દિલ્હીના પરિણામઃ સહુએ બોધપાઠ લેવો રહ્યો

દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામોએ લોકસભાના પરિણામો કરતાં પણ મોટું ‘રાજકીય આશ્ચર્ય’ સર્જયું છે. નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીપ્રચાર સમેટાયો તે પૂર્વે છેલ્લી સભા સંબોધતા સાચું જ કહ્યું હતુંઃ જનમત સર્વેક્ષણના આંકડા ક્યારેય સાચા હોતા નથી... તેઓ આંકડા આપે છે કંઇક અને વાસ્તવમાં બને છે કંઇક જૂદું જ. 

દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામોએ લોકસભાના પરિણામો કરતાં પણ મોટું ‘રાજકીય આશ્ચર્ય’ સર્જયું છે. નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીપ્રચાર સમેટાયો તે પૂર્વે છેલ્લી સભા સંબોધતા સાચું જ કહ્યું હતુંઃ જનમત સર્વેક્ષણના આંકડા ક્યારેય સાચા હોતા નથી... તેઓ આંકડા આપે છે કંઇક અને વાસ્તવમાં બને છે કંઇક જૂદું જ. મંગળવારે જાહેર થયેલા દિલ્હીના ચૂંટણી પરિણામોમાં પણ કંઇક આવું જ જોવા મળ્યું. જનમત સર્વેક્ષણના તારણો ‘આપ’ને ૩૨, ૩૬, ૩૮ કે ૪૨ બેઠકો મળવાની વાત કરતાં હતાં, ભાજપને ૨૨, ૨૫ કે ૨૮ બેઠકો મળશે તેવું કહેતા હતા. પણ પરિણામ અલગ જ જાહેર થયું છે. કુલ ૭૦ બેઠકોના ગૃહમાં ૬૭ બેઠકો(!) ‘આપ’એ કબ્જે કરી છે. દિલ્હીમાં સરકાર રચવાના સપનાં નિહાળતો ભાજપ માત્ર ત્રણ બેઠક જીત્યો છે. અને દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસનું તો જાણે પાટનગરમાંથી અસ્તિત્વ જ ભૂંસાઇ ગયું છે. નજીકના ભૂતકાળમાં જ સતત ત્રણ ટર્મ રાજ્યમાં શાસન કરનાર કોંગ્રેસને સમખાવા પૂરતી એક બેઠક મળી નથી! આવી જ હાલત અન્ય પક્ષો કે અપક્ષની છે.
દિલ્હીના ચૂંટણી પરિણામો મુખ્ય પ્રતિસ્પર્ધીઓ ભાજપ કે કોંગ્રેસના નેતૃત્વની સાથોસાથ જ્વલંત વિજય મેળવનાર ‘આપ’ના નેતાઓની પણ ‘ઊંઘ ઉડાડી દે’ તો નવાઇ નહીં. કારમા પરાજય બાદ ભાજપ અને કોંગ્રેસને તો આત્મનિરીક્ષણ કર્યા વગર છૂટકો નથી, પણ ‘આપ’ની ઊંઘ હરામ કરી દે તેવી વાત એ છે કે ગયા વખતે સાદી બહુમતી પણ ન આપનાર દિલ્હીવાસીઓએ આ વખતે બે-તૃતિયાંશ નહીં, ત્રણ-ચતુર્થાંશ કરતાં પણ વધુ બહુમતી સાથે સત્તા સોંપી છે. હવે તેને ચૂંટણી વચનો પૂરા કરવા, લોકોની અપેક્ષાઓ સંતોષવા દિવસરાત એક કરવા પડશે. ‘અમારે તો કામ કરવું છે, પણ (સરકારને બહારથી ટેકો આપતી) કોંગ્રેસ તેમાં રોડાં નાખે છે’ - તેવું કારણ કેજરીવાલે ‘૪૯ દિવસ’ની સરકારના રાજીનામા વેળા આપ્યું હતું. આ વખતે તેમને કામ કરી દેખાડવું પડશે. પ્રજાજનોએ ખંધા રાજકીય નેતાઓ દ્વારા અપાયેલાં વચનો કરતાં કેજરીવાલના શબ્દોમાં વધુ ભરોસો મૂક્યો છે તેવું ચૂંટણી પરિણામ દર્શાવે છે. લોકોની અદમ્ય અપેક્ષાઓના બોજ સાથે શાસન ચલાવવું સહેલું નથી. તમામ શહેરીજનોને ફ્રી પાણી અને ફ્રી વાઇ-ફાઇ, પ્રજાની સલામતી માટે રાજધાનીમાં સીસીટીવી કેમેરા, વીજળી દરોમાં ઘટાડો વગેરે... આ અને આવા બધા ચૂંટણી વચનો સાકાર કરવા મથવું પડશે. તો સાથોસાથ આ બહુમતી, લોકપ્રિયતા માથા પર સવાર ન થઇ જાય તેની પણ સાવચેતી રાખવી પડશે. આ માટે તેણે ભાજપનું ઉદાહરણ નજર સમક્ષ રાખવું રહ્યું.
