દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન

કેરળમાં ચોમાસાના પ્રારંભ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે વરસાદનું આગમન થયું છે.

કેરળમાં ચોમાસાના પ્રારંભ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે વરસાદનું આગમન થયું છે. ૭ જૂને ડાંગ વલસાડ, નવસારી, સુરત જિલ્લાના કેટલાક તાલુકામાં અને સંઘપ્રદેશમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે મેઘસવારી થઇ હતી. અનેક શહેરો-ગામોમાં તોફાની અઢી ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલ અને જેતપુરમાં હળવા ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત જયારે જૂનાગઢ પંથકમાં ભારે વરસાદને કારણે જૂનાગઢથી વંથલી-મેંદરડા હાઈવે તેમ જ કેશોદ પાસે અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતાં. અમરેલી જિલ્લાનાં ધારી, ચલાલા, સાવરકુંડલામાં પણ ગાજવીજ સાથે ઝાપટાથી અડધો ઈંચ વરસાદ પડયો હતો.

દિલીપ સંઘાણીની રાષ્ટ્રીય કક્ષાએ નિમણૂકઃ ગુજરાતના કો-ઓપરેટિવ રાજકારણમાં સક્રિય થયા પછી રાજકારણમાં પદાર્પણ કરનાર અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કૃષિ અને સહકાર પ્રધાન દિલીપ સંઘાણી નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કસ લિ. (નાફસ્કોબ)ના ચેરમેનપદે બિનહરીફ ચૂંટાયા છે. આ સાથે જ એક સમયે ફિશરીઝ સહિતના અનેક વિવાદોમાં સપડાયા પછી સક્રિય રાજકારણમાંથી હાંસિયા પર મુકાયેલા દિલીપ સંઘાણી પુનઃપદ મેળવવામાં સફળ થયા છે.

જાણીતા વકીલ કિશોર પોલનું અવસાનઃ ૧૯૭૧માં બાંગ્લાદેશનું સર્જન થયું તે ભારત-પાકિસ્તાનના યુધ્ધમાં પાકિસ્તાને બંદી બનાવેલા અને અત્યારે જેલમાં સબડી રહેલા કેદીઓને ન્યાય અપાવવા માટે છેલ્લા દોઢ દાયકાથી લડત આપનાર દેશના એકમાત્ર એડવોકેટ અને એક્ટિવીસ્ટ કિશોર એમ. પોલ (બાવન)નું હૃદયરોગના હુમલાથી ૬ જૂને દિલ્હી એરપોર્ટ ખાતે અવસાન થયું હતું. ૨ જૂને સુપ્રીમ કોર્ટમાં યુધ્ધ કેદીઓના કેસની મુદત હોવાથી બાવન વર્ષીય પોલ દિલ્હી ગયા હતા. ત્યાંથી તેઓ અમૃતસર સુવર્ણ મંદિર દર્શન કરીને, વાઘા બોર્ડર અને જલિયાવાલા બાગના પ્રવાસે ગયા હતા. તેઓ ૬ જૂને અમદાવાદ આવવા માટે દિલ્હી એરપોર્ટ ઉપર હતા ત્યાં હૃદયરોગનો હુમલો આવતા સ્થળ ઉપર જ દેહત્યાગ કર્યો હતો.

પૂર્વ આઇએએસ પદ્મભૂષણ મહેશ બુચનું અવસાનઃ મૂળ ગુજરાતના ૧૯૫૭ બેચના મધ્યપ્રદેશ કેડરના આઇએએસ અધિકારી પદ્મભૂષણ મહેશ નિલકંઠ બુચનું ભોપાલ ખાતે ૬ જૂને અવસાન થયું હતું. સ્વ. બુચ તેમના શહેરના આયોજન માટે જાણીતા હતા અને નવા ભોપાલની રચના તેમના ફાળે જાય છે. ૧૯૫૭ બેચના આઇએએસ અધિકારી બુચને મધ્યપ્રદેશ કેડર ફાળવાઇ હતી. ૧૯૮૪માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી તે પહેલા મધ્યપ્રદેશ અને કેન્દ્રમાં મહત્વના હોદ્દા સંભાળ્યા હતા.

રાજકોટનો રાજવી પરિવાર એચડીએફસી બેન્કનો ડિફોલ્ટરઃ અમદાવાદમાં બોડકદેવની એચડીએફસી બેંક લોનની રૂ. ૪.૬૧ કરોડની રકમ ન ચૂકવતા રાજકોટના રાજવી પરિવારને નોટિસ ફટકારી ‘ડિફોલ્ટર’ જાહેર કર્યા છે. એચડીએફસી બેંકે નોટિસમાં રાજવી પરિવાર જો લોનની બાકીની રકમ ૫૦ દિવસમાં ભરપાઈ ન કરે તો રાજકોટમાં આવેલી તેમની સ્થાવર મિલકતો જપ્ત કરી લેવાની પણ લેખિતમાં જાણ કરી છે. રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં રહેતા મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજા અને તેમના પુત્ર માંધાતાસિંહજી મનોહરસિંહજી, નિઓ કન્ફર્ટ પ્રોડક્ટસ પ્રા. લિ., રાજ લ્યુબ પ્રા. લિ. અને ટ્રાઇડેન્ટ ડેવલપર્સ પ્રા. લિ.ની સામે બોડકદેવની એચડીએફસી શાખાએ ‘ડિફોલ્ટર’ની નોટિસ બહાર પાડી છે.

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.