચે

૨૭મી માર્ચે, ગયા પખવાડિયે વિશ્વ રંગભૂમિ દિવસ ગયો. ગુજરાતમાં પણ ક્યાંક ઉજવાયો. ગુજરાતી રંગભૂમિ કાયમ એક પ્રશ્ન અનાદિકાળથી ઉઠાવે છે કે, મુંબઈમાં ગુજરાતી નાટકોને જે પ્રમાણમાં પ્રેક્ષકોનો સહકાર અને પેટ્રોનેજ મળે એ ગુજરાતના અમદાવાદ, વડોદરા કે સુરતમાં કેમ મળતો નથી! જોકે સ્વ. ચં.ચી. મહેતાને મેં એવું કહેતા સાંભળ્યા છે કે, ‘ગુજરાત પાસે વેપાર છે.

૨૭મી માર્ચે, ગયા પખવાડિયે વિશ્વ રંગભૂમિ દિવસ ગયો. ગુજરાતમાં પણ ક્યાંક ઉજવાયો. ગુજરાતી રંગભૂમિ કાયમ એક પ્રશ્ન અનાદિકાળથી ઉઠાવે છે કે, મુંબઈમાં ગુજરાતી નાટકોને જે પ્રમાણમાં પ્રેક્ષકોનો સહકાર અને પેટ્રોનેજ મળે એ ગુજરાતના અમદાવાદ, વડોદરા કે સુરતમાં કેમ મળતો નથી! જોકે સ્વ. ચં.ચી. મહેતાને મેં એવું કહેતા સાંભળ્યા છે કે, ‘ગુજરાત પાસે વેપાર છે. પૈસા છે, પછી રંગભૂમિની શી જરૂર છે?’ પણ ગુજરાતમાં રંગભૂમિને પ્રેક્ષકો - પેટ્રોનેજ સાવ મળતા નથી એવું પણ નથી. સરિતા (જોષી)ના ‘સંતુ રંગીલી’ અને ઉપેન્દ્ર ત્રિવેદીના એક-બે નાટકોને ઘણો સાથ સહકાર ગુજરાતમાં જ મળ્યો છે. ભારતમાં બંગાળ અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોને પોતાની રંગભૂમિ છે. બીજા રાજ્યોમાં ખાસ કરીને ગુજરાતમાં મોટાગજાના નિર્માતા અને અભિનેતાઓ છે, પણ એમને પ્રજાકીય સંગાથ મોળો મળે છે.

વિશ્વની રંગભૂમિની કેટલીક બાબતો જાણવા જેવી છે. ૧૯૬૦ના ગાળામાં હું અમેરિકાના કેમ્બ્રિજમાં હતો. ત્યાંના લોકો ગર્વથી એવું કહેતા કે, લંડનમાં ‘હિટ’ ગયેલું નાટક બીજે ક્યાંય નહીં, પણ લંડન બહાર સૌથી પહેલા અહીં કેમ્બ્રિજમાં જ આવે છે. નાટકના તંતુના જોડાણની કથનીઓ જાણવા સમજવા જેવી છે. અત્યારે વિશ્વમાં થિયેટરના બે મોટા કેન્દ્રો છે. લંડન અને ન્યૂ યોર્ક. ન્યૂ યોર્ક ઘણો સમય શીખર પર રહ્યું, પણ ૨૦૧૨-૧૩માં લંડને ન્યૂ યોર્કને પાછળ ધકેલી દીધું છે. લંડનના દૈનિકોમાં રંગભૂમિ વિષે જે દૈનિક માહિતી રોજ પ્રસિદ્ધ થાય છે એ જોઈએ તો આપણને ખબર પડે છે કેટલાક નાટક વરસથી પણ વધુ સમય સુધી કે વધારે ભજવતા રહ્યા હોય છે. એવું આપણે ત્યાં તો ક્યારેક જ જોવા મળે છે.

લંડનના નાટક અને થિયેટર વિષે એક વિસ્તૃત અહેવાલ ‘સ્ટેજ’ સામયિકના તંત્રી એલિસ્ટર સ્મિથે ઘણી જ જહેમત પછી પ્રસિદ્ધ કર્યો. વિશ્વ રંગભૂમિનો એક અગત્યનો દસ્તાવેજ સહુ કોઈ જાણે એ હેતુથી એની કેટલીક વિગતો આપી છે. લંડન એકલામાં વ્યાવસાયિક થિયેટરો જ્યાં માત્ર નાટક-ઓપેરા જ ભજવાય છે તેની કુલ પ્રેક્ષક બેઠકની સંખ્યા ૧,૧૦,૦૦ છે. ૨૦૧૨-૧૩ના વર્ષમાં ૨૨૦ લાખ પ્રેક્ષકોએ લંડનના થિયેટરમાં નાટક નિહાળ્યા અને આ વર્ષમાં બોક્સ ઓફિસે કુલ કમાણી ૬૧.૮૫ કરોડ પાઉન્ડની કરી. ૨૦૧૨-૧૩માં લંડનના ટિકિટનો સરેરાશ દર ૨૭.૬૬ પાઉન્ડ રહ્યો, જે ૨૦૧૧-૧૨ની તુલનામાં ૩.૭ ટકા ઘટવા પામ્યો હતો. અઠવાડિયાના સાતે સાત દિવસ નાટક ભજવાતા હોય એમ માનીએ તો રોજના ૬૦,૦૦૦ પ્રેક્ષકો નાટક કે ઓપેરા જુએ છે. તમે પ્રવાસીની ઋતુ સમયે લંડનમાં હો તો પ્રવાસ આવેલા પ્રવાસીઓ થિયેટરોમાં ઉભરાતા જોવા મળે! લાગે છે, શેક્સપિયરનો જન્મ ઇંગ્લેન્ડમાં એટલે જ થયો હશે!