ગર્વ અને અહંકાર વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. ભાજપ આ ભેદ ભૂલી ગયું અને પરાજયના પંથે પહોંચી ગયું. વિજય માટે આત્મવિશ્વાસ જરૂરી છે, પણ વધુ પડતો આત્મવિશ્વાસ છેવટે નુકસાનકારક જ સાબિત થતો હોય છે તે ભાજપને હવે સમજાયું હશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં લોકસભા ચૂંટણીઓમાં વિજયપતાકા લહેરાવનાર ભાજપ દિલ્હીવાસીઓના દિલ જીતવામાં નિષ્ફળ રહ્યો છે તે દર્શાવે છે કે માત્ર એક ચહેરાના આધારે ચૂંટણીની વૈતરણી પાર કરવી શક્ય નથી. અસરકારક ચૂંટણીવ્યૂહ, મુદ્દાલક્ષી પ્રચાર અને પક્ષમાં પ્રવર્તતા આંતરિક અસંતોષનું નિવારણ પણ એટલું જ આવશ્યક છે. પક્ષના પાયાના કાર્યકરો-નેતાઓની ઉપેક્ષા કરો અને થોડાક કલાક પૂર્વે જ પક્ષમાં જોડાયેલા ઉમેદવારોને ખભે બેસાડો તો આવું જ થાય. પક્ષે આંતરિક નારાજગીની ઉપેક્ષા કરી હતી તેનું પરિણામ ચૂંટણી પરિણામમાં ઝલકે છે. પક્ષના પરાજયમાં નકારાત્મક પ્રચારશૈલીનું બહુ મોટું પ્રદાન ગણવું રહ્યું. જરા ભૂતકાળમાં ડોકિયું કરશો તો જણાશે કે લોકસભા ચૂંટણીવેળા બધા પ્રતિસ્પર્ધીઓએ ચોમેરથી ભાજપ સામે નકારાત્મક પ્રચારનો મારો ચલાવ્યો હતો, જેનો ફાયદો ભાજપને ચૂંટણી પરિણામમાં જોવા મળ્યો હતો. દિલ્હીની ચૂંટણીમાં ભાજપના સ્થાને ‘આપ’ હતી. ભાજપ, કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ ‘આપ’ને નિશાન બનાવીને બેફામ પ્રચાર કર્યો હતો. ‘આપ’ અને કેજરીવાલને ભાગેડું અને આવડત વગરના ગણાવવાથી માંડીને ભ્રષ્ટ, બોલ્યું ન પાળનારા, અરાજક્તા ફેલાવતા નક્સવાદીઓ જેવા ગણાવ્યા હતા. છેવટે થયું શું? ‘આપ’ને તેની સામે થયેલો નકારાત્મક પ્રચાર ફળ્યો. ભાજપ અને તેનું નેતૃત્વ લોકસભા બાદ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં મળેલા વિજયમાં રત હતો ત્યારે ‘આપ’ દિલ્હીમાં મતદારો સાથે સંપર્ક વધારવાના કામે લાગી હતી. ભાજપે કીડી જેવા કેજરીવાલને રગદોળવા નરેન્દ્ર મોદીથી માંડીને જુદા જુદા રાજ્યોના નેતાઓનું કટક દિલ્હીમાં ઉતાર્યું હતું, પણ કોઇ કારી ફાવી નહીં. મતદારોએ કોઇના પણ પ્રભાવમાં તણાયા વગર પોતાને યોગ્ય લાગ્યા તે ઉમેદવારને જ વિજયની વરમાળા પહેરાવી.
ભાજપ, કોંગ્રેસ, ‘આપ’ સહિતના તમામ રાજકીય પક્ષોએ ભારતનો રાજકીય ઇતિહાસ યાદ રાખવો રહ્યો. ઇંદિરા ગાંધીનો રાજકીય સૂરજ મધ્યાહને હતો ત્યારે સત્તાના મદમાં, ૧૯૭૫માં તેમણે દેશમાં કટોકટી લાદી. કટોકટી બાદ યોજાયેલી ચૂંટણીમાં ઇંદિરા ગાંધીનો કારમો પરાજય થયો. લોકોએ જનતા પક્ષને ૧૯૭૭માં સત્તાના સૂત્રો સોંપ્યા. મોરારજી દેસાઇ વડા પ્રધાન બન્યા. થોડીક અણઆવડત, થોડાક ગોટાળા, આંતરિક ખેંચતાણના પરિણામે ’૭૯માં જનતા પક્ષની સરકારનો કરુણ રકાસ થયો... ’૮૪માં ઇંદિરા ગાંધીની હત્યા થઇ અને સહાનૂભૂતિના મોજાં પર સવાર થઇને કોંગ્રેસે વિરાટ બહુમતી સાથે ફરી દેશનું સુકાન સંભાળ્યું. પણ આજે પક્ષની શું દશા છે તે કહેવાની જરૂર ખરી? પક્ષના નેતૃત્વનો જ્યારે પાયાના કાર્યકર કે પ્રજા સાથેનો સંપર્ક તૂટે છે ત્યારે આવો જ રકાસ થતો હોય છે - કોંગ્રેસ અને ભાજપ બન્નેએ આ ચૂંટણી પરિણામના સૂચિતાર્થ સમજવા રહ્યા.

દિલ્હીના પરિણામઃ સહુએ બોધપાઠ લેવો રહ્યો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.