લંડનના થિયેટરની સૌથી મોટી ખૂબી એ છે કે, આ થિયેટરોમાં વ્યાપારિક અને પ્રયોગાત્મક નાટકોનું અદ્ભૂત મિશ્રણ જોવા મળે છે. પ્રયોગાત્મક રંગભૂમિ એ નફો કમાવાની નથી. આવું સમન્વય વિશ્વમાં લંડન સિવાય ક્યાંય જોવા મળતું નથી. ૨૦૧૩ જ્યારે લંડનના નાટકના પ્રેક્ષકોની સંખ્યા ન્યૂ યોર્કને વટાવી ગઇ ત્યારના સમયગાળાને લંડન એનો સુવર્ણયુગ માને છે. કારણ આ સંખ્યા બતાવે છે કે, લંડનમાં નાટકો જોનાર પ્રેક્ષકો સિનેમા જોનાર કરતાં વધુ છે. આ અહેવાલે એ હકીકતને બહાર આણી છે કે, વિશ્વભરમાં પારિતોષિક મેળવનાર નાટકો લંડને વધુ આપ્યા છે.

લંડનના થિયેટરની ખૂબી એ છે કે, આ થિયેટરોમાં ૩૦ બેઠકોના પબ થિયેટરથી માંડી ‘વેસ્ટ એન્ડ’ જેવા ઐતિહાસિક થિયેટરનો સમાવેશ થાય છે. ખામી એક જ છે કે, ઘણા થિયેટરો એટલા જૂના થઈ ગયા છે કે, હવે મોટા રોકાણની રાહમાં છે. ૨૦૧૩માં એપોલો થિયેટરની છત તૂટી પડ્યા પછી આ વાત વધુ મહત્ત્વની બની છે. થિયેટરપ્રેમીને પણ અકસ્માતનો ભય તો હોય જ ને? લંડનના કેટલાક મોટા અને જાણીતા થિયેટરો પણ જર્જરિત થયા છે. મોટા ભાગના એટલા જૂના છે કે, અસંખ્ય પગથિયા ચડી ગેલેરીમાં પહોંચવું પડે. એવા જૂના અને એવી મોખરાની જગાએ આજે પણ લિફટ બેસાડવી લગભગ અશક્ય છે.

આ નાટ્યઘરો ૩૦૦૦ કલાકાર અને ૬૦૦૦ અન્યને થિયેટરની લગતી કામગીરીમાં પૂરો સમય પોષે છે. આમાં મોટા નાટ્યગૃહો અને મોટા મ્યુઝિકલ થિયેટર છે, પણ બે ઓપેરા હાઉસીઝ અને શેક્સપિયરનું ગ્લોબ થિયેટર અસામાન્ય મહત્ત્વ ધરાવે છે. આ બે ડઝન નાટ્યગૃહો ૯૦૦ કલાકારો અને કુલ આવકના ૩૫ ટકા કમાય છે.

આટલા બધા વૈવિધ્ય અને પ્રેક્ષકો મળવા છતાં કોઈ પણ નાટકને એક વાર એક નાટકગૃહમાં રજૂ કર્યા પછી એ નાટ્યગૃહ સિવાય બીજે લઈ જવાનું જરૂરી અને લાભદાયી હોવા છતાં લંડનમાં નિર્માતાઓ માટે શક્ય નથી બનતું. કારણ કે બીજું નાટ્યગૃહ મળવું લગભગ અશક્ય છે. ૨૪૧ થિયેટરોમાંથી ૮૫ ટકા લંડનના મધ્યમાં છે. જ્યારે એકલા વેસ્ટ મિન્સ્ટર વિસ્તારમાં ૩૯ ટકા બેઠકોવાળા ૫૩ આવેલા છે.

લંડનના થિયેટરોમાં રોજ ભજવાતા નાટકો વિશ્વના નામી નાટ્યલેખકોના લખેલા અને નાટકના ઇતિહાસમાં વિશ્વ રંગભૂમિનું સાચું પ્રતિનિધિત્વ ધરાવતા હોય છે. ટૂંકમાં, લંડનનું થિયેટર વિશ્વ રંગભૂમિને જીવંત રાખે છે અને નવી દિશાઓ ખોલે છે. શેક્સપિયરને એણે અમરત્વ અર્પ્યું છે.

(ગુજરાત રાજ્યના પૂર્વ નાણા પ્રધાન સનત મહેતાનો આ લેખ ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકના સૌજન્યથી પ્રસિદ્ધ કર્યો છે)

લંડનની રંગભૂમિઃ પ્રેક્ષક, ગુણ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